National

ભારતના ટોપ 7 ગેમર્સને મળ્યા પીએમ નરેન્દ્ર મોદી, ઈન્ડસ્ટ્રી સહિત આ વિષયે કરી ચર્ચા

નવી દિલ્હી: ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશના ટોચના ગેમર્સને મળ્યા હતા. આ સમય દરમિયાન વડાપ્રધાને ભારતના ટોચના સાત ગેમર્સ સાથે કેટલીક વિડિયો ગેમ્સ (Video games) પણ રમી હતી અને તેમની સાથે હળવી મજાક મસ્તી પણ કરી હતી. આ સાથે જ આવનારા સમયમાં ગેમિંગ તરફ ઇન્ડિયાનું (India) વિઝન અને આ ફિલ્ડમાં કરિયર ઓપ્શન સહિતના ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરી હતી.

થોડા સમય અગાવ જ પ્રધાનમંત્રી મોદીએ કેટલાક સોશિયલ મીડિયા ક્રિયેટર્સને એવોર્ડ આપ્યા હતા. ત્યાર બાદ હવે વડાપ્રધાને ભારતના ટોચના 7 ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ ગેમિંગ ઉદ્યોગના ટોચના ખેલાડીઓ જેવાકે નમન માથુર ઉર્ફે ig_Mortal, અનિમેષ અગ્રવાલ ઉર્ફે 8bit Thug, મિથિલેશ પાટણકર ઉર્ફે mythpat, પાયલ ધરે ઉર્ફે payal gaming, અંશુ બિષ્ટ ઉર્ફે Gamerfleet, તીર્થ મહેતા અને ગણેશ ગંગાધર સાથે મુલાકાત કરી હતી.

Gamersએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી પોસ્ટ કરી
પીએમ મોદીને મળ્યા બાદ આ ખેલાડીઓએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ માહિતી પોસ્ટ કરી હતી. આ સાથે એક પોસ્ટ લખીને તેમણે આ અવસરને પોતાના માટે મહત્વનો ગણાવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગેમિંગ વિશે ચર્ચા કરતી વખતે વડાપ્રધાન અનેક પ્રકારના પડકારો વિશે પણ વાત કરી રહ્યા છે.

આ સાથે જ ગુરુવારે (11 માર્ચ, 2024) સમાચાર એજન્સી ANI દ્વારા PM મોદી અને આ ખેલાડીઓ વચ્ચેની મીટિંગ સંબંધિત એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. બે મિનિટ 37 સેકન્ડની આ ક્લિપમાં એક ક્ષણ એવી પણ જોવા મળી હતી જ્યારે વડાપ્રધાન રમૂજી સ્વરમાં ગેમર્સને કહેતા જોવા મળ્યા કે- હું મારા વાળને કલર કરીને સફેદ કરું છું.

વાતચીત દરમિયાન, ગેમર્સે એ પણ જણાવ્યું કે વર્ષ 2019થી જ ગેમિંગ ક્ષેત્રએ વેગ પકડ્યો હતો. તેમજ આપણી પૌરાણિક કથાઓ (માઇથોલોજી)ને લગતી ઘણી રમતો પણ બનાવવામાં આવી છે અને સરકાર ખેલાડીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપી રહી છે. તે ખુબ જ સારી બાબત છે.

પીએમ મોદીએ 23 લોકોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ આપ્યો હતો
ગયા મહિને નવી દિલ્હીમાં નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ દરમિયાન પીએમ મોદીની ખુબ પ્રશંસા થઇ હતી, તેમને ‘નવા ભારત’ના સર્જક અને ‘સર્વકાળના મહાન નેતા’ તરીકે ગણાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ 23 લોકોને સન્માનિત કર્યા હતા. તેમણે વાર્તાકાર જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે શ્રેષ્ઠ સર્જકનો એવોર્ડ આપ્યો. તેમજ કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યરનો એવોર્ડ મૈથિલી ઠાકુરને આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top