Gujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ

ગાંધીનગર,તા.14
ભારતીય બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે આજે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવન ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ઉપસ્થિત રહીને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ભાવવંદના કરી હતી.

  • વિધાનસભા પોડિયમ: મુખ્યમંત્રીએ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે બાબા સાહેબના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.
  • પ્રેરણા ભૂમિ: ત્યારબાદ વિધાનસભા સંકુલ સામે આવેલ ‘પ્રેરણા ભૂમિ’ ખાતે સ્થાપિત ડૉ. આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા.
  • વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ: આ અવસરે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ બાબા સાહેબના જીવન ઝાંખી પર પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું, જેણે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
    ‘જય ભીમ’ના નારાથી ગુંજી ઉઠ્યું વાતાવરણ
    મુખ્યમંત્રી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદની વચ્ચે ઉજવણીમાં સહભાગી થયા હતા, જ્યાં સમગ્ર વાતાવરણ ‘જય ભીમ’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી પ્રદ્યુમન વાજા સહિત મંત્રીમંડળના સદસ્યો, ધારાસભ્યો અને સંતો-મહંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top