Gujarat

રાજકોટ બેઠક પર થશે બરાબરનો ખેલ: રુપાલા સામે કોંગ્રેસ તરફે મેદાનમાં ઉતર્યા પરેશ ધાનાણી

રાજકોટ: (Rajkot) આ લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) ગુજરાતની સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી રાજકોટ બેઠક પર વધુ એક ધડાકો થયો છે. ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રુપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધનો વંટોળ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે રુપાલાને વધુ એક ઝટકો લાગ્યો છે. આગમાં ઘી હોમવા માટે કોંગ્રેસે રાજકોટ બેઠકના ચૂંટણી મેદાનમાં પરેશ ધાનાણીની એન્ટ્રી કરાવી છે.

રાજકોટ બેઠક હાલ સૌથી વધુ ચર્ચામાં છે. એક તરફ રાજપૂતો રૂપાલાને હટાવવાની માંગ પર મક્કમ છે. બીજી તરફ ભાજપ રૂપાલાને રાજકોટથી ચૂંટણી લડાવવા મક્કમ છે. ત્યારે હવે આ લડાઈમાં કોંગ્રેસનાં પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પરેશ ધાનાણીએ અત્યાર સુધી લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આજે ધાનાણીએ જાહેરાત કરી કે જો રૂપાલા સ્વૈચ્છાએ ઉમેદવારી પાછી નહીં લે તો હું જનહિતમાં આ લડાઈ લડવા માટે તૈયાર છું. તેવા સમયે હવે રાજકોટનું ચૂંટણી મેદાન જંગના મેદાનમાં ફેરવાય તેવી શક્યતાને લઈ રાજકીય ગરમી વધી ગઈ છે.

રાજપૂતો વિરૂદ્ધ નિવેદન આપીને ખરાબ રીતે ફસાયેલા રૂપાલા અડીખમ છે કે તે રાજકોટથી જ ચૂંટણી લડશે. બીજી તરફ ભાજપ પણ તેમને હટાવવાના મૂડમાં નથી. ત્યારે હવે રાજકોટના મેદાનમાં ક્ષત્રિય સમાજના સમર્થનમાં કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા છે. જોકે આ બધા વચ્ચે જામનગરના જામ સાહેબે લખેલી ચિઠ્ઠી પણ ચર્ચામાં છે. બીજી તરફ ભરત બોધરાએ દાવો કર્યો કે રૂપાલા પ લાખ મતથી ચૂંટણી જીતશે. એક શક્યતા એવી પણ જણાવાઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત રાજકોટથી કરશે.

જણાવી દઈએ કે આ પહેલા પરેશા ધાનાણી પુરષોત્તમ રુપાલાને હરાવી ચુક્યા છે. ધાનાણી 3 ટર્મ સુધી અમરેલી બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2002 માં ધાનાણીએ રૂપાલાને અમરેલી વિધાનસભા બેઠક પર હરાવ્યા હતા. 2012 માં દિલીપ સંઘાણીને હરાવીને ધાનાણી અમરેલીનાં ધારાસભ્ય બન્યા હતા. તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

Most Popular

To Top