Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા

કેસરીસિંહ સોલંકીનો કોંગ્રેસમાં પ્રવેશ
ગાંધીનગર,તા.14
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજકીય ચિત્ર લગભગ સ્પષ્ટ બનતું જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં જ મોટા પાયે ફોર્મ રદ અને પરત ખેંચાવાની ઘટનાઓ વચ્ચે ભાજપે અનેક બેઠકો પર બિનહરીફ જીત મેળવી રાજકીય લીડ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસ ઘણી જગ્યાએ બેકફુટ પર જોવા મળી રહી છે.ઉમેદવારી પ્રક્રિયામાં રાજ્યભરમાં કુલ 39,346 ફોર્મ ભરાયા હતા, જેમાંથી સંખ્યાબંધ ફોર્મ નામ મતદાર યાદીમાં ન હોવા, સોગંદનામા સહિતની ખામીઓને કારણે રદ કરાયા છે. ઉપરાંત ઘણા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે. આવતીકાલ 15 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી અંતિમ રાજકિય ચિત્ર વધુ સ્પષ્ટ થવાનું બાકી છે.પરંતુ હાલના ટ્રેન્ડ મુજબ ભાજપને પ્રારંભિક લીડ મળી ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલની સ્થિતિ મુજબ ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને અનેક બેઠકો પર બિનહરીફ જીત મેળવી આગળ વધી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ સંગઠનાત્મક અને રાજકીય પડકારો વચ્ચે સંઘર્ષ કરી રહી છે.

ભાજપનો આણંદમાં દબદબો, કોંગ્રેસના ગઢમાં જ ગાબડું
આણંદ જિલ્લામાં ભાજપે જોરદાર પ્રદર્શન કરતાં પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભરત સોલંકી અને અમિત ચાવડાના ગઢમાં જ ગાબડું પાડ્યું છે. જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા સહિત કુલ 25 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે.ચિખોદરા અને વણસોલ જેવી જિલ્લા પંચાયત બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપને સીધી જીત મળી. આણંદમાં ચૂંટણી પહેલાં જ ભાજપે જીતનું ખાતું ખોલી મજબૂત શરૂઆત કરી છે.
ભરત સોલંકી અને અમિત ચાવડાના હોમ ગ્રાઉન્ડમાં ભાજપની એન્ટ્રી
આણંદ જિલ્લામાં ભાજપે કોંગ્રેસની રણનીતિને પછાડીને ૨૫ બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યો છે. જેમાં જિલ્લા પંચાયતની ચિખોદરા, પાળજ અને વણસોલ જેવી મહત્વની બેઠકોનો સમાવેશ થાય છે.

  • મહત્વની જીત: ચિખોદરા બેઠક પર કોંગ્રેસના નિતાબેન પરમારે ફોર્મ પરત ખેંચતા ભાજપના સપનાબેન પરમાર વિજેતા જાહેર થયા છે.
  • બિનહરીફ બેઠકો: પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં. ૩ અને ૬ની સાત બેઠકો, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૮ અને ૯ની પાંચ બેઠકો તથા સોજીત્રા, તારાપુર અને ખંભાતની વિવિધ બેઠકો પર ભાજપે જીતનું ખાતું ખોલાવ્યું છે.
    કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ – ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતાર્યા
    ભાજપ દ્વારા ઉમેદવારોને તોડવાના ડરથી કોંગ્રેસે આક્રમક રક્ષણાત્મક રણનીતિ અપનાવી છે.
  • સુરત: નિલેશ કુંભાણી જેવો ઘાટ ફરી ન સર્જાય તે માટે ૪૦ મજબૂત ઉમેદવારોને શહેર બહાર ફાર્મ હાઉસમાં ખસેડાયા છે અને તેમના મોબાઈલ ફોન પણ જમા કરી લેવાયા છે.
  • સુરેન્દ્રનગર અને મોરબી: સુરેન્દ્રનગરમાં ૪૫થી વધુ અને મોરબીમાં ૩ ઉમેદવારોને ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.
    ચૂંટણી પંચમાં ફરિયાદ અને ભાજપ પર પ્રહારો
    પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ અને પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને ૨૫-૨૫ લાખની ઓફર આપી અથવા ધાકધમકી આપી ફોર્મ પરત ખેંચાવાઈ રહ્યા છે.” આ મામલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પુરાવાઓ સાથે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા પહોંચ્યું છે. બીજી તરફ ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો પર ભરોસો નથી અને હાર ભાળી જવાથી તેઓ ડરેલા છે.

કેસરીસિંહ સોલંકીનો કોંગ્રેસમાં પ્રવેશ: નવો વળાંક
આ રાજકીય ખેંચતાણ વચ્ચે ખેડાની માતર બેઠકના પૂર્વ ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભારે સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. કોંગ્રેસમાં જોડાતા જ કેસરીસિંહે ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચાર અને પોલીસની મદદથી ડર ઉભો કરવાનો આક્ષેપ કરી રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.2014 અને 2017માં ભાજપમાંથી જીતેલા સોલંકી 2022માં ટિકિટ ન મળતા બળવો કર્યો હતો અને બાદમાં સસ્પેન્ડ થયા હતા. હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે.

Most Popular

To Top