Vadodara

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સુંદરપુરા પાસે અકસ્માત, બાઈક ચાલકનું મોત

સુંદરપુરા પાસે કાર-બાઈક ધડાકાભેર ભટકાતા મહિલા અને બાળકી ગંભીર રીતે ઘાયલ

રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ચક્કાજામ કરતા 2-3 કિમી ટ્રાફિક જામ

વડોદરા તા.14

વડોદરા નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા પાસે થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે હાઇવે પર બે થી ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

વડોદરા જિલ્લાના સુંદરપુરા પાસે કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર ભટકાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર એક મહિલા અને એક બાળકી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ મૃતદેહને હાઈવે પર જ રાખીને ચક્કાજામ કર્યો હતો, જેના કારણે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અંદાજે એક કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ રહ્યો હતો.

ચક્કાજામને કારણે હાઈવે પર 2થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અકસ્માત બાદ મૃતદેહ લગભગ 2 કલાક સુધી હાઈવે પર જ પડ્યો રહ્યો હતો.
ઘટનાની જાણ થતાં કપુરાઇ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top