ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસની નીતિ પર ઉઠ્યા પ્રશ્નો, નગરનું રાજકારણ ગરમાયું
ગુજરાત મિત્ર ન્યુઝ | ડભોઇ
ડભોઇ નગર પાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 09માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિજયભાઈ રબારી દ્વારા અચાનક ઉમેદવારી પરત ખેંચતા રાજકીય માહોલ ગરમાયો છે. તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર પરેશભાઈ રબારી બિનહરીફ જાહેર થયા છે.
માહિતી મુજબ, અગાઉ ભાજપમાં ટિકિટ ન મળતા વિજયભાઈ રબારીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ બાદમાં તેમણે ઉમેદવારી પરત ખેંચીને ફરી ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ પક્ષની કાર્યપદ્ધતિ અને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે.
નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે હોડ જોવા મળી હતી. ભાજપ તરફથી વોર્ડ નં. 04 માટે વિજયભાઈ રબારી, વોર્ડ નં. 05 માટે સલીમભાઈ ઘાંચી અને વોર્ડ નં. 03 માટે કુલદીપ શર્માએ ટિકિટ માગી હતી, પરંતુ ત્રણેયને ટિકિટ ન મળતા કોંગ્રેસે તેમને ઉમેદવારી આપી હતી. તેમ છતાં, ત્રણમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લેતા અને બાકી બે ઉમેદવારો સક્રિય રાજકારણમાંથી ગાયબ થતા તેમની નૈતિકતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
આ ઘટનાથી ડભોઇ નગરનું રાજકારણ વધુ ગરમાયું છે અને આવનારી ચૂંટણી પર તેનો સીધો પ્રભાવ પડશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
ભાજપ અગ્રણીઓએ નિર્ણયનું સ્વાગત કર્યું
વોર્ડ નં. 09માં કોંગ્રેસ ઉમેદવાર વિજયભાઈ રબારી દ્વારા ઉમેદવારી પરત ખેંચાતા ભાજપના પરેશભાઈ રબારી બિનહરીફ વિજેતા બન્યા છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શહેર પ્રમુખ દિક્ષિતભાઈ દવે, મહામંત્રી હિરેનભાઈ શાહ અને કિરીટભાઈ વસાવા સહિત ભાજપના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રિપોર્ટર: સઈદ મન્સૂરી