Vadodara

યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી

માંજલપુરમાં ઓફિસ બતાવી વિશ્વાસ જીત્યા બાદ વિઝા બનાવી આપ્યા નહી

યુવકને દુબઈ મોકલ્યા બાદ યુકે મોકલવાના ખોટા વાયદા આપ્યા

પ્રતિનિધિ વડોદરા તારીખ.15

માંજલપુર વિસ્તારમાં વિઝાની ઓફિસ ધરાવતા એજન્ટ દ્વારા આણંદના યુવક અને સુરતની મહિલા ને યુકેના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા 11.50 લાખ પડાવી લીધા હતા. ઘણો સમય થઈ ગયો હોવા છતાં તેમની કોઈ વિઝા નહીં બનાવી આપી તેણે રૂપિયા પણ પરત નહીં આપતા ઠગ એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આણંદ જિલ્લાના ઓડ ગામ સોના ટેકરી ખાતે રહેતા વૈશ્વિક શિલેશભાઈ પટેલ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. વર્ષ 2025 દરમિયાન મોબાઈલ પર વિદેશ મોકલવાના સ્ટેટસ જોવા મળતા તેમણે વિઝા એજન્સીના સંચાલક સાથે સંપર્ક સાધ્યો હતો. આરોપીએ માંજલપુર, વડોદરા ખાતે પોતાની ઓફિસ બતાવી યુકેના વર્ક વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ તેમની પાસેથી વર્ક વિઝા કાઢવા સહિતનો તમામ ખર્ચ રૂ.16.56 લાખ જણાવી એડવાન્સ તરીકે રૂ.5 લાખ માંગ્યા હતા. તેમની પાસપોર્ટ, માર્કશીટ અને અન્ય દસ્તાવેજો સોંપ્યા હતા. ત્યારબાદ તેમની લંડનમાં રહેતી બહેન મારફતે S.M.Internationalના એક્સિસ બેંક ખાતામાં રૂ.1.45 લાખ અને રૂ.1.50 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 23 જુલાઈ, 2025ના રોજ રૂ.1.10 લાખ રોકડા પણ આપવામાં આવ્યા હતા.
આરોપીએ યુકે વિઝાની પ્રક્રિયા થઈ રહી નથી તેમ કહી પહેલા દુબઈ જવાનું કહી ત્યાંથી લંડન મોકલવાની વાત કરી હતી. આ મુજબ યુવક દુબઈ ગયો પરંતુ ત્યાં કોઈ વ્યવસ્થા ન મળતા ફરી ભારત પરત ફર્યો હતો. ત્યારબાદ આરોપીએ 05 નવેમ્બર, 2025ના રોજ નોટરી કરેલુ લખાણ આપીને નવેમ્બરમાં દુબઈ અને ફેબ્રુઆરીમાં લંડન મોકલવાનું વચન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નહોતી.
યુવક દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં આરોપી તરફથી યોગ્ય જવાબ આપતો નહોતો. અંતે યુવકે તપાસ કરતાં ખબર પડી કે કોઈ વિઝા પ્રક્રિયા કરવામાં આવી જ નહોતી. જેથી યુવકને પોતાની સાથે રૂપિયા 6.50 લાખની છેતરપિંડી થઈ અહેસાસ થયો હતો.
આ ઉપરાંત શ્રેયા ધીરેનભાઈ અમીન અન્ય પાસેથી પણ આરોપીએ રૂ.5 લાખ લઈ છેતરપિંડી કરી છે. આ હિરલ પટેલ દ્વારા યુવક અને મહિલા સહિત બે લોકો સાથે વિદેશના વિઝા બનાવી આપવાના બહાને રૂ.11.50 લાખ પડાવેલીને ઠગાઈ આચરવામા આવી હોય તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Most Popular

To Top