ગાંધીનગર,તા.14
ગુજરાત ભાજપની નેતાગીરીએ ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનું ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જામનગરમાં જણાવ્યું હતું કે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત માત્ર બેઠકોની ફાળવણી નથી, પરંતુ દેશના નીતિ-નિર્ધારણમાં નારીશક્તિની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો મજબૂત પાયો છે. આગામી ૧૬ એપ્રિલથી સંસદમાં આ વિષય પર વિશેષ ચર્ચા યોજાશે જે ભારતની લોકશાહીને વધુ સર્વસમાવેશી બનાવશે. આ અધિનિયમ, ‘લખપતિ દીદી’ અને ‘નમો લક્ષ્મી’ જેવી યોજનાઓ સાથે મળીને ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં અને શાસનમાં વધુ સંવેદનશીલતા લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ અધિનિયમ દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ એ માત્ર આંકડાકીય ફેરફાર નથી, પરંતુ મહિલાઓને દેશના નીતિ-નિર્ધારણમાં સક્રિય ભાગીદારી આપતો મજબૂત પાયો છે.
વિશ્વકર્માએ માહિતી આપી હતી કે, આગામી ૧૬ એપ્રિલ, ૨૦૨૬થી સંસદમાં આ અધિનિયમ અને મહિલા સશક્તિકરણ અંગે વિશેષ ચર્ચા યોજાનાર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, વર્ષ ૨૦૨૩માં જે રીતે તમામ પક્ષોએ એકમતે આ કાયદાને સમર્થન આપ્યું હતું, તેમ આ વિશેષ સત્રમાં પણ દેશની એકતા અને નારીશક્તિ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થશે.
વિકાસના ચાર સ્તંભોમાં નારીશક્તિ અગ્રેસર
વડાપ્રધાન મોદીના વિઝન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે • GYAN મોડેલ: ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એ વિકાસના ચાર મુખ્ય સ્તંભો છે. દેશની અડધી આબાદી જ્યારે સક્રિય નેતૃત્વમાં આવશે ત્યારે જ સર્વાંગી વિકાસ શક્ય બનશે.• ઐતિહાસિક નિર્ણયો: ત્રિપલ તલાકનો અંત અને સશસ્ત્ર દળોમાં મહિલાઓને કાયમી સ્થાન આપવા જેવા નિર્ણયોએ ભારતીય નારીના ગૌરવમાં વધારો કર્યો છે. • આર્થિક સ્વતંત્રતા: ‘ડ્રોન દીદી’, ‘લખપતિ દીદી’ અને ‘ઉજ્જવલા’ જેવી યોજનાઓ દ્વારા કરોડો મહિલાઓ આત્મનિર્ભર બની છે.
ગુજરાતની મહિલાલક્ષી નીતિઓની પ્રશંસા કરતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં બહેનોનો મોટો ફાળો છે. ‘સખી મંડળો’ અને ‘મુદ્રા યોજના’થી લાખો મહિલાઓ ઉદ્યોગસાહસિક બની છે. ઉપરાંત, શિક્ષણ માટે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ ભવિષ્યની મહિલા લીડર્સ તૈયાર કરી રહી છે, જ્યારે સુરક્ષા માટે ‘અભયમ ૧૮૧’ જેવી વ્યવસ્થા કાર્યરત છે. અંતમાં જગદીશ વિશ્વકર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે મહિલાઓ રાજકીય ફલક પર નિર્ણાયક ભૂમિકા ભજવશે, ત્યારે શાસનમાં વધુ સંવેદનશીલતા અને પારદર્શિતા આવશે. આ અધિનિયમ ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની કડી સાબિત થશે.