આઇશર ટેમ્પો ટ્રક પાછળ ઘૂસતા ડ્રાઈવર કેબિનમાં ફસાયો, એક કલાકની જહેમત બાદ બહાર કાઢાયો
હાઇડ્રોલિક સાધનોની મદદથી બચાવ કામગીરી સફળ, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
કરજણ: આજ રોજ વહેલી સવારે અંદાજે ૬:૩૦ વાગ્યાના સુમારે વડોદરા–ભરૂચ નેશનલ હાઈવે ૪૮ પર ધાવટ ચોકડી નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલા આઇશર ટેમ્પોએ પહેલા એક નાના ટેમ્પોને ટક્કર મારી હતી અને ત્યારબાદ આગળ ચાલી રહેલા ટ્રકની પાછળ જોરદાર અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે આઇશર ટેમ્પોનો ડ્રાઈવર કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિલંબ કર્યા વિના બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ આધુનિક હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને લગભગ એક કલાક સુધી સતત પ્રયત્નો કર્યા બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
બચાવ કામગીરી પૂર્ણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ડ્રાઈવરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે ડ્રાઈવરને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી, જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આ સમગ્ર ઘટનામાં કરજણ ફાયર વિભાગની સતર્કતા, ઝડપી પ્રતિભાવ અને કુશળ કામગીરીના કારણે એક અમૂલ્ય માનવજીવન બચી શક્યું હતું. તેમની કામગીરી સ્થાનિક લોકોમાં પ્રશંસાનો વિષય બની છે અને માર્ગ સલામતી અંગે ફરી એકવાર સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.
રિપોર્ટર: મુકેશ અથોરે