Dabhoi

ભાવપુરામાં ગગનચુંબી વીજ પોલ ધરાશાયી: પાવર ગ્રીડની કામગીરી દરમિયાન ત્રણ મજૂરોના કરુણ મોત

વીજ કેબલ નાખવાની કામગીરી વચ્ચે ટાવર તૂટી પડ્યો, પોલ પર કામ કરી રહેલા છમાંથી ત્રણ કામદારોના મોત

સલામતી વ્યવસ્થાઓ સામે ઉઠ્યા ગંભીર સવાલો; પશ્ચિમ બંગાળના મજૂરોના પરિવારો પર આભ તૂટી પડ્યું


ડભોઈ, તા. 13

ડભોઈ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં પાવર ગ્રીડની કામગીરી દરમિયાન એક દુર્ઘટનાજનક અકસ્માત સર્જાતા ત્રણ કામદારોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ કામદારોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે તેમજ ઔદ્યોગિક અને બાંધકામ ક્ષેત્રમાં સલામતીના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ભાવપુરા ગામ નજીક પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઈટેન્શન વીજ પોલ ઊભા કરવા અને વીજ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. પશ્ચિમ બંગાળથી આવેલા આશરે 25 કામદારો અને ટેક્નિશિયનોની ટીમ આ કામગીરીમાં જોડાયેલી હતી. જેમાંથી છ કામદારો ગગનચુંબી વીજ પોલ પર ચડીને ઉપરથી કેબલ સરકાવવાની કામગીરી કરી રહ્યા હતા, જ્યારે અન્ય કામદારો જમીન પર કાર્યરત હતા.

આ દરમિયાન અચાનક વીજ પોલ ધરાશાયી થઈ જતાં તેના પર કામ કરી રહેલા છ કામદારો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. પોલના લોખંડના ભાગો વાગવાથી તેમજ ભારે ઊંચાઈ પરથી નીચે પડતાં ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતકોમાં ખાનો કાળુભાઈ મારડી (ઉ.વ. 30), બબલુ ગેનાભાઈ બાસ્કી (ઉ.વ. 37) અને રાજન સુનિરામ એબરામ (ઉ.વ. 30) નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ કામદારોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ તથા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત પોતાની નજરે જોનારા સાથી કામદારો ભારે આઘાતમાં સરી પડ્યા હતા. પોતાના સાથીદારોને વીજ પોલ સાથે ઊંચાઈ પરથી જમીન પર પટકાતા જોઈ સમગ્ર મજૂર ટુકડીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સલામતીના ધોરણો અંગે ઉઠ્યા સવાલો

આ ઘટનાને પગલે પાવર ગ્રીડની કામગીરીમાં અપનાવવામાં આવતી સલામતી પ્રક્રિયાઓ અંગે અનેક સવાલો ઉભા થયા છે. ગગનચુંબી વીજ પોલ પર કામ શરૂ કરતા પહેલાં તેની મજબૂતાઈ, ટેકનિકલ ચકાસણી અને ભાર સહન કરવાની ક્ષમતાની પૂરતી તપાસ કરવામાં આવી હતી કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

સ્થાનિક લોકો અને મજૂર હિતચિંતકોનું કહેવું છે કે જોખમી કામગીરીમાં જોડાયેલા કામદારો માટે કડક સલામતી ધોરણોનું પાલન અનિવાર્ય હોવું જોઈએ. ગરીબ અને પરપ્રાંતિય મજૂરો પોતાના પરિવારના ગુજરાન માટે જીવના જોખમે કામ કરતા હોય છે, ત્યારે આવી દુર્ઘટનાઓ પાછળ જવાબદારી નક્કી કરીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર જોખમી ઔદ્યોગિક કામગીરીમાં કામદારોની સુરક્ષા અને કોન્ટ્રાક્ટરોની જવાબદારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

રિપોર્ટર: સઈદ મન્સૂરી

Most Popular

To Top