Vadodara

વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો ‘પંજો’ નબળો પડ્યો: વોર્ડ-11ના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચ્યું

પસંદગીના વોર્ડમાં ટિકિટ ન મળતા કનુભાઈ પ્રજાપતિની નારાજગી; કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો દબાણનો આક્ષેપ, મામલતદાર કચેરીએ હાઈવોલ્ટેજ ડ્રામા

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડોદરામાં કોંગ્રેસ પક્ષને એક મોટો ફટકો પડ્યો છે, જેમાં વોર્ડ નંબર 11 ના જાહેર કરાયેલા ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાને પગલે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સમીકરણોમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.

કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચવા પાછળનું મુખ્ય કારણ વોર્ડની ફાળવણીમાં રહેલી નારાજગી ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર, તેઓ વર્ષોથી વોર્ડ નંબર 10 માં સક્રિય છે અને ત્યાંથી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હતી. જોકે, પાર્ટી દ્વારા તેમને વોર્ડ નંબર 11 માંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

કનુભાઈએ જણાવ્યું હતું કે, “વોર્ડ નંબર 11 માં મને કોઈ ઓળખતું નથી અને ત્યાં મારો સામાજિક વિરોધ થઈ રહ્યો હતો, જેના કારણે મેં સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે.” વધુમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય ટિકિટ માંગી જ નહોતી અને તેમની જાણ બહાર જ ફોર્મ ભરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મામલતદાર કચેરી ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક તરફ કનુભાઈ કોઈપણ પ્રકારના દબાણ વગર ફોર્મ ખેંચવાની વાત કરી રહ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભારતીય જનતા પાર્ટીનું દબાણ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે ઉમેદવારના પરિવારજનો પર દબાણ લાવીને અથવા ભય બતાવીને તેમને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવ્યા છે, જે લોકશાહીનું ખૂન સમાન છે.

જ્યારે કનુભાઈ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા માટે કચેરીમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો, પરિસ્થિતિને થાળે પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કનુભાઈ છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા હતા અને અચાનક હાજર થઈ ફોર્મ પરત ખેંચતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલમાં તો વોર્ડ નંબર 11 માં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે, કારણ કે અન્ય કેટલાક ઉમેદવારો પણ પક્ષના સંપર્કમાં ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Most Popular

To Top