સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલું ‘વાડી’ ગામ આજે પણ પોતાની આગવી ઓળખ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે જાણીતું છે. નેશનલ હાઈવે નં.56 પર સ્થિત આ ગામ માત્ર એક વસાહત નથી, પરંતુ પ્રકૃતિના ખોળે વસેલું એક જીવંત ઉદાહરણ છે. આશરે 800થી 1000 વર્ષ પૂર્વે જ્યારે આ વિસ્તાર ગીચ જંગલોથી ઘેરાયેલો હતો, ત્યારે પૂર્વજોએ પાણીની વિપુલ સુવિધા અને લીલાછમ વાતાવરણને જોઈને અહીં વસવાટ કરવાનું નક્કી કર્યું હતું. ગામની મધ્યમાંથી વહેતા ગોપલ કોતર અને વડલાવાળા કોતરની ફળદ્રુપ જમીનમાં પૂર્વજોએ આંબા અને શાકભાજીની વાડીઓ બનાવી હતી, જેના કારણે આ ગામનું નામ ‘વાડી’ તરીકે પ્રખ્યાત થયું છે.
ભૌગોલિક દૃષ્ટિએ જોતાં વાડી ગામ 1,457.77 હેક્ટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. ગામની સીમાઓ પૂર્વમાં ઉમરઝર, દક્ષિણમાં પાડા, માંડણ, ગુંડીકૂવા અને આમલીદાબડા સાથે જોડાયેલી છે, જ્યારે ઉત્તરમાં નસારપુર અને મીરાપોર તથા પશ્ચિમમાં ઉમરકૂઇ-ઝંખવાવનો સીમાડો આવેલો છે. તાલુકા મથક ઉમરપાડાથી 17 કિમી પશ્ચિમમાં અને જિલ્લાના મુખ્ય મથક સુરતથી 99 કિમી પૂર્વમાં આવેલું આ ગામ મુખ્ય વાડી ઉપરાંત રેટા, કેલીકૂવા, જામફળ ફળિયા જેવા પેટા ફળિયાઓમાં વહેંચાયેલું છે.
વસતી ગણતરી 2011ના આંકડા મુજબ ગામની કુલ વસતી 5,648 છે, જેમાં 2,858 પુરુષો અને 2,790 મહિલાનો સમાવેશ થાય છે. ગામમાં અનુસૂચિત જનજાતિની વસતી 5,468 જેટલી મોટી સંખ્યામાં છે, જે ગામની આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે. ગામમાં કુલ 1,278 કુટુંબો વસવાટ કરે છે અને કુલ 4,002 નોંધાયેલા મતદાર છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આજે પણ આ ગામ પોતાના પૂર્વજોએ આપેલાં કુદરતી સંસાધનો અને વાડીઓના વારસાને જાળવીને વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.
1957માં સ્વ.દિલાવરસિંહના અવસાન સાથે આદિવાસી દુમાલા સ્ટેટનો અંત આવ્યો હતો
રાજગાદીની પરંપરા અને પ્રથા મુજબ, વાડી દુમાલા સ્ટેટની ગાદી પર જ્યેષ્ઠ પુત્ર ક્રમશઃ બિરાજમાન થતા આવ્યા છે, જેમાં પ્રથમ સ્વ.રાયસિંગ નાનાભાઈ વસાવા, ત્યારબાદ સ્વ. ઉમેદ રાયસિંગ વસાવા, સ્વ.કાગુભાઈ ઉમેદભાઈ વસાવા, સ્વ.અમરસિંહ કાગુભાઈ વસાવા, સ્વ.કરમસિંહ અમરસિંહ વસાવા, સ્વ.જશવંતસિંહ કરમસિંહ વસાવા અને છેલ્લે સ્વ.દિલાવરસિંહ જશવંતસિંહ વસાવા રાજગાદી પર બિરાજમાન થયા હતા. વર્ષ-1948માં આઝાદી બાદ રજવાડાઓના વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને 1957માં સ્વ.દિલાવરસિંહના અવસાન સાથે આ આદિવાસી દુમાલા સ્ટેટનો અંત આવ્યો હતો. વાડી દુમાલા સ્ટેટ એ વાલિયા મહાલ તાબાનું આદિવાસી રાજાનું સ્ટેટ હતું, જેની હસ્તક તે સમયે વાડી, નસારપોર, ઉંમરઝર, ગુંદિકૂવા, પાડા, માંડણ, વહાર, બલાલકૂવા, આમલીદાબડા, કડવીદાદરા, સામપુરા, ચિતલદા, ઉંમરખાડી, રાણીકુંડ, ઝરપણ, સરવણ ફોકડી, નવાગામ, ટુંડી, ગોંડલીયા, કાલીજામાણ, બીજલવાડી, સાડદાપાણી, ચારણી અને વેલાવી જેવાં કુલ 24 ગામો આવતાં હતાં. તાલુકા વિભાજન દરમિયાન આ ગામોનો વાલિયા મહાલમાંથી માંગરોળ તાલુકામાં (અને હાલ ઉમરપાડા તાલુકામાં) સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જ્યારે વાડી ગામનો વહીવટ જિલ્લા લોકલ બોર્ડ હસ્તક સોંપવામાં આવ્યો, ત્યારે વાડી ગ્રામ પંચાયત વિસ્તાર માટે જિલ્લા લોકલ બોર્ડના સર્વપ્રથમ સભ્ય તરીકે વાડી ગામના વડીલ અને અગ્રણી સ્વ.દામજીભાઈ રતાજીભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી હતી.
પ્રદૂષણમુક્ત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર રળિયામણું ગામ

વાડી ગામ એ ડુંગરાળ અને જંગલ પ્રદેશની વચ્ચે વસેલું, પ્રદૂષણમુક્ત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એક રળિયામણું ગામ છે. આ ગામની પૂર્વ તથા દક્ષિણ દિશાએ કુકડા ડુંગર અને તેની હારમાળાઓ, ઉત્તરે ત્રણ તાળ (તીન તાળીયા) ડુંગરની ટેકરીઓ તેમજ પશ્ચિમે મરાલીયા ડુંગર (વાંદાર મહુડીનો વિસ્તાર) આવેલ છે, જે ગામને કુદરતી રીતે આરક્ષિત કરે છે. ગામની મધ્યમાં આવેલ ગોપલઝરણું અને વડાકોતરમાં વર્ષાઋતુ દરમિયાન ડુંગરોની ખીણમાંથી વહેતા પાણીના સ્ત્રોત કાયમ જીવંત રહે છે. આ ઉપરાંત ગામની દક્ષિણ દિશાએ 7 હેક્ટર, 53 આર અને 73 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતું એક વિશાળ ગામ તળાવ આવેલું છે. કુકડા ડુંગરની હારમાળાઓથી સુરક્ષિત આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો હોવાથી ગ્રામજનો અને પશુઓને બારેમાસ પાણીની સુવિધા મળી રહે છે. આ જળસંગ્રહને કારણે ગામના ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા રહે છે, જેથી કૂવા અને બોરમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થાય છે. તળાવના કાંઠે પશુઓ માટે ઘાસચારો અને પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા રહે છે. વર્ષાઋતુમાં ડુંગરાળ જંગલ વિસ્તાર હોવાથી ધરતી પર લીલુંછમ ઘાસ અને વનસ્પતિ ખીલી ઊઠે છે, જેને કારણે પ્રકૃતિ સોળે કળાએ મહોરી ઊઠે છે. ખેતરોમાં લહેરાતાં લીલાંછમ પાક અને આહલાદક વાતાવરણ સમગ્ર પંથકને મનોહર બનાવી અનેરો આનંદ આપે છે.
ઐતિહાસિક સ્મારક વાવ

વાડી ગામ મૂળ દુમાલા રજવાડાનું હોવાથી તે સમયે ત્યાં પીવાના પાણીની ભારે અછત રહેતી હતી. જનતાની સુખાકારી માટે પૂર્વજ વડીલ સ્વ.રાયસીંગભાઈ (ઉર્ફે રડવાભાઈ) વસાવાએ ગામના ઊંચાઈવાળા ભાગ પર એક ઊંડી વાવ અને કૂવો ખોદાવીને મંદિર આકારની મજબૂત ઈમારતનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે વાડીના પૂર્વજોના સ્મારકરૂપે અડીખમ ઊભી છે. આ વાવમાં નીચે ઊતરવા માટે છેક ૭૦ ફૂટ સુધી પગથિયાં બનાવેલાં છે, જ્યાં અંદર જતાં કૂવો આવે છે, જેમાં બારેમાસ પાણી ભરેલું રહે છે. એ જમાનામાં મશીન કે ઇલેક્ટ્રિક મોટરની સુવિધા ન હોવાથી લોકો સરળતાથી નીચે ઊતરીને પાણી ભરી શકે એ હેતુથી આ પગથિયાંવાળી રચના કરવામાં આવી હતી. મંદિર જેવી આ પૌરાણિક અને ઐતિહાસિક ઈમારત આજે પણ વાડી ગામની સંસ્કૃતિ અને સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. તેની અદભૂત કલા-કારીગરી ખરેખર નિહાળવા જેવી છે. જો કે, આ ઇમારત પર કોઈ લખાણ કે તક્તિ ન હોવાથી તેના ચોક્કસ સમયગાળા વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ તે ગામની સ્થાપના સમયે પૂર્વજ વડીલો દ્વારા નિર્મિત સ્થાપત્ય કલાનો એક બેનમૂન નમૂનો છે એ હકીકત ચોક્કસ છે.
ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ
વાહન વ્યવહાર: વાડી ગામ ઉંમરપાડા તાલુકાનું એક મોટું અને પૂરતી સગવડતા ધરાવતું ગામ છે. આ ગામ ચારેય દિશાઓથી રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ તેમજ જિલ્લા પંચાયતના પાકા રસ્તાઓ સાથે જોડાયેલું છે. પાકા રસ્તાઓની ઉત્તમ સુવિધાને કારણે એસ.ટી. બસ તેમજ ખાનગી વાહનો મારફતે તાલુકા, જિલ્લા કે રાજ્યના કોઈપણ શહેર કે વિસ્તાર સાથે સહેલાઈથી સંપર્ક કરી શકાય છે.
રેલવે સુવિધા: વાડી ગામ સીધું રેલવે લાઇનથી જોડાયેલું નથી, પરંતુ ગામથી માત્ર 4 કિ.મી. દૂર ઝંખવાવ રેલવે સ્ટેશન આવેલું છે, જ્યાં હાલ મોટી લાઇન (બ્રોડગેજ) બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
-આરોગ્ય અને જાહેર સેવાઓ: ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનું, પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત કચેરી અને બસ સ્ટેન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં હાટ બજાર પણ ભરાય છે.
પાણી અને વીજળી: ગામમાં વીજ પુરવઠો અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા છે. ‘નલ સે જલ’ યોજના હેઠળ પાણીની ટાંકી અને બોર મારફતે ઘરે-ઘરે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત ગ્રામજનો પોતાના ખાનગી કૂવા અને બોર દ્વારા પણ પીવાનું તેમજ ખેતી માટે સિંચાઈનું પાણી મેળવે છે.
ઉદ્યોગ અને રોજગારી: વાડીમાં કુલ 18 જેટલા પથ્થર ક્વોરી ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોને કારણે સ્થાનિક ગ્રામજનોને આર્થિક રીતે સારી રોજગારી મળી રહે છે.
ગેઝેટેડ વર્ગ-1ના અધિકારીઓ
(1) અમરસિંહ વેસ્તાભાઈ વસાવાનો જન્મ વાડી ગામમાં મધ્યમ ખેડૂત કુટુંબમાં થયો હતો. ખેડૂત હોય ખેતીમાં કઈ પાકતું ન હોવાથી આર્થિક તકલીફ પેઢીને તેમણે સ્થાનિક પ્રાથમિક શાળામાં તેમજ ઝંખવાવ અને વાંકલ સ્કૂલમાં અભ્યાસ કરાવી, ત્યારબાદ વલ્લભ વિદ્યાનગર ખાતે કોલેજ શિક્ષણ અપાવ્યું શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં બી.એ તથા એમ.એ અંગ્રેજી સાથે અભ્યાસ પૂર્ણ કરી પોલીસ ખાતાની સરકારી નોકરીમાં વર્ગ એક તરીકે જોડાઈને તાલીમ બાદ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવીને છેલ્લે ગાંધીનગર પોલીસ ભવનમાં વાયરલેસ એસપીના હોદ્દા ઉપરથી માહે મે 2009માં વય નિવૃત્તિ થયેલ છે અને ત્યારબાદ વાડી ગામમાં આવી કુટુંબ પરિવાર સાથે રહી સમાજસેવાની કામગીરી કરી રહ્યા છે. તેઓ જ્યારે પોલીસ સેવામાં હતા ત્યારે અનેક આદિવાસી યુવાનોને પોલીસ ખાતામાં ભરતી કરી હતી. ઉપરાંત સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ વાડી મારફતે આશરે 11,000 જેટલી ગાયો વાહનના પાંજરાપોળ ગૌશાળા વગેરે જગ્યાએથી મેળવી લાવી આજુબાજુનાં ગામડાંમાં ગાયોનું દાન કરેલ તેમજ અને 2001માં અછત દુકાનના સમયે વાડી કેલીકૂવા કબીર મંદિરે બે માસ સુધી રામરોટીનું રસોડું દરરોજ ચલાવી ગરીબોને જમાડવાની માનવસેવા પણ કરેલી છે. ઉપરાંત ગામના મરણ પ્રસંગે વીસેક વર્ષથી પ્રસંગે પાંચ મણ ચોખાની મદદ (જે છેલ્લાં પાંચ વર્ષથી બંધ કરી છે), દિવ્યાંગ શખ્સોને 1500 નંગ ટ્રાઈસિકલની મદદ, વાડી નિરાંત તેમજ ભાથીજી સંપ્રદાયના સંત મેળાવડા પ્રસંગોમાં આર્થિક તેમજ ભોજન પ્રસાદીની મદદ તેમજ અનેક ધાર્મિક સંત મેળાવડામાં પ્રત્યક્ષ પ્રસંગોમાં હાજર રહી ભક્તજનોને પ્રોત્સાહિત કર્યા અને દેશના કુલ 164 જેટલા હિંદુ ધાર્મિક મંદિર નિર્માણ કાર્યમાં માર્ગદર્શન આપી આર્થિક મદદ કરી સમાજ સેવામાં સહભાગી બન્યા છે. ઉપરાંત પોલીસ સેવાની નોકરી દરમિયાન સને 1990-91 સાલમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ તોડી ત્યારે તોફાનો વેળા અમદાવાદ શહેરમાં ડીસીપી પૂર્વ તરીકે કડકાઈથી કામ કરી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી. તેમાં સરકારે કામની કદર કરી પ્રશંસાપત્રો આપ્યા છે. તેમજ 1992ની સાલમાં અમદાવાદ શહેરના ગુંડા અબ્દુલ લતીફ વહાબની ગેરકાનૂની કૃતિઓ બદલ ત્રણ વખત ધરપકડ બદલ પ્રશંસા પત્ર મળ્યું છે અને 1992ની રથયાત્રા પ્રસંગે અમદાવાદ શહેરમાં કોમી તોફાનો થતાં હિંમતપૂર્વક ફરજ અદા કરી ભગવાન શ્રીકૃષ્ણ, બેન સુભદ્રા અને બલરામના રથો મુસ્લિમ વસતીમાંથી પસાર કરી બચાવતાં સરકારે રોકડ રકમ અને પ્રશંસાપત્ર આપ્યું હતું. નિવૃત્તિ બાદ તેઓના નાનાભાઈ ગણપતસિંહ વસાવા કે જેઓ હાલ તાલુકાના ધારાસભ્ય અને આ ગુજરાત આદિજાતિના પ્રમુખ પદે બિરાજમાન છે.
(2) ભીમસિંહ સુરસિંહ વસાવાનો જન્મ વાડીગામે મધ્યમ વર્ગના ભાયાત પરિવારમાં થયો હતો. તેઓ વાડી સ્ટેટના રાજવી કુટુંબના ચોથા આદિવાસી રાજવી અમરસિંહ કાગુભાઈ વસાવાના પ્રપૌત્ર છે. તેઓ બી.એ. બી.એડ, એલએલબી સુધી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી કોલેજના શિક્ષણ દરમિયાન એનસીસી બી અને સી સર્ટિફિકેટ મેળવ્યું હતું. તેમજ રમતગમત ક્ષેત્રે વ્યક્તિગતમાં ગોળા ફેંક, બરછીફેંક, 400 મીટર દોડ તેમજ રીલે ફર્સ્ટ દોડમાં ભાગ લઈ કોલેજ કક્ષાએ હંમેશાં પ્રથમ રહેતા અને કબડ્ડી તેઓની પ્રિય રમત હતી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ટીમના સતત ચાર વર્ષ સુધી ખેલાડી રહ્યા તેમાં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે યુનિવર્સિટી કબડ્ડી ટીમના કેપ્ટન પણ રહી ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી કબડ્ડી સ્પર્ધામાં હુબલી કર્ણાટક, નાગપુર, મહારાષ્ટ્ર ખાતે ભાગ લીધો હતો. તેઓ ગુજરાત પોલીસ સેવામાં જોડાયા હતા અને આઇપીએસની ઉચ્ચ પોલીસ અધિકારી સુધી હોદ્દો પ્રાપ્ત કરી મે-2010 નિવૃત્ત થયા છે. હાલ વ્યવસાય એડ્વોકેટ અને ખેતીનો ધંધો સમાજસેવાનું કાર્ય કરે છે. પોલીસ ખાતાની સેવા દરમિયાન કુલ ૨૭૮ પુરસ્કાર મેળવ્યા છે. તેમજ 15મી ઓગસ્ટ-1998ના રોજ સ્વતંત્રતા દિને ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક-પોલીસ મેડલ એનાયત થયો હતો. તેઓ વસાવા સમાજના એકમાત્ર પ્રથમ આઇપીએસ ઓફિસર છે. માંગરોળ ઉમરપાડા તાલુકામાં સૌપ્રથમ વસાવા સમાજના ગ્રેજ્યુએટ છે. તેઓએ એક જ ડાળના પંખી પુસ્તિકા લખી પ્રગટ કરી ઉમદા કાર્ય કર્યું છે. તેમજ ગ્રામજનોના લાભાર્થે વાડી તથા વાડી ફળિયા ગામે બસ સ્ટેન્ડ-પાણીની પરબ સાથે બાંધી ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાર્પણ કરાવ્યું છે અને સદગુરુ નિરાંત રામજી મંદિર ટ્રસ્ટના તેઓ પ્રમુખ પણ છે.
(3) લીમજી ફુલાભાઇ વસાવા પણ મધ્યમ ખેડૂત પરિવારના છે. વાડી ગામે જૂન-1958માં તેમનો જન્મ થયો હતો. તેમણે પોલીસ ખાતામાં ભરતી થઈ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ફરજ બજાવી નાયબ પોલીસ અધિક્ષકનું પદ હાંસલ કર્યું છે. તેઓએ ગુજરાત અશ્વદળમાં લાંબા સમય ફરજ બજાવી ઉત્તમ કામગીરી કરી છે. ભારત દેશનાં અન્ય રાજ્યોના પોલીસ અશ્વદળની સાથે અશ્વ સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાત પોલીસ અશ્વદળને વિજેતા બનાવતાં તેમને 9 ગોલ્ડમેડલ, 8 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ, રોકડ ઇનામો રૂપિયા 50 હજારના મળ્યાં છે. તથા 10 પ્રસંશાપત્ર મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે. તેઓ 2016માં નિવૃત્ત થયા હતા. હાલ વાડી ખાતે રહી ખેતી તથા સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે તેમજ સુરત ખાતે સ્કૂલનાં બાળકોને અશ્વ ઘોડાની પ્રેક્ટિકલ તાલીમ આપી રહ્યાં છે.
માંગરોળ-ઉમરપાડા તાલુકાને નવપલ્લવિત કરવામાં ગણપતસિંહ વસાવાનો સિંહફાળો
કાકરાપાર ઉદવહન સિંચાઈ દ્વારા માંગરોળ તાલુકાને સિંચાઈનું પાણી પહોંચાડી ખેડૂતો અને પશુપાલકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. આદિવાસી પંથકના ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ મનાતી તાપી–કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજના હવે સિંચાઈ ક્ષેત્રે નવી આશા લઈને આવી છે. આ યોજના દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનાં અનેક ગામોને સિંચાઈનું પાણી મળશે. અંદાજે ૪૪ કિલોમીટરથી વધુ લાંબી આ પાઇપલાઇન યોજના દ્વારા પાણી ઊંચાઈ સુધી પહોંચાડીને ગ્રેવિટી ફ્લો પદ્ધતિથી ખેડૂતો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તાપી–કરજણ લિંક પાઇપલાઇન ઉદ્દવહન સિંચાઈ યોજના આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાની છે. આ યોજના દ્વારા ઉમરપાડાનાં ૫૧ ગામ તેમજ ડેડિયાપાડા તાલુકાનાં ૨૨ ગામ મળી કુલ ૭૩ ગામને સિંચાઈનું પાણી મળશે. આ યોજનાની કુલ લંબાઈ લગભગ ૪૪.૩૦ કિલોમીટર છે અને તેમાં મહત્તમ ૮૭૨ ફૂટ ઊંચાઈ સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બાદ ગ્રેવિટી ફ્લો પદ્ધતિથી પાણીનું વિતરણ કરી ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે. આ યોજના દ્વારા અંદાજે ૫૩ હજાર ૭૫૦ એકર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. ઉપરાંત પાઇપલાઇન માર્ગમાં આવતા લગભગ ૧૦૦ જેટલા ચેકડેમને પણ આ યોજનાથી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ઉમરપાડાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલાં ૨૯ ગામોને લાભ મળે એ માટે યોજનાનું એક્સટેન્શન પણ કરવામાં આવશે. જેના કારણે અંદાજે વધુ ૧૯ હજાર એકરથી વધુ જમીન સિંચાઈ હેઠળ આવશે અને ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી શકશે.
ખેડૂત પરિવારનો દીકરો બન્યો ધારાસભ્ય

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાનો જન્મ વાડી ગામે મધ્યમ ખેડૂત પરિવારમાં થયો હતો. અને સ્થાનિક વાડી તેમજ ઝંખવાવ પ્રાથમિક શિક્ષણ મેળવી રાજપીપળા માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી અમદાવાદ સેન્ટ ઝેવિયર્સમાં બીએની ડિગ્રી પ્રાપ્ત કરી ગ્રેજ્યુએટ થયા હતા. એ બાદ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.નો અભ્યાસ કરી તેઓ સમાજસેવા અને રાજ્ય તથા દેશની સેવા કરવા રાજકારણની પ્રવૃત્તિમાં જોડાયા હતા. તેમણે 1998માં પ્રથમ ચૂંટણીમાં મળેલી નજીવી હારને પચાવીને સતત જનસંપર્ક ચાલુ રાખ્યો, જેના પરિણામે 2002માં તેઓ માત્ર 31 વર્ષની ઉંમરે 11મી વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા હતા. ત્યારબાદ 2007, 2012 અને 2017માં સતત જંગી બહુમતી મેળવી તેમણે પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. ગણપતસિંહ વસાવાને જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ 2011માં મળી, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની કાર્યદક્ષતા જોઈ તેમને ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. આ નિમણૂકથી વાડી ગામે ગૌરવ અનુભવ્યું હતું. તેમણે ત્રણ વખત કેબિનેટ મંત્રી તરીકે વન, પર્યાવરણ અને આદિજાતિ વિકાસ જેવા મહત્ત્વનાં ખાતાં સફળતાપૂર્વક સંભાળ્યાં છે. હાલમાં જ ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે. સને-2020ની સાલમાં કોવિડ-19 કોરોના મહામારીના રોગથી લોક ડાઉનના કારણે વાડી ગામના ગરીબ આદિવાસી પરિવારોની રોજિંદી રોજગારી છીનવાઈ જતાં ભૂખમારા સામે રક્ષણ માટે સહાય કરવાના હેતુથી કુલ ૧૬૦૦ જેટલાં અનાજ તથા અન્ય રસોડાંના મરી-મસાલા સહિતની કિટ ગરીબ પરિવારને તેમના સ્વખર્ચે પૂરી પાડી માનવતા દર્શાવી હતી. વાડી ગામમાં વીર ભાથીજી મહારાજના પૂર્ણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો તથા નવીન મંદિરનો અને ધર્મશાળાનું નિર્માણ કાર્ય કરવા માટે જાહેર સાર્વજનિક સુવિધાના હેતુસર કુલ રૂ.4.49 કરોડ મંજૂર કરાવ્યા છે. તે જ રીતે વાડી નિરાંત રામજી મંદિરની જગ્યાએ નવીન મંદિર અને ધર્મશાળાનું પણ નિર્માણ કાર્ય રૂ.4.40 કરોડ મંજૂર કરાવી બંને મંદિરનાં કામ પૂર્ણ થયાં છે. વાડી ગામનાં લગ્ન તથા દરેક મરણ પ્રસંગોમાં યોની અચૂક હાજરી હંમેશાં હોય જ. લગ્ન અને મરણ પ્રસંગે 12મા, 13માના સામાજિક પ્રસંગોમાં ગરીબ પરિવારને કોઈપણ જાતના ભેદભાવ વગર આર્થિક સહાય તથા ડાર્ક ચોખા, તેલ મરી-મસાલાની તાત્કાલિક સહાય પોતાના અંગત ખર્ચમાંથી કરે છે. વાડી ગામની અંદાજે 250થી 300 જેટલી વિધવા બહેનોને રાજ્ય સરકાર તરફથી પેન્શન યોજના હેઠળ આર્થિક સહાય મળી રહે એ હેતુથી વ્યક્તિગત દરેક બહેનોના તેમના કાર્યકર્તા મારફતે ફોર્મ ભરાવી તાલુકા કચેરી લઈ જઈ ફોર્મ ભરાવી આર્થિક સહાય આપવામાં અંગે ટ્રસ્ટ લઈ સહાય અપાવી માનવસેવા કરી રહ્યા છે. જંગલ જમીન હક, શૈક્ષણિક ક્ષેત્રે, સખીમંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા અને આજીવિકા ઊભી કરવામાં તેમનો ફાળો ઉમદા રહ્યો છે.