India

75 વર્ષ પછી બિહારમાં ઇતિહાસ રચાયો! પહેલીવાર ભાજપનો CM,સમ્રાટ ચૌધરીએ લીધી શપથ

બિહારની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફાર સાથે નવા રાજકીય અધ્યાયની શરૂઆત થઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી છે. ખાસ વાત એ છે કે રાજ્યના લગભગ 75 વર્ષના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા મુખ્યમંત્રી બન્યો છે.

સમ્રાટ ચૌધરીએ પટણાના લોકભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ સૈયદ અતા હસનૈન પાસેથી પદ અને ગોપનીયતાની શપથ લીધી. આ સાથે બિહારમાં લાંબા સમયથી ચાલતા નીતિશ કુમારના રાજકીય યુગનો અંત આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સમ્રાટ ચૌધરી સાથે જ જેડીયુના નેતા વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવએ ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધી. હાલ પ્રથમ તબક્કામાં માત્ર ત્રણ નેતાઓએ જ શપથ ગ્રહણ કર્યું છે, જ્યારે મંત્રિમંડળના ઘણા પદો હજુ ખાલી હોવાનું જણાવવામાં આવ્યું છે અને આવનારા સમયમાં કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા છે.

આ શપથગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત એનડીએના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સમ્રાટ ચૌધરીને અગાઉ ભાજપ અને એનડીએ વિધાનમંડળ દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેના બાદ તેમની મુખ્યમંત્રી તરીકે પસંદગી લગભગ નક્કી માનવામાં આવી રહી હતી.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સમ્રાટ ચૌધરીના મુખ્યમંત્રી બનવાથી બિહારમાં ભાજપની રાજકીય સ્થિતિ વધુ મજબૂત બનશે. ખાસ કરીને અન્ય પાછળ વર્ગના નેતા તરીકે તેમની પસંદગી રાજ્યની સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ બિહારમાં સત્તા પરિવર્તનનો માર્ગ મોકળો થયો હતો. લગભગ બે દાયકાથી વધુ સમય સુધી બિહારની રાજનીતિમાં પ્રભાવશાળી રહેલા નીતિશ યુગ પછી હવે રાજ્યમાં “સમ્રાટ યુગ”ની શરૂઆત થઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નવી એનડીએ સરકારના કાર્યકાળને લઈને હવે વિકાસ, ગઠબંધનનું સંતુલન અને આગામી રાજકીય દિશા પર સૌની નજર રહેશે.

Most Popular

To Top