National

કોલકાતા હાઈકોર્ટનો આદેશ- સંદેશખાલી કેસની તપાસ CBI કરશે, આગામી સુનાવણી 2 મેના રોજ

કોલકાતા: (Calcutta) પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતિય સતામણી કેસની તપાસ CBI કરશે. આ નિર્દેશ કલકત્તા હાઈકોર્ટે (High Court) આપ્યા છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્યને તમામ પ્રકારની સહાયની જરૂર છે. ત્યાંના લોકો CBIને તેમની ફરિયાદો સીધી જણાવી શકશે. કોર્ટે કહ્યું કે CBIએ એક પોર્ટલ બનાવવું પડશે. સીબીઆઈ જમીન પચાવી પાડવા, બળાત્કાર, ખેતીની જમીન બદલવા જેવી તમામ ફરિયાદોની તપાસ કરશે.

સંદેશખાલી કેસની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સંદેશખાલી વિસ્તારમાં 15 દિવસમાં CCTV લગાવવાના રહેશે. 15 દિવસમાં LED લાઇટ લગાવવાની સૂચના છે. કોર્ટે કહ્યું કે પુરાવા સુરક્ષિત રાખવાની જરૂર છે. 2 મેના રોજ અલગથી સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ તે દિવસે પ્રાથમિક રિપોર્ટ કરશે.

જણાવી દઈએ કે સંદેશખાલીની મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ પર યૌન ઉત્પીડન અને બળજબરીથી જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં શેખ શાહજહાં, શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર આરોપી છે. ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ટી.એસ. શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચ દ્વારા સંદેશખાલી સંબંધિત પાંચ પીઆઈએલની સુનાવણી કરવામાં આવી હતી.

કોર્ટે કહ્યું હતું કે સંદેશખાલીનું 1% સત્ય પણ શરમજનક છે
કોર્ટના આદેશ બાદ હવે રાજ્યની મમતા બેનર્જી સરકાર સીબીઆઈ તપાસને રોકી શકશે નહીં. રાજ્ય સાથે સંબંધિત કોઈપણ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા તપાસ માટે રાજ્ય સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. પરંતુ કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ હવે આની જરૂર નહીં રહે. અગાઉ 4 એપ્રિલે કલકત્તા હાઈકોર્ટે કહ્યું હતું કે સંદેશખાલીનું 1% સત્ય પણ શરમજનક છે. કોર્ટે કહ્યું હતું કે સમગ્ર વહીવટીતંત્ર અને શાસક પક્ષ આ માટે 100% નૈતિક રીતે જવાબદાર છે. આ લોકોની સુરક્ષાનો મામલો છે.

Most Popular

To Top