SURAT

આ રૂટ પર રેલવે ઉનાળું વેકેશન સ્પેશ્યિલ ટ્રેનો દોડાવશે, સુરતના લોકોને થશે ફાયદો

સુરત (Surat): બોર્ડની પરીક્ષાઓ પુરી થયા બાદ હવે કેટલીક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ (Exam) ચાલી રહી છે. આવતા અઠવાડિયા બાદ મોટા ભાગની સ્કૂલોમાં ઉનાળું વેકેશન (Summer Vacation) પડશે. વેકેશનની રજાઓ શરૂ થતાં જ સુરતમાં વસતા પરપ્રાંતિયો માદરે વતન જતા રહેતા હોય છે. તેના લીધે રેલવે અને બસોમાં ભારે ધસારો જોવા મળે છે. લોકોને રેલવેની ટિકિટ મળતી નથી. આ સમસ્યાના નિવારણ અને મુસાફરોની સરળતા માટે આ વર્ષે પશ્ચિમ રેલવેએ (Western Railway) ઉનાળું વેકેશનમાં વધારાની સ્પેશ્યિલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે, જેમાંથી 3 ટ્રેનનો લાભ સુરતના લોકોને મળશે.

ઉનાળું વેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને લાભ થાય તે હેતુથી સુરત-બ્રહ્મપુર, ઉધના- માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

સુરત બ્રહ્મપુર એક્સપ્રેસ સ્પેશ્યિલ ટ્રેન નો નંબર 09069-09070 છે. આ ટ્રેન સુરત-બ્રહ્મપુર-સુરત એક્સપ્રેસ વચ્ચે તા. 17 અને 24 એપ્રિલ ઉપરાંત 1, 8, 15, 22, 29 મે અને 5, 12, 19 અને 26 જૂનના રોજ દોડશે. આ ટ્રેન સુરતથી ઉપડશે. તે ત્રીજા દિવસે બ્રહ્મપુર પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન 19 અને 26 એપ્રિલ, 3, 10, 17, 24, 31 મે અને 7, 14, 21, 28 જૂનના રોજ બ્રહ્મપુરથી રવાના થઈને બીજા દિવસે સુરત પહોંચશે.

આ ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ વારાણસી એક્સપ્રેસ નં. 09183-09184 મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને ત્રીજા દિવસે વારાણસી પહોંચશે. આ ટ્રેન 17 અને 24 એપ્રિલ,1, 8, 15, 22, 29 મે અને 5, 12, 19 અને 26 જુનના રોજ મુંબઈથી ઉપડશે. રિટર્નમાં આ ટ્રેન 19 અને 26 એપ્રિલ, 3, 10, 17, 24, 31 મે અને 7, 14, 21, 28 જૂનના રોજ વારાણસીથી ઉપડશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત અને વડોદરા સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે.

તેમજ ઉધના-માલદા ટાઉન ટ્રેન નંબર 09011-09012 12 એપ્રિલના રોજ ઉધનાથી ઉપડશે તે 14મી તારીખે માલદા-ટાઉન પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન 15 એપ્રિલે માલદા ટાઉનથી રવાના થઈને 17મી તારીખે ઉધના પહોંચશે. આ તમામ ટ્રેનોમાં રિઝર્વેશન કોચ હશે. આ ટ્રેનો વધારાના ભાડા સાથે દોડશે.

Most Popular

To Top