આ પ્રકારનાં આશીર્વાદ પણ આપી શકાય. દર વખતે શુભ આશીર્વાદ જરૂરી નથી હોતી, ક્યારેક પડકારજનક આશીર્વાદ પણ આપી શકાય. પ્રશંસા જરૂરી છે પણ ક્યારેક ટીકા પણ કરી શકાય. પ્રશંસા પ્રોત્સાહન આપે તો ટીકા પડકાર ઊભો કરે. પ્રશંસા કે સંતુષ્ટી પ્રગતિને અટકાવી શકે જ્યારે નકારાત્મક વચન પ્રોત્સાહિત પણ કરી શકે. “અસંતુષ્ટ રહો”, એ પ્રકારના આશીર્વાદ જ્યારે આપવામાં આવે ત્યારે તેનાથી વ્યક્તિ માટે નવી જ ક્ષિતિજો વિકસવાની સંભાવના વધી જાય. જોકે આમ કરતાં પહેલાં વ્યક્તિની ક્ષમતા અને માનસિકતા સમજી લેવી પડે, નહીંતર ‘માંદા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ જેવી પરિસ્થિતિ ઊભી થાય.

અસંતુષ્ટ એટલે એવી વ્યક્તિ કે જેને સંતોષ નથી. જે વ્યક્તિને પ્રવર્તમાન પરિસ્થિતિ, જે તે ઉપલબ્ધિ, જે તે પ્રાપ્તિ, જે તે સમીકરણ તથા જે તે સંબંધથી અસંતોષ હોય તે અસંતુષ્ટ – અસંતોષી રહે. અસંતુષ્ટ વ્યક્તિને પરિસ્થિતિમાં પોતાની કામના મુજબ બદલાવની આશા હોય, ઉપલબ્ધિથી વધુ પોતાનું સામર્થ્ય છે તેમ માની વધુ સન્માન મેળવવાની અપેક્ષા હોય, પ્રાપ્તિથી વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, સ્થાપિત સમીકરણમાં હજુ વધુ ઊંડાણ જોઈતું હોય કે સંબંધને હજુ દ્રઢ કરવાની તેની ગણતરી હોય. આમ અસંતુષ્ટને જે છે તેમાં તેને ખુશી ન મળતી હોય અને તેથી તે માનસિક ઉદ્વેગ અનુભવે. પોતાની ક્ષમતા તેમજ વર્તમાન પરિસ્થિતિને અવગણના કરી, અતિશય કામના કે અપેક્ષાવાળી વ્યક્તિ અસંતુષ્ટ રહે. પોતાની પરિસ્થિતિને વધુ ઉચ્ચકક્ષાની પરિસ્થિતિ સાથે તુલના કરનાર વ્યક્તિ પણ અસંતૃષ્ટિ અનુભવે. જે વ્યક્તિ પોતાની જાતને વધુ સક્ષમ માનતી હોય, પોતાની સફળતાને સીમિત સમજતી હોય અને આ માટે સમાજને ગુનેગાર માનતી હોય તે વ્યક્તિ અસંતુષ્ટ હોય. અમુક સંજોગોમાં કૃતજ્ઞતા વિનાની વ્યક્તિ પણ અસંતૃષ્ઠ રહે.
અસંતુષ્ટ રહેવાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. અસંતુષ્ટીને જો યોગ્ય દિશા મળે તો તે પ્રગતિનું કારણ બની શકે. અસંતુષ્ટી સકારાત્મક પ્રેરણા આપી શકે, ક્ષિતિજોના વિસ્તારનું કારણ બની શકે, નવીન બાબતો પ્રત્યે ધ્યાન દોરી શકે, નવા સંશોધનો વિકસાવવા માટે વિશ્વાસ અપાવી શકે અને પ્રાપ્ત સંસાધનોના મહત્તમ ઉપયોગ માટે સૂચન કરી શકે, ક્ષમતામાં વિકાસ માટે પ્રોત્સાહિત કરી શકે અને આ બધાં સાથે આગળ જતાં એક પ્રકારનાં આત્મવિશ્વાસ માટેનું કારણ બની શકે. તેની સામે જો અસંતુષ્ટિ વધી જાય તો મન અશાંત રહે, ક્યારેક ઈર્ષાનો ભાવ જાગે તો ક્યારેક નિરાશા વ્યાપી જાય, સામાજિક સમીકરણોમાં તણાવ ઊભો થઈ શકે અને અંતે શારીરિક તેમજ માનસિક થાક અને અસ્વસ્થતા અનુભવાય. આને કારણે ક્યારેક સંભવિત પ્રગતિ પણ અટકી જાય. અસંતુષ્ટિ કેવું પરિણામ આપે છે તે વ્યક્તિ પર આધાર રાખે, અસંતુષ્ટિના પ્રકાર તથા માત્રા પર નહીં.
સંતુષ્ટિના પણ ફાયદા તથા ગેરફાયદા છે. વ્યવહારમાં સંતુષ્ટી તથા અસંતુષ્ટિ એ બંનેના ફાયદા લેવાં જોઈએ અને ગેરફાયદાથી દૂર રહેવું જોઈએ. આમ પણ જીવનમાં સંતુલનનું મહત્વ સૌથી વધુ ગણાય છે. અહીંનાં પરિપ્રેક્ષ્યમાં સંતુલન એટલે હૃદયમાં શાંતિ રાખવી અને બુદ્ધિથી પ્રગતિ કરવી. હૃદયનો ભાવ પણ જરૂરી છે અને બુદ્ધિની વિચારશીલતા પણ. જેટલું છે તેનો આભાર માનવો અને જે નથી તે માટે પુરુષાર્થ કરવો, એટલે સંતુલન. ગીતા પણ ‘સમત્વ’ને યોગ કહે છે. બે વિપરીત ધ્રુવ છે અને ખેંચાણ બંને તરફનું રહે. સંતુષ્ટી શાંતિ આપે તો અસંતુષ્ટિ પ્રગતિ માટે પ્રેરણા પૂરી પાડે. જેટલી શાંતિ જરૂરી છે તેટલી જ પ્રેરણા આવશ્યક છે.
જ્યારે અસંતુષ્ટિનો આશીર્વાદ આપવામાં આવે ત્યારે તેની પાછળનો ભાવ માત્ર સકારાત્મક હોય. પરંતુ આ પ્રકારનાં આશીર્વાદ આપતા પહેલાં આશીર્વાદ આપનાર વ્યક્તિએ સામેની વ્યક્તિની ક્ષમતા, તેની માનસિક તેમજ ભાવનાત્મક સ્થિતિ, તેની સામાજિક પરિસ્થિતિ, તેની પાસે રહેલી વિવિધ સંભાવના તથા જે તે સમયે તેના જીવનની પ્રાધાન્યતાની જાણકારી હોવી જોઈએ. માંદા માણસને સ્વાસ્થ્યમાં જે કંઈ સુધારો થાય તેની સંતુષ્ટી હોવી જોઈએ, અહીં અસંતૃષ્ટિના આશીર્વાદ સર્વથા અયોગ્ય ગણાય. તેની સામે કોઈ વિદ્યાર્થીને કસોટીમાં ૯૦/૧૦૦ ગુણાંક આવે તો તેને એકવાર અસંતૃષ્ટિનાં આશીર્વાદ આપી પણ શકાય. દુનિયાનો એક પણ વ્યવહાર એવો નથી કે જે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક પરિણામ આપે. પરિસ્થિતિના મૂલ્યાંકનને આધારે જ આશીર્વાદ આપવા પડે.

આશીર્વાદ એ એવી ઘટના છે કે જેમાં હંમેશા સકારાત્મક ભાવ છુપાયેલો હોય. આશિષ્+વદ અર્થાત આશિષ એટલે કે શુભકામના વ્યક્ત કરવા ઉપયોગમાં લેવાયેલ શબ્દો, સંકલ્પ કે અન્ય પ્રકારની રજૂઆત. અન્યના હિત, કલ્યાણ, શુભ, સફળતા માટે ભાવના વ્યક્ત કરવી એટલે આશીર્વાદ કે આશીર્વચન. આશીર્વાદ એટલે માતા-પિતા, સદગુરુ, વડીલ, જ્ઞાની કે અન્ય કોઈ સમર્થ વ્યક્તિ દ્વારા વ્યક્ત કરાયેલ ઊર્જાસભર, કરુણામય, સદભાવના યુક્ત શુભકામનાની અભિવ્યક્તિ. અહીં નિસ્વાર્થ ભાવ હોય, કોઈપણ પ્રકારની અપેક્ષા કે સ્વાર્થ ન હોય, અન્યનાં દરેક પ્રકારનાં હિત માટેની અનન્ય પ્રાર્થના હોય, પ્રેમનું વર્ચસ્વ હોય, વિશ્વાસ તેમજ શ્રદ્ધાનો આધાર હોય, સમગ્રતામાં એક પ્રકારની શુદ્ધિ તથા પવિત્રતા હોય, સાત્વિકતા અને સત્યનિષ્ઠ ભાવ હોય, અને તે બધાં સાથે સૂક્ષ્મ દૈવી શક્તિ વણાયેલી હોય. એક અર્થમાં આશીર્વાદ એ ઈશ્વર આગળ કરાયેલી કોઈ વ્યક્તિ માટેની પ્રાર્થના છે, જેની સાથે હૃદયનો શુદ્ધ ભાવ વણાયેલો હોય. આશીર્વાદ એ દિવ્ય ભાવથી બોલાયેલો અન્ય માટેનો શુભ સંકલ્પ છે. આ આશીર્વાદ જ્યારે “અસંતુષ્ટ રહો’નાં હોય ત્યારે પણ તેની પાછળ આ જ ભાવ હોય. સમજવાની વાત એ છે કે આશીર્વાદનું પરિણામ આશીર્વાદ આપનારની શક્તિ અને આશીર્વાદ લેનારની શ્રદ્ધા પર અવલંબે – બંને પક્ષે શુદ્ધતા આવશ્યક છે.