વડોદરા વોર્ડ-1 માં AIMIM ના ‘બેવડા’ મેન્ડેટથી રાજકીય ખળભળાટ: કોંગ્રેસે ફોર્મ રદ કરવા કલેક્ટરના દ્વાર ખખડાવ્યા
એક જ બેઠક પર બે ઉમેદવારોને પક્ષનો સિમ્બોલ આપતા કાયદાકીય જંગ; અમી રાવતે ચૂંટણી નિયમોનો હવાલો આપી ઉમેદવારી સામે ઉઠાવ્યા સવાલ
વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર-1 માં એક જ બેઠક પર બે ઉમેદવારોને પક્ષનું મેન્ડેટ આપવાના મુદ્દે કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે. ઓવૈસીની “ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન” (AIMIM) પાર્ટી દ્વારા વોર્ડ નંબર-1 ની સામાન્ય બેઠક માટે બે અલગ-અલગ વ્યક્તિઓને પક્ષનું મેન્ડેટ અને સિમ્બોલ ફાળવવામાં આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ આકરો વિરોધ નોંધાવીને ફોર્મ નામંજૂર કરવાની માગ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, AIMIM પાર્ટી દ્વારા મહમદ સલીમ મહમદ સઈદ અને મિતેષ નગીનભાઈ મકવાણા એમ બે વ્યક્તિઓને વોર્ડ નંબર-1 માટે પક્ષનું સત્તાવાર મેન્ડેટ (નમૂનો-ખ) આપવામાં આવ્યું છે. આ બાબતને ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન ગણાવી કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક જ બેઠક પર એક જ પક્ષ દ્વારા બે ઉમેદવારોને મેન્ડેટ આપવું એ ‘ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી પ્રતિકો અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબતનો આદેશ-2012’ ની પેટા કલમ-9નો સ્પષ્ટ ભંગ છે.
અમી રાવતે કાયદાકીય જોગવાઈઓનો હવાલો આપતા ઉમેર્યું હતું કે, પેટા કલમ-9 મુજબ જો કોઈ એક બેઠક માટે ચૂંટણી અધિકારી સમક્ષ એક કરતાં વધુ ઉમેદવારો પક્ષનો ‘નમૂનો-ખ’ રજૂ કરે, તો તેવા સંજોગોમાં જે ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પ્રથમ રજૂ કર્યું હોય તેને જ પક્ષના માન્ય ઉમેદવાર તરીકે ગણવાના રહે છે. આ સિવાયના અન્ય ઉમેદવારો, ભલે તેમની પાસે પક્ષનું મેન્ડેટ હોય, તો પણ તેમને તે પક્ષના ઉમેદવાર ગણી શકાય નહીં.
આથી, કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને, જે ઉમેદવારનું ફોર્મ મોડું રજૂ થયું હોય તેમનું ઉમેદવારીપત્ર તાત્કાલિક અસરથી નામંજૂર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

હાલમાં આ મામલો ચૂંટણી અધિકારીના ટેબલ પર છે અને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્રને વિનંતી કરવામાં આવી છે. એક જ વોર્ડમાં એક જ પક્ષના બે મેન્ડેટને કારણે અન્ય ઉમેદવારોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે અને હવે ચૂંટણી તંત્ર આ બાબતે શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.