Vadodara

વડોદરા કલેક્ટરના નામે સોશિયલ મીડિયા પર સક્રિય થયા ઠગ, નકલી વોટ્સએપ એકાઉન્ટથી નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

કલેક્ટર ડો. અનિલ ધામેલિયાના નામ અને ફોટાનો દુરુપયોગ, શંકાસ્પદ નંબર પરથી મેસેજ આવે તો તાત્કાલિક ‘બ્લોક’ અને ‘રિપોર્ટ’ કરવા વહીવટી તંત્રની અપીલ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૮

વડોદરા જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાના નામ અને ફોટાનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા પર છેતરપિંડી આચરવાનું કૌભાંડ સામે આવ્યું છે. કેટલાક લેભાગુ તત્વો દ્વારા કલેક્ટરના નામે વોટ્સએપ પર નકલી એકાઉન્ટ બનાવી તંત્રના અધિકારીઓ તેમજ નાગરિકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા હોવાની ગંભીર બાબત ધ્યાને આવી છે.

છેલ્લા કેટલાક સમયથી વડોદરાના કલેક્ટર ડો. અનિલ ધામેલિયાના નામના એકાઉન્ટ પરથી વોટ્સએપ મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ અજાણ્યા નંબર પરથી આવતા મેસેજમાં ખૂબ જ કુશળતાપૂર્વક વાતચીત કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રના વડાના નામે મેસેજ આવતા હોવાથી સામાન્ય નાગરિકો સરળતાથી આ ઠગ ટોળકીના જાળમાં ફસાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ પણ વ્યક્તિને વડોદરા કલેક્ટરના નામ કે ફોટાવાળા નંબર પરથી મેસેજ પ્રાપ્ત થાય, તો તે નંબરને કોઈ પણ પ્રકારના સંવાદ કર્યા વગર તાત્કાલિક બ્લોક અને રિપોર્ટ કરવો. આ ઉપરાંત, આવા શંકાસ્પદ નંબર પરથી આવતી કોઈ પણ સૂચના કે માંગણીને ગંભીરતાથી ન લેવી અને છેતરામણીનો શિકાર ન બનવું.

તંત્ર દ્વારા આ બાબતે સાયબર સેલને પણ જાણ કરવામાં આવી છે. જે રીતે એક જવાબદાર અધિકારીના નામે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, તે સાયબર ક્રાઈમની શ્રેણીમાં આવે છે. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે જો તેમને આવા કોઈ મેસેજ મળે, તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમ વિભાગને અવશ્ય કરવી, જેથી આ ઠગ ટોળકીને પકડી શકાય.

Most Popular

To Top