India

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર EDની મોટી રેડ

રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા બાદ કાર્યવાહીથી રાજકીય ગરમાવો

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ના સ્થાપક-ચાન્સેલર ડૉ. અશોક મિત્તલના અનેક ઠેકાણાઓ પર બુધવારે પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. EDએ પંજાબ, ગુરુગ્રામ અને જલંધર સહિત કુલ અંદાજે 8થી 9 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ આ કાર્યવાહી યુનિવર્સિટી ફંડમાં થયેલી સંભવિત નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ સંબંધિત તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે. EDની ટીમોએ સ્થળ પર પહોંચીને મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ શરૂ કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે યુનિવર્સિટી સાથે જોડાયેલા કેટલાક નાણાકીય વ્યવહારોમાં વિદેશી ચલણ કાયદાનું ઉલ્લંઘન થયું છે કે નહીં. આ મુદ્દે ED વિવિધ ટ્રાન્ઝેક્શન અને દાન સંબંધિત વિગતોની તપાસ કરી રહી છે.

ખાસ વાત એ છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ અશોક મિત્તલને રાજ્યસભામાં પોતાના ડેપ્યુટી લીડર તરીકે નિમણૂક કરી હતી, જ્યાં તેમણે રાઘવ ચઢ્ઢાની જગ્યાએ આ જવાબદારી સંભાળી હતી. આ નિમણૂક બાદ થોડા જ સમયમાં EDની કાર્યવાહી થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.આ કાર્યવાહી અંગે આમ આદમી પાર્ટીએ કડક પ્રતિક્રિયા આપી છે. પાર્ટીનું કહેવું છે કે આ દરોડા રાજકીય બદલો લેવા માટેની કાર્યવાહીનો ભાગ છે. બીજી તરફ EDના સૂત્રોનું કહેવું છે કે કાર્યવાહી પક્કા ઇનપુટ અને નાણાકીય ગેરરીતિઓના સંકેતોના આધારે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે EDએ અશોક મિત્તલના પુત્ર સાથે જોડાયેલા કેટલાક વ્યાપારી સ્થળો પર પણ તપાસ હાથ ધરી છે, કારણ કે તેઓ પણ વિવિધ બિઝનેસ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટનાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે અને હવે આગળની તપાસમાં શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

Most Popular

To Top