Gujarat

“ડાયમંડ સિટીથી ગ્લોબલ ગેટવે સુધી: સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાનનું નવું સપનું”

સુરત હવે માત્ર ડાયમંડ અને ટેક્સટાઇલ હબ તરીકે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય એવિએશન નકશા પર મજબૂત સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. શહેરના ઉદ્યોગકારો અને વેપારીઓની લાંબા સમયથી રહેલી માંગ હવે કેન્દ્ર સરકાર સુધી પહોંચી છે. સુરતને “પોઇન્ટ ઓફ કોલ” તરીકે જાહેર કરવાની માંગ સાથે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે SGCCI દ્વારા દિલ્હીમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી.

કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી C. R. Patil ની મધ્યસ્થતાથી યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી Kinjarapu Ram Mohan Naidu સમક્ષ સુરતના એવિએશન વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. સાથે જ બેઠક દરમિયાન ચેમ્બરના પ્રતિનિધિઓએ સુરતની આર્થિક શક્તિ, ઝડપી વિકાસ અને વૈશ્વિક વેપારક્ષેત્રમાં વધતી ભૂમિકા અંગે વિગતવાર રજૂઆત કરી

પ્રતિનિધિમંડળે જણાવ્યું કે સુરત આજે ડાયમંડ, ટેક્સટાઇલ, કેમિકલ્સ અને MSME ક્ષેત્રે વિશ્વસ્તરે ઓળખ ધરાવે છે. છતાં પણ શહેરને આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટીમાં પૂરતો લાભ મળતો નથી. ખાસ કરીને દુબઈ, શારજાહ અને બેંગકોક માટે અગાઉ શરૂ થયેલી સીધી ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની જોરદાર માંગ કરવામાં આવી.સાથે જ સુરતને દ્વિપક્ષીય એર સર્વિસ એગ્રીમેન્ટ હેઠળ “પોઇન્ટ ઓફ કોલ” તરીકે સામેલ કરવાની માંગ પણ મંત્રી સમક્ષ મુકાઈ. વેપારીઓએ જણાવ્યું કે આ નિર્ણય સુરતના આંતરરાષ્ટ્રીય વેપાર, નિકાસ અને રોકાણ માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

મુંબઈ સાથે વધુ મજબૂત દૈનિક એર કનેક્ટિવિટી, દિલ્હી માટે વધારાની ફ્લાઈટ ફ્રિકવન્સી તેમજ ભુવનેશ્વર માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી. ઉપરાંત જોધપુર, જેસલમેર, રાંચી, પટના, વારાણસી, કોચી, કોઈમ્બતુર, ઇન્દોર અને લખનઉ જેવા શહેરો સાથે નવી હવાઈ સેવા શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી.SGCCI એ “ઉડાન” યોજના હેઠળ સુરત માટે નવા રૂટ્સ મંજૂર કરવાની માંગણી સાથે એરપોર્ટના આધુનિકીકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો. વધતા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખી PPP મોડલ આધારિત ડેવલપમેન્ટ કરવાની દરખાસ્ત મંત્રી સમક્ષ મુકાઈ.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુએ તમામ માંગણીઓને સકારાત્મક રીતે સાંભળી અને યોગ્ય વિચારણા સાથે ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી. હવે સુરતવાસીઓની નજર એ પર ટકેલી છે કે શહેરને ક્યારે આંતરરાષ્ટ્રીય ઉડાનનું સાચું પાંખ મળશે.

Most Popular

To Top