National

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદનું રાજીનામું, AAP વિશે કહી આ ચોંકાવનારી વાત

નવી દિલ્હીઃ (New Delhi) લીકર પોલિસી કેસની તપાસ વચ્ચે કેજરીવાલ સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે (Rajkumar Anand) રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે EDએ થોડા દિવસો પહેલા રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી સરકારમાંથી આ પ્રથમ રાજીનામું છે. રાજીનામું આપ્યા બાદ રાજકુમાર આનંદે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે જે પક્ષ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનને કારણે અસ્તિત્વમાં આવ્યો હતો તે આજે તેમાં જ ડૂબી ગયો છે. તેમણે કહ્યું કે પહેલા તેમને લાગતું હતું કે પાર્ટીના નેતાઓને ફસાવવામાં આવી રહ્યા છે પરંતુ હાઈકોર્ટના નિર્ણય પછી તેમને લાગ્યું કે ક્યાંક કંઈક ખોટું છે.

રાજકુમાર આનંદે રાજીનામા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જ્યારે હું રાજનીતિમાં આવ્યો ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રાજનીતિ બદલાશે તો દેશ બદલાશે. પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે રાજકારણ બદલાયું નથી પણ રાજકારણીઓ બદલાયા છે. આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો પરંતુ આજે આ પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. આ સરકારમાં મંત્રી તરીકે કામ કરવું મારા માટે અસહજ બની ગયું છે. હું હવે આ પાર્ટી, આ સરકાર અને મારા મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું કારણ કે હું નથી ઈચ્છતો કે મારું નામ ભ્રષ્ટાચાર સાથે જોડાય.

રાજકુમાર આનંદે કહ્યું કે હું સમાજનું ઋણ ચૂકવવા માટે હું મંત્રી બન્યો છું. જ્યારે દલિતોના પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે જે પાર્ટી પાછળ હટી જાય હું એવી પાર્ટીનો ભાગ બનવા માંગતો નથી. કટોકટી દરમિયાન AAP દ્વારા અચાનક રાજીનામું આપવાના પ્રશ્ન પર રાજકુમાર આનંદે કહ્યું કે આવા સમય અને તે સમયની કોઈ વાત નથી. માણસ ગૂંગળાઈ રહ્યો હોય છે અને આ ગૂંગળામણ વચ્ચે તે એક દિવસે ઉભો થઈ જાય છે. ગઈકાલ પહેલા એવું લાગતું હતું કે અમને ફસાવામાં આવી રહ્યા છે પરંતુ ગઈકાલે હાઈકોર્ટના નિર્ણયથી એવું લાગ્યું કે અમારામાં જ કંઈક ખોટું છે. બાદમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અન્ય કોઈ પાર્ટીમાં જશે તો રાજકુમાર આનંદે કહ્યું કે તેઓ ક્યાંય જઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું સીએમ ઓફિસને મોકલી દીધું છે. જો કે મુખ્યમંત્રી કેજરીવાલ પોતે જેલમાં હોવાથી તે કેવી રીતે રાજકુમારનું રાજીનામું સ્વીકારે છે અને લેફ્ટનન્ટ ગવર્નરને મોકલે છે તે જોવું રસપ્રદ રહેશે.

Most Popular

To Top