Gujarat

જામનગરના જામસાહેબનો પત્ર, કહ્યું- આ મોદીને જિતાડવાની ચૂંટણી છે, રૂપાલાને માફ કરો

જામનગર: (Jamnagar) રાજકોટના ભાજપના લોકસભા ઉમેદવાર પુરષોત્તમ રુપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે જામનગરના રાજવી જામસાહેબનો (Jamsaheb) પત્ર સામે આવ્યો છે. જામસાહેબે પોતાના પત્રમાં આ વિવાદમાં સમાધાનકારી વલણ અપનાવવા ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. જામસાહેબે કહ્યું કે રૂપાલા સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓ સામે માફી માંગે તો માફી આપવી જોઈએ કારણકે આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની ચૂંટણી છે.

રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધને લઈને જામનગરના જામસાહેબે વધુ એક પત્ર લખ્યો હતો. જામસાહેબના પત્રમાં રૂપાલા સમાજના પ્રમુખ આગેવાનો અને સમાજના ધર્મગુરૂઓની સામે રૂપાલા માફી માંગે તેમ જણાવ્યું હતું. તેમણે બે પત્રો લખ્યા હતા. પહેલાં પત્રમાં ગઇકાલે જામનગરના જામસાહેબે પ્રતિક્રિયા આપતા રાજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરી હતી. જોકે આજે ફરીથી તેમણે પત્ર લખીને રૂપાલાને માફ કરવાની અને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાની મત રજૂ કર્યો છે.

જામનગરના રાજવી જામસાહેબે કહ્યું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ક્ષત્રિયોનો ધર્મ છે અને એ ધર્મે રૂપાલાને માફી આપવી જોઈએ. જામસાહેબે એમ પણ કહ્યું કે રૂપાલા બે વાર માફી માંગી એ પૂરતી નથી. તેમણે સામાજિક આગેવાનો અને ધર્મગુરૂઓની સામે ત્રીજીવાર માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે આ ચૂંટણી મોદીને ત્રીજીવાર PM બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે.

આ પહેલા જામસાહેબે જે પત્ર લખ્યો હતો તેમાં લખ્યું હતું કે આજના લોકશાહી સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહી રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. તેમણે લખ્યું હતું કે સહુ રાજપૂતો ભેગા મળીને જે કોઈ આવું કૃત્ય કરે છે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળીને ચૂંટણીમાં હરાવો. જણાવી દઈએ કે રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે રાજકોટમાં એક મહાસંમેલન યોજશે. રતનપર નજીક આવેલા રામ મંદિર સામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે.

Most Popular

To Top