Business

શેરબજારમાં ધમાકેદાર ઉછાળો! બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 1300 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ દોડ્યો તેજીથી

ભારતીય શેરબજારમાં બુધવારે સવારે જોરદાર તેજી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સમાં લગભગ 1300થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે NSE નિફ્ટી પણ મજબૂત વૃદ્ધિ સાથે 24,200ના સ્તર નજીક પહોંચી ગયો હતો. આ તેજીથી રોકાણકારોમાં ખુશીની લહેર ફરી વળી હતી.

બજારમાં આવેલા આ જબરદસ્ત ઉછાળાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં ઘટતી તણાવભરી પરિસ્થિતિ અને અમેરિકા–ઈરાન વચ્ચે ફરીથી શાંતિ ચર્ચા શરૂ થવાની આશા માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો, જેનાથી ભારતીય બજારમાં સકારાત્મક માહોલ સર્જાયો.સવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ લગભગ 1312 પોઇન્ટ વધી 78,000થી ઉપર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી પણ લગભગ 379 પોઇન્ટના ઉછાળા સાથે 24,200ની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આથી બજારમાં તમામ સેક્ટરમાં ખરીદીનું જોરદાર વલણ જોવા મળ્યું હતું.

એશિયન બજારોમાં પણ સકારાત્મક સંકેતો મળતા ભારતીય બજારમાં તેજી વધુ મજબૂત બની હતી. જાપાન, દક્ષિણ કોરિયા સહિતના બજારોમાં પણ ઉછાળો નોંધાતા રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો હતો.આ સાથે જ GIFT નિફ્ટી પણ 1% જેટલા ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જેના આધારે પહેલાથી જ અંદાજ હતો કે ભારતીય શેરબજાર ગેપ-અપ ઓપનિંગ સાથે શરૂ થશે.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ કાચા તેલના ભાવમાં ઘટાડો, વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતો અને ભૂ-રાજકીય તણાવમાં ઘટાડાની શક્યતાઓને કારણે રોકાણકારોની સેન્ટિમેન્ટ મજબૂત બની છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં પણ બજારમાં તેજી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top