અમેરિકાના ઈરાન પરના હુમલાનો મૂળ હેતુ ઈરાનનો અણુકાર્યક્રમ ખતમ કરવાનો નહોતો પણ વિશ્વના ઊર્જાના વેપાર પર નિયંત્રણ જમાવવાનો હતો, તેવું હવે સ્પષ્ટ સમજાઈ રહ્યું છે. ઈરાને હોર્મુઝની ખાડી પર નિયંત્રણ મેળવી લીધું અને તગડો ટોલ ટેક્સ લેવાનું ચાલુ કર્યું ત્યારે અમેરિકા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ માટે ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાએ ઈરાનની નાકાબંધી દૂર કરવાના પ્રયાસો કરવાને બદલે પોતાની નાકાબંધી ચાલુ કરી છે, જેનો હેતુ પણ ઊર્જાના વૈશ્વિક વેપાર પર નિયંત્રણ જમાવવાનો છે.
શહેરમાં કામ કરતી માફિયા ગેન્ગો બહારથી આવતા માલસામાન પર ગેરકાયદે ચુંગી વસૂલ કરે તેવું દુનિયાની કથિત મહાસત્તા કરી રહી છે. કોઈ આંતરરાષ્ટ્રીય કાયદો આમ કરવાની છૂટ આપતો નથી. હોર્મુઝની ખાડી પર અમેરિકાનાં યુદ્ધજહાજોને તૈનાત કરીને અમેરિકા આગ સાથે રમત કરી રહ્યું છે. જો ઈરાન દ્વારા આ જહાજોને ફૂંકી મારવામાં આવશે તો અમેરિકાની આબરૂ ધોવાઈ જશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના કબજાને સમાપ્ત કરી શકે છે. ગયા વર્ષે પણ વેનેઝુએલાના પાણીમાં અમેરિકન નેવીએ આવી જ કાર્યવાહી કરી હતી, જેના કારણે વેનેઝુએલાના અર્થતંત્ર પર અસર પડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકન નેવી પાસે આ વ્યૂહાત્મક જળમાર્ગમાં ટ્રાફિકને નિયંત્રિત કરવાની ક્ષમતા છે.
IRGC એ ટ્રમ્પને જવાબ આપ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળના નાકાબંધીનો આદેશ આપ્યા પછી ઈરાની સુરક્ષા દળોએ હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે. IRGC એ સોશ્યલ મીડિયા X પરની પોસ્ટ દ્વારા અમેરિકાને ચેતવણી આપી છે કે કોઈ પણ ખોટું પગલું દુશ્મનને હોર્મુઝ સ્ટ્રેટનાં ઘાતક વમળમાં ફસાવી દેશે. હોર્મુઝની નાકાબંધી બાબતમાં નાટોના સાથી દેશોએ અમેરિકાને સમર્થન આપવાનો ઇનકાર કરતાં અમેરિકા એકલું પડી ગયું છે.
હોર્મુઝ સ્ટ્રેટ એક કઠપૂતળી બની ગયું છે, જેને અમેરિકા અને ઈરાન વારાફરતી નચાવી રહ્યા છે અને દુનિયાને આ તમાશો જોવાની ફરજ પડી રહી છે. અમેરિકાએ નાકાબંધીને સફળ બનાવવા માટે ૧૫ થી વધુ યુદ્ધજહાજો તૈનાત કર્યાં છે. USS ત્રિપોલી (LHA-૭) આ કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. USS ત્રિપોલી F-૩૫B લાઈટનિંગ II સ્ટીલ્થ ફાઇટર જેટ અને MV-૨૨ ઓસ્પ્રેથી સજ્જ છે. અમેરિકન સૈન્યના પ્રાદેશિક સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે હોર્મુઝ શિપિંગ નાકાબંધી ઇરાની બંદરોમાં પ્રવેશતાં અથવા બહાર નીકળતાં તમામ દેશોનાં જહાજો સામે નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે.
જો કે, અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે નાકાબંધી તટસ્થ પરિવહનને અટકાવશે નહીં. હોર્મુઝમાં અમેરિકાની ગુંડાગીરી પર ઈરાન ગુસ્સે થશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ ઈરાન માટે પણ અમેરિકાની લશ્કરી શક્તિનો સામનો કરવો મુશ્કેલ બનશે. જો કે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું છે કે કોઈ પણ વિદેશી લશ્કરી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાસે પહોંચશે તો તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને આવી પરિસ્થિતિમાં ઈરાન નિર્ણાયક લશ્કરી બળનો ઉપયોગ કરશે. નાકાબંધીની અસરો દુનિયા જોઈ રહી છે. આ માર્ગ પર શિપિંગના ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઓઇલ લઈ જતાં ટેન્કરો આ માર્ગ ટાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ઈરાનની કુલ નિકાસ આવકનો આશરે ૫૦ ટકા હિસ્સો ખનિજ તેલમાંથી આવે છે. આ માર્ગ બંધ કરવાથી તેની ખનિજ તેલની નિકાસ પર સીધી અસર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે ઈરાનના અર્થતંત્ર પર એટલું દબાણ લાવવાનું કે તેને અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારવાની ફરજ પડે. અર્થશાસ્ત્રી રોબિન બ્રુક્સ માને છે કે હોર્મુઝ સ્ટ્રેટની ચાલુ નાકાબંધી ઈરાન પર સીધા લશ્કરી મુકાબલા વિના નોંધપાત્ર આર્થિક દબાણ લાવી શકે છે. નાકાબંધી ઈરાનની તેલ આવકમાં ઘટાડો કરશે, જેના કારણે તેના ચલણનું મૂલ્ય ઘટી શકે છે અને ઈરાનનું અર્થતંત્ર અતિ ફુગાવામાં ફેરવાઈ શકે છે. જો કે, તેમણે ચેતવણી પણ આપી હતી કે આનાથી વૈશ્વિક તેલના ભાવમાં વધારો થઈ શકે છે અને બજારમાં અસ્થિરતા આવી શકે છે.
સમસ્યા એ છે કે ઈરાને આ જળમાર્ગમાં સુરંગો પાથરી છે અને તેમનાં ચોક્કસ સ્થાનોની નોંધ લીધી નથી, જેના કારણે તેમને દૂર કરવાનું ખૂબ જ મુશ્કેલ બને તેમ છે. જો બંને દેશો વચ્ચે કોઈ કરાર થાય તો પણ, આ જળમાર્ગ પર જતું કોઈ પણ જહાજ સુરંગ સાથે અથડાઈ જવાના જોખમથી ભરેલું રહેશે. હોર્મુઝની નાકાબંધીનો અર્થ એ નથી કે અમેરિકાએ આ પ્રદેશ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે. ઈરાન ગમે ત્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ પણ જહાજને નિશાન બનાવી શકે છે. તે જ સમયે, ઈરાન એકલું નથી. રશિયા અને ચીન પડદા પાછળ તેને મદદ કરી રહ્યાં છે. અમેરિકાને પણ આ શંકા છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ નાકાબંધીનો વળતો જવાબ આપ્યો છે કે દરિયાઈ નાકાબંધીને ચાંચિયાગીરી ગણવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકન યુદ્ધજહાજોની સાથે ગલ્ફનાં બંદરોને પણ નિશાન બનાવવામાં આવશે. હોર્મુઝ તરફ આગળ વધતાં કોઈ પણ અમેરિકન યુદ્ધજહાજોને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણવામાં આવશે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પના નિર્ણયને ટેકો આપ્યો હતો, જ્યારે નાટો દેશો, તેમજ રશિયા અને ચીને તેની ટીકા કરી હતી. બ્રિટન અને ફ્રાન્સે આ વિવાદમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં ભારતીય જહાજો પાસેથી કોઈ ટોલ વસૂલવામાં આવતો નથી.
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ સોમવારથી ઈરાનનાં તમામ બંદરો પર અને ત્યાંથી દરિયાઈ ટ્રાફિક પર નાકાબંધી લાદી દીધી છે. આ નાકાબંધી ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતાં અથવા બહાર નીકળતાં તમામ દેશોના જહાજો પર નિષ્પક્ષ રીતે લાગુ પડશે. જો કે, અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-ઈરાની બંદરો તરફ જતાં જહાજોને અવરોધવામાં આવશે નહીં, જેથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિકમાં ખલેલ ન પહોંચે. નોંધપાત્ર વાત એ છે કે, યુએસએસ જિરાલ્ડ ફોર્ડ અને અબ્રાહમ લિંકન હોર્મુઝની આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અત્યાર સુધી ઈરાનના નાનાં જહાજોને નિશાન બનાવવામાં આવ્યાં નથી, કારણ કે અમે તેમને નોંધપાત્ર ખતરો માનતા નહોતાં. જો કે, નાકાબંધી પછી જો આવાં જહાજો યુદ્ધજહાજોને અવરોધવાનો પ્રયાસ કરશે, તો તેમનો તાત્કાલિક નાશ કરવામાં આવશે. અમે દરિયાઈ ડ્રગ તસ્કરોનો સામનો કરવા માટે આવી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર નૌકાદળની નાકાબંધીની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે એક નવો ખતરો ઊભો થયો છે. આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું ટ્રમ્પ અન્ય દેશોને આ સંઘર્ષમાં ખેંચવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ મુદ્દે, ચીને અમેરિકાને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે તે કોઈ પણ રીતે જહાજોની અવરજવરમાં દખલ ન કરે. તેનો ઈરાન સાથે વેપાર અને ઊર્જા કરાર છે અને તે કોઈ પણ રીતે તેના હિત સાથે સમાધાન કરશે નહીં. ચીનના સંરક્ષણ પ્રધાન એડમિરલ ડોંગ જુને સ્પષ્ટતા કરી કે હોર્મુઝ સ્ટ્રેટ ચીન માટે ખુલ્લો છે અને ચીની જહાજો કોઈ પણ જાતના અવરોધ વિના આ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યાં છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે નાકાબંધીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ જળમાર્ગના કોઈ પણ અવરોધની નકારાત્મક અસર વૈશ્વિક બજારો પર પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.