ગાંધીનગર,તા.14
ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના પ્રસંગે આજે ગાંધીનગરના લોકભવન ખાતે “સામાજિક સમરસતા મહોત્સવ” ભવ્યતાપૂર્વક યોજાયો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ સામાજિક એકતા અને અંત્યોદયનો મંત્ર ગુંજાવ્યો હતો.
રાષ્ટ્રપતિનો સમરસતાનો મંત્ર: “શિક્ષિત બનો, સંગઠિત બનો”
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાબાસાહેબને ભાવાંજલિ અર્પતા પછાત અને વંચિત વર્ગોના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,• છેવાડાનો માનવી: સમાજના અંતિમ વ્યક્તિને મુખ્યધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્રસેવા છે.• શિક્ષણની શક્તિ: બાબાસાહેબના “શિક્ષિત બનો”ના સંદેશને યાદ કરી તેમણે વંચિત પરિવારોને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા આહ્વાન કર્યું હતું.• સમરસ ગામડાં: ‘વિકસિત ભારત’નો પાયો સમરસ ગામડાંઓ છે. જ્યારે ગામડાં આત્મનિર્ભર બનશે ત્યારે જ દેશ સાચા અર્થમાં પ્રગતિ કરશે.રાષ્ટ્રપતિએ પોતાના પિતાના બોધપાઠને યાદ કરતા ભાવુક થઈને કહ્યું હતું કે, “ગમે તેટલા મોટા બનો, પણ હંમેશા વળીને જોજો કે કોઈ જરૂરિયાતમંદ પાછળ ન રહી જાય.” રાષ્ટ્રપતિએ ગુજરાતના ડેરી ઉદ્યોગ અને પશુપાલકોની મહેનતને બિરદાવતા કહ્યું હતું કે ભારત આજે દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ છે, તેમાં ગુજરાતનો ફાળો સિંહફાળો છે.
રાજ્યપાલનો સંકલ્પ – ૨૬૭ તાલુકામાં જનસંવાદ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિના જીવનને સંઘર્ષ અને તપસ્યાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે પોતાનો મહત્વનો સંકલ્પ જાહેર કરતા કહ્યું કે તેઓ ગુજરાતના ૨૬૭ તાલુકાઓમાં રાત્રિ રોકાણ કરી જનસંવાદ કરશે અને વંચિતોના ઘરે ભોજન લઈ હૃદયથી હૃદયનું જોડાણ સ્થાપિત કરશે. તેમણે વેદોનો સંદર્ભ આપી જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ભેદભાવને કોઈ સ્થાન નથી.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું વિઝન
- સીએમ ભૂપેન્દ્ર પટેલ: મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી ‘સંવિધાન વંદના’ સાથે દલિત, પીડિત અને શોષિતોના કલ્યાણને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમણે ૧૬ એપ્રિલના સંસદના વિશેષ સત્ર અને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને વિકસિત ભારત માટે અનિવાર્ય ગણાવ્યો હતો.
- ડે.સીએમ હર્ષ સંઘવી: નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતની ધરાને સામાજિક ન્યાયની સાક્ષી ગણાવી હતી. તેમણે રાજ્યપાલના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાના અને ગરીબો સાથે ભોજન લેવાના અભિગમને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી પ્રદ્યુમન વાજા સહિત અનેક પદાધિકારીઓ અને ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને વધુ મજબૂત કરનારો સાબિત થયો હતો.