Business

એલોન મસ્ક અને મુકેશ અંબાણી સાથે મળી ભારતમાં ટેસ્લાનું ઉત્પાદન કરશે? શું છે હકીકત જાણો..

નવી દિલ્હી: અમેરિકન (America) ઈલેક્ટ્રિક કાર (Electric Car) ઉત્પાદક ટેસ્લાને (Tesla) લઈને ભારતીય બજારમાં (Indian Market) સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે ટેસ્લા ભારતમાં તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જમીન શોધી રહી છે અને આ માટે કંપની આ મહિને એક ટીમ પણ મોકલવા જઈ રહી છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે બે દિગ્ગજ ટેસ્લા અને રિલાયન્સ (Reliance) હાથ મિલાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલોન મસ્કની (Elon Musk) ટેસ્લા અને મુકેશ અંબાણીની (Mukesh Ambani) કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એકસાથે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર ચર્ચા કરી રહી છે.

ટેસ્લા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સંયુક્ત સાહસ પર વિચાર કરી રહી છે. આ મામલે વાતચીત પ્રારંભિક તબક્કામાં છે અને જો બધું બરાબર રહ્યું તો બંને કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની યોજના પર સંયુક્ત રીતે કામ કરી શકે છે. આ અહેવાલ જણાવે છે કે, જો કે, વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને એક મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. જોકે, આ મામલે અધિકૃત કોઈ જાહેરાત થઈ નથી.

ભારત માટે ટેસ્લાની યોજના
ટેસ્લા ભારતમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે $2 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યો ટેસ્લા પ્લાન્ટ્સની રેસમાં છે. જો કે મહારાષ્ટ્ર તેની બંદર સુવિધાઓને કારણે પસંદગીના સ્થાન તરીકે ઉભરી શકે છે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રિપોર્ટમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે ટેસ્લાના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ટૂંક સમયમાં જ પ્લાન્ટના સ્થાનને અંતિમ સ્વરૂપ આપવા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે સંભવિત સંયુક્ત સાહસ અંગે ચર્ચા કરવા ભારતની મુલાકાત લઈ શકે છે.

મસ્કની મોદી સાથેની મુલાકાત બાદ ચર્ચા ઉઠી
ટેસ્લાના ભારતમાં પ્રવેશની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને પીએમ મોદી વચ્ચેની બેઠકે આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. થોડા દિવસો પહેલા એવા અહેવાલ બહાર આવ્યા હતા કે ટેસ્લા આ મહિને એક ટીમ ભારત મોકલવાની યોજના બનાવી રહી છે. આ ટીમ અહીં કંપનીની ફેક્ટરી માટે જમીન શોધવાનું કામ કરશે.

ભારત સરકારે ઈવીના ઉત્પાદન માટે પ્રોત્સાહક પોલિસી બનાવી
તાજેતરમાં ભારત સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ તૈયાર કરી હતી. જે અંતર્ગત ભારત ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરનું રોકાણ કરતી અને સ્થાનિક ઉત્પાદન કરતી કંપનીઓને ઈમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટ આપશે.

ભારત સરકારની આ નીતિ પરિવર્તને ટેસ્લાને ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરવા પ્રોત્સાહિત કર્યા છે. ટેસ્લા તેના નવા પ્લાન્ટના સ્થાન પર કાળજીપૂર્વક વિચાર કરી રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્થાન નક્કી કરવામાં આવ્યું નથી, ટેસ્લા પ્લાન્ટ માટે સંભવિત સૂચિ મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

Most Popular

To Top