SURAT

સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો

સુરત(Surat): શહેરના ડુમસ (Dumas) મગદલ્લા (Magdalla) રોડ પર આવેલા વીઆર મોલમાં (VRMall) બોમ્બ (Bomb) મુકાયો હોવાનો ઈ મેઈલ આવતા શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક મોલ ખાલી કરાવ્યો હતો. મોલની બહાર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ બોમ્બ સ્કવોડ સાથે મળી મોલના ખૂણે ખૂણે તપાસ કરી રહી છે.

આજે તા. 9 એપ્રિલે સુરત વીઆર મોલના ઓફિશિયલ એકાઉન્ટ પર એક મેઈલ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, જેટલાંને બચાવવા હોય તેટલાંને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે. આ ધમકીભર્યો ઈ મેઈલ મળતા જ વીઆર મોલના સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ સ્કવોટ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઉમરા પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક મોલ ખાલી કરાવ્યો હતો. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

વીઆર મોલના કર્મચારીઓએ કહ્યું કે, મેનેજમેન્ટે કહ્યું કે મોલમાં કોઈ બોમ્બ મુકી ગયું છે. તાત્કાલિક તમારો સ્ટોર બંધ કરો. આ મેસેજ મળતા જ બધા ગભરાઈ ગયા હતા. ગ્રાહકોને બહાર જતા રહેવા સૂચના આપી હતી. મોલમાં ચારેતરફ અફરાતફરી મચી ગઈ હતી. ધમકી મળી ત્યારે મોલમાં બેથી ત્રણ હજાર લોકો હતા. તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. 10થી 15 મિનીટમાં પોલીસ આવી ગઈ હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા ઈમેઈલ દેશભરમાં 52 જગ્યાએ મળ્યા છે. સુરતના વીઆર મોલમાં બોમ્બ મુક્યો હોવાનો મેઈલ મળતા મોલ ખાલી કરી દેવાયો છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે કહ્યું કે, અંદાજે 4 વાગ્યે ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. મોલમાંથી ગ્રાહકો, કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. સર્ચ ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મોલ પર પહોંચી ગયા હતા. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમે સર્ચ કામગીરી શરૂ કરી હતી. મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી હતી.

Most Popular

To Top