Kalol

એરાલ ગામે 21 વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું: ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર

ઘરના પાછળના રૂમમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આપઘાત, પરિવાર પર આભ ફાટ્યું
વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ, કારણ હજુ અકબંધ

કાલોલ: કાલોલ તાલુકાના એરાલ ગામે એક કરુણ ઘટનામાં 21 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. ઘટનાને લઈને વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એરાલ ગામના પાણીયા ફળિયામાં રહેતા ગુલસિંહ સનાભાઈ રાઠવાની પુત્રી રીંકુબેન ગુલસિંહ રાઠવા (ઉં.વ. 21)એ ગત 12 જૂન, 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે પોતાના ઘરના પાછળના ભાગે આવેલા રૂમમાં અગમ્ય કારણોસર ઓઢણી વડે લાકડાના વળા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો.
પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં યુવતીનું મોત નીપજ્યું હતું. આ અચાનક અને દુઃખદ ઘટનાથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
બનાવ અંગે મૃતકના પિતા ગુલસિંહ સનાભાઈ રાઠવાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી બહાર આવ્યું નથી અને પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top