Entertainment

સલમાન ખાને આપી ફેન્સને ઈદી, હવે બોલીવૂડના ભાઇજાન ‘સિકંદર’ બની બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

મુંબઇ: ઈદ 2024 (Eid 2024) માટે સલમાન ખાનની (Salman Khan) કોઈ ફિલ્મ રિલીઝ નથી. જેનાથી તેમના ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. પરંતુ 2024ની ઈદ ઉપર બોલીવૂડના ભાઇજાન સલમાન ખાને ચાહકોને ઈદી આપી છે. ભલે તેઓ આ વર્ષે થીયેટરોમાં ચાહકોનું મનોરંજન ન કરી શક્યા, પરંતુ ભાઈજાને 2025 ની ઈદની રિલીઝ બુક કરી દીધી છે.

સલમાન ખાન અને ફિલ્મ નિર્માતા એઆર મુરુગાદોસે ઈદ-ઉલ-ફિત્ર 2024ના ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. સલમાન ખાનની નવી ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત બાદ તેમના ફેન્સ પહેલાથી જ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ઈદ 2025ના અવસર પર સલમાન ખાન બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહ્યા છે. ભાઈજાને 2010 થી 2023 સુધી ઈદ ઉપર સતત તેમના ચાહકોનું મનોરંજન કર્યું છે. પરંતુ આ વર્ષે તેમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.

સલમાન ખાનની નવી ફિલ્મની જાહેરાત
ઈદ-ઉલ-ફિત્રના અવસર પર સુપરસ્ટાર સલમાન ખાને ‘સિકંદર’ નામના આગામી મોટા પ્રોજેક્ટની જાહેરાત કરીને ચાહકોને ઈદીના રૂપમાં ખૂબ જ પ્રેમભર્યું સરપ્રાઈઝ આપ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, અભિનેતાએ ફિલ્મ નિર્માતા એ.આર. મુરુગાદોસ સાથે તેમની નવી ફિલ્મની રિલીઝ તારીખ તેમજ પોસ્ટર શેર કરીને જાહેરાત કરી હતી. જે સુપરસ્ટારે પોતાના એક્સ હેન્ડલ ઉપર કરી હતી. ભાઇજાને સર્વપ્રથમ ઈદની શુભેચ્છાઓ પાઠવી અને ત્યાર બાદ પોતાની આગામી ફિલ્મની તારીખ સાથેનું પોસ્ટર પણ શેર કર્યું.

ફિલ્મ ‘સિકંદર’ના મેકર સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાન ઘણા સારા મિત્રો છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે બંનેએ લખ્યું, ‘આ ઈદે ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’ જુઓ અને આગામી ઈદે આવીને સિકંદરને મળો…, તમને બધાને ઈદની શુભકામનાઓ!’ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

નિર્માતા સાજિદ નડિયાદવાલા અને સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ‘સિકંદર’ પહેલા પણ એકસાથે કામ કરી ચુક્યા છે. તેમની જોડીએ જુડવા, મુઝસે શાદી કરોગી, કિક અને બીજી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે કિક પછી દર્શકો સાજિદ અને સલમાનને સાથે જોડાવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે હવે આ જોડીની આગામી ફિલ્મ ‘સિકંદર’ સાથે પૂર્ણ થશે.

Most Popular

To Top