ટી20 મુંબઈ 2026ની ફાઇનલ મેચ માત્ર રોમાંચક ક્રિકેટ માટે જ નહીં, પરંતુ મેદાન પર સર્જાયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા માટે પણ યાદગાર બની રહી. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં આર્ક્સ અંધેરી અને મરાઠા રોયલ્સ વચ્ચે રમાયેલી ખિતાબી ટક્કર દરમિયાન ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં એક સમયે મારપીટની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જોકે અમ્પાયરો અને બંને ટીમના ખેલાડીઓએ સમયસર હસ્તક્ષેપ કરીને મામલો વધુ બગડતો અટકાવ્યો હતો. મેચની બીજી ઇનિંગ દરમિયાન જ્યારે આર્ક્સ અંધેરી જીત માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે 19મી ઓવરમાં આ સમગ્ર ઘટના બની હતી. ઓવરના બીજા બોલ પર અંધેરીના બેટ્સમેન ગૌરવ જઠારે શાનદાર સિક્સર ફટકારી પોતાની ટીમની આશાઓ જીવંત રાખી હતી. જોકે આગામી જ બોલ પર ઇરફાન ઉમૈરે તેને આઉટ કરી દીધો હતો. વિકેટ ગુમાવ્યા બાદ ગૌરવ જઠાર નિરાશ થઈને પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે ડગઆઉટ નજીક ફિલ્ડિંગ કરી રહેલા મરાઠા રોયલ્સના ખેલાડી રોહન રાજે સાથે તેની બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
શરૂઆતમાં બંને ખેલાડીઓ વચ્ચે માત્ર શબ્દયુદ્ધ જોવા મળ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં વાત વધુ ઉગ્ર બની ગઈ. મેદાન પર હાજર ચોથા અમ્પાયરે તાત્કાલિક બંને ખેલાડીઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો અને થોડા સમય માટે સ્થિતિ કાબૂમાં પણ આવી ગઈ હતી. જોકે બંને ખેલાડીઓ ફરી એકબીજાની નજીક આવ્યા અને તીખી દલીલ શરૂ થઈ ગઈ. વાતાવરણ એટલું તંગ બની ગયું કે બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર દોડી આવ્યા હતા. આર્ક્સ અંધેરીના ખેલાડીઓએ ગૌરવ જઠારને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, જ્યારે મરાઠા રોયલ્સના ખેલાડીઓએ રોહન રાજેને દૂર લઈ જઈ મામલો વધુ ન વધે તેની કાળજી લીધી. થોડા સમય માટે મેચનું વાતાવરણ સંપૂર્ણપણે ગરમાઈ ગયું હતું અને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ આ ઘટનાને લઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સદનસીબે, કોઈ શારીરિક અથડામણ થઈ નહોતી અને રમત ફરી શરૂ થઈ શકી હતી.
મેચની વાત કરીએ તો મરાઠા રોયલ્સે દબાણ વચ્ચે શાનદાર રમત બતાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. સિદ્ધેશ લાડની કેપ્ટનશીપ હેઠળ રમતી ટીમે પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટે 154 રનનો સ્પર્ધાત્મક સ્કોર ઉભો કર્યો હતો. ટીમ તરફથી ચિન્મય રાજેશ સુતારે સૌથી વધુ 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે મરાઠા રોયલ્સ મજબૂત સ્થિતિમાં પહોંચી હતી. જવાબમાં આર્ક્સ અંધેરીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 146 રન જ બનાવી શકી હતી. છેલ્લી બે ઓવરમાં અંધેરીને જીત માટે 24 રનની જરૂર હતી. 19મી ઓવરમાં ટીમે 11 રન મેળવી મેચમાં રોમાંચ જાળવી રાખ્યો હતો, પરંતુ છેલ્લી ઓવરમાં રોહન રાજેએ શાનદાર બોલિંગ કરીને માત્ર 5 રન જ આપ્યા હતા. તેના કારણે મરાઠા રોયલ્સે 8 રને યાદગાર જીત નોંધાવી ખિતાબ પર કબજો જમાવ્યો હતો.
આર્ક્સ અંધેરીની ટીમમાં ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પણ સામેલ હતો, પરંતુ તે બેટથી ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. અર્જુને 12 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 39 વર્ષીય રોહન રાજે ભૂતકાળમાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે 2008 અને 2009ની સીઝનમાં કુલ 10 મેચ રમી હતી. જોકે 2017 બાદ તેને મુંબઈની સિનિયર સ્થાનિક ટીમમાં રમવાની તક મળી નહોતી. હવે T20 મુંબઈની ફાઇનલમાં તેની બોલિંગ અને મેદાન પર સર્જાયેલા વિવાદ બંને ચર્ચાનો વિષય બન્યા છે.