મિ઼ડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયા હવે અમેરિકા પર દબાણ કરી રહ્યું છે કે તે ઈરાન સામે લાગુ કરેલી બંદર નાકાબંધી યોજના પાછી ખેંચે. એક અહેવાલ મુજબ, સાઉદી અરેબિયા માને છે કે આ પગલું પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી શકે છે. હાલમાં અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાનને લઈને તણાવ વધ્યો છે. આ દરમિયાન ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંના એક હોર્મુઝ સ્ટ્રેટને અવરોધી દીધો છે. આ માર્ગથી વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસનો વેપાર થાય છે. આ અવરોધના કારણે વૈશ્વિક સપ્લાય પર ભારે અસર પડી છે અને તેલના ભાવ ઝડપથી વધી ગયા છે.
આ પરિસ્થિતિમાં અમેરિકા ઈરાન પર વધુ દબાણ લાવવા માટે તેના બંદરોને અવરોધિત કરવાની યોજના લાવી રહ્યું છે. તેનો હેતુ ઈરાનની અર્થવ્યવસ્થા પર અસર કરવાનો છે. પરંતુ સાઉદી અરેબિયા માને છે કે આ પગલું જોખમી બની શકે છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. સાઉદી અરેબિયાની સૌથી મોટી ચિંતા એ છે કે ઈરાન તેના જવાબમાં બાબ અલ-મંડેબ માર્ગને પણ બંધ કરી શકે છે. આ માર્ગ લાલ સમુદ્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેલના વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. જો આ માર્ગ પણ બંધ થાય, તો વિશ્વના ઊર્જા પુરવઠા પર મોટો પ્રહાર થશે. આ વિસ્તારમાં હુથી બળવોનું પણ મોટો પ્રભાવ છે, જે ઈરાનના સાથી માનવામાં આવે છે. યમનના કિનારાના મોટા ભાગ પર તેમનો કાબૂ છે. અગાઉ પણ હુથીઓએ આ માર્ગમાં અવરોધ ઊભા કર્યા છે. હવે એવી શક્યતા છે કે ઈરાન તેમને ફરીથી આ માર્ગ બંધ કરવા પ્રેરિત કરી શકે છે.
છેલ્લા છ અઠવાડિયામાં થયેલા સંઘર્ષે સ્પષ્ટ કર્યું છે કે મિ઼ડલ ઇસ્ટના તેલ અને ગેસના માળખા કેટલી નાજુક સ્થિતિમાં છે. સાઉદી અરેબિયાએ ઘણી મહેનત બાદ તેની તેલ નિકાસ ફરીથી લગભગ 7 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચાડી છે. પરંતુ જો લાલ સમુદ્રનો માર્ગ પણ બંધ થાય, તો આ સપ્લાય ફરી ખોરવાઈ શકે છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાનું કહેવું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમેરિકાના અધિકારીઓ કહે છે કે તેઓ ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ગલ્ફ દેશો હવે યુદ્ધને આગળ વધારવા માંગતા નથી. સંયુક્ત આરબ અમીરાત, કતર, બહેરીન અને ઇરાક જેવા દેશો પણ ચિંતિત છે કે લાંબા સમય સુધી ચાલતો સંઘર્ષ તેમની આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે.
આ સમગ્ર સ્થિતિએ વર્ષોથી ચાલતી એક મૌન સમજણને તોડી નાખી છે, જેમાં ગલ્ફ દેશો અને ઈરાન વચ્ચે સીધો સંઘર્ષ ટાળવામાં આવતો હતો. હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કોઈ પણ નાનું પગલું મોટું સંકટ ઉભું કરી શકે છે. સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ દેશો ઈચ્છે છે કે આ તણાવને વધારવાને બદલે વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવામાં આવે. તેઓ માને છે કે જો ચર્ચા ફરી શરૂ થશે, તો જ વિશ્વના ઊર્જા પુરવઠા અને અર્થતંત્રને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકાય.
