“કામ નહીં તો વોટ નહીં”, વોર્ડ નં. 6 માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા; નેતાઓને નો-એન્ટ્રી


વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચારમાં ઉતરેલા સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારોને ઠેર-ઠેર જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 12, 8 અને 7માં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારો સામે લોકોએ વર્ષોથી લટકતા પ્રશ્નો અને પાયાની સુવિધાઓના અભાવને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ક્યાંક બોલાચાલી તો ક્યાંક નેતાઓને આઈનો બતાવવાના બનાવોએ શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
વોર્ડ નંબર 12ના ઉમેદવારો સ્મિત અરદેશણા, શકુંતલાબેન વસાવા, રીટા સિંઘ અને સમીર વાઘેલા જ્યારે કાલિદાસની ચાલ અને પરમારની ચાલમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહિશોનો સંયમ ખૂટ્યો હતો. ગંદકી અને ખખડધજ સુવિધાઓથી ત્રસ્ત લોકોએ ઉમેદવારોને ઝાટકતા સવાલ કર્યો હતો કે, “શું અમારે આટલી બદતર હાલતમાં જીવવાનું?” સ્થાનિકોએ નેતાઓ પાસે માત્ર આશ્વાસન નહીં પણ કામની લેખિત બાહેંધરી માંગી હતી. આ દરમિયાન વીડિયો ઉતારવા બાબતે ભાજપના કાર્યકરો અને રહિશો વચ્ચે ઘર્ષણ થતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું.
ગોરવા વિસ્તાર (વોર્ડ 8) માં પણ દ્રશ્યો કંઈક આવા જ હતા. ત્યાંના નાગરિકોએ દૂષિત પાણી, ચોમાસામાં ભરાતા પાણી અને વીજળીની અનિયમિતતા અંગે ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. લોકોએ સીધો આક્ષેપ કર્યો હતો કે, “ચૂંટણી પત્યા પછી કોઈ નેતા મોઢું બતાવવા પણ આવતું નથી.”
બીજી તરફ, વોર્ડ નંબર 7માં મહિલાઓએ મોરચો સંભાળ્યો હતો. ઉભરાતી ગટરો અને દુર્ગંધથી પરેશાન મહિલાઓએ ઉમેદવારોને ગટરો બતાવીને ઉગ્ર પૂછપરછ કરી હતી. પ્રચાર કરવા આવેલા નેતાઓ જનતાના આક્રોશ સામે નિરુત્તર જણાયા હતા.
લોકોએ હવે મૌખિક રજૂઆતો છોડીને વિરોધનું આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે.
ત્યારે ‘સ્માર્ટ સિટી’ના વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ ખોડિયાર નગર પાસેની સુમેરુ ડુપ્લેક્સ સોસાયટીના રહીશોએ સત્તાધીશો અને નેતાઓ સામે બાયો ચડાવી છે. વર્ષોથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા આ રહીશોએ આ વખતે મક્કમ નિર્ધાર સાથે ચૂંટણીના સંપૂર્ણ બહિષ્કારનું એલાન કર્યું છે.
– વોટ માંગતા પહેલા ‘વિકાસ’ ક્યાં છે?
વડોદરાના રસ્તાઓ પર અત્યારે ભાજપના કેસરીયા ખેસ કરતા જનતાના આકરા સવાલો વધુ ગાજી રહ્યા છે. વર્ષોથી ‘સ્માર્ટ સિટી’ના સપના જોતી જનતા આજે ગટર, પાણી અને રસ્તા જેવા પાયાના પ્રશ્નો માટે નેતાઓનો શર્ટ પકડી રહી છે. શું સત્તાધારી પક્ષ જનતાના આ આક્રોશને શાંત કરી શકશે કે પછી આ રોષ મતદાન પેટીમાં પરિવર્તિત થશે? તે તો સમય જ બતાવશે, પણ હાલ તો વડોદરાના ગલી-મહોલ્લામાં નેતાઓ માટે પ્રચાર કરવો ‘લોઢાના ચણા ચાવવા’ જેવો સાબિત થઈ રહ્યો છે.