સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા 19 વર્ષના યુવક સાથે સગીરાના 3 વર્ષથી સંબંધ, ચિંતિત બનેલા પરિવારે 181 અભયમની મદદ માગતા મહિલા ટીમે સગીરાનુ કાઉન્સિલિંગ કર્યુ
વડોદરા તા.15
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીએ 19 વર્ષના યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડી લેતા પરિવાર ચિંતિત બન્યો હતો. આખરે પિતાએ 181 અભયમ ટીમની મદદ લીધી હતી. જેમાં કિશોરીનું અભયમની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરીનો સોશિયલ મીડિયા મારફતે 19 વર્ષીય યુવક સાથે પરિચયમા આવી હતી. પરિચય બાદ બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ વિકસ્યો હતો. દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બન્યા હતા.
હાલમાં કિશોરી યુવક સાથે જ રહેવા અને લગ્ન કરવાની જીદ કરવા લાગી હતી. પરિવારજનોના સમજાવ્યા છતાં તે યુવકને છોડવા તૈયાર નહોતી અને આત્મહત્યાની ધમકી પણ આપી રહી હતી. જેને કારણે પરિવાર ચિંતામાં મુકાયો હતો.
પરિસ્થિતિને ગંભીરતા પૂર્વક લઈ કિશોરીના પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમ સ્થળ પર પહોંચી કિશોરી સાથે વિગતવાર કાઉન્સેલિંગ કર્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીને સમજાવવામાં આવ્યું હતું કે હાલ તેની ઉંમર લગ્ન માટે કાનૂની રીતે યોગ્ય નથી અને તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા સમજાવ્યું હતું સાથે જ તેને ભવિષ્યમાં સ્વતંત્ર બની પોતાના નિર્ણય લેવાની પ્રેરણા આપવામાં આવી હતી.
અભયમ ટીમે પરિવારને પણ માર્ગદર્શન આપ્યું હતું.આ મામલે કિશોરીના પિતાએ યુવક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કિશોરી નાબાલિક હોવાને કારણે બાપોદ પોલીસ સ્ટેશનમાં પિતાની તરફથી અરજી આપવામાં આવી છે.