Vadodara

વડોદરા : કાર ઓછા ભાવમાં અપાવાની લાલચે એલેમ્બિકના કર્મી સાથે 2.88 લાખની છેતરપિંડી

વારંવાર ફોન કરતા સ્વિચ આફ કરી નાખ્યો, સુરતના ઠગ સામે પોલીસ ફરિયાદ

 અટલાદરાના મિત્રને પણ કાર 30 હજાર ઓછામાં અપાવાનું કહી 74 હજાર ખંખેર્યા

વડોદરા તા.10

એલેમ્બિકમાં નોકરી કર્મચારીને બજાર ભાવ કરતા બે લાખ ઓછા કિંમતમાં કાર અપાવાનું કહીને સુરતના ઠગે રુ. 2.88 લાખ પડાવી લીધા હતા. કાર માટે કોઇ ડોક્યુમેન્ટસની માગણી નહી કરતા તેમને શંકા ગઇ હતી જેથી તેને ફોન કરતા સ્વિચ ઓફ આવતો હતો. ઉપરાંત ઠગે કર્મચારીના મિત્ર પાસેથી પણ બાઇક 30 હજાર ઓછા ભાવમાં અપાવાની લાલચે 74 હજાર ખંખેરી લીધા હતા. લક્ષ્મીપુરા પોલીસે સુરતના ભેજાબાજને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.  

શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં સમન્વય વેસ્ટ બ્રિજ સેવા રેસિડેન્સીમાં રહેતા મીત અશ્વીનભાઇ બગડાઈ એલેમ્બિક કંપનીમાં નોકરી કરે છે. તેમને એકટીવા ખરીદવાનું હોય તેમના મિત્ર મીલનભાઈ જસાણી દ્વારા નીકુંજ કીરણભાઈ ભડીયાદ્રા (રહે. સુરત)ને વાત કરી હતી. ત્યારે તેણે અમીદીપ હોન્ડા શોરૂમ નાના વરાછા સુરતમાંથી એકટીવા બજાર ભાવ કરતા  17 હજાર ઓછા ભાવમાં અપાવી હતી. જેથી તેમને નિકુંજ ભડીયાદ્રા પર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ તેમને કાર ખરીદવાની હોય નિકુંજને વાત કરતા બજાર ભાવ કરતા બે લાખનો ફાયદો કરાવી આપવાનું કહીને તેમને લલચાવ્યા હતા. જેથી તેમના પર ભરોષો આવી ગયો હોય વર્ષ 2023માં તેઓ પાસે કાર બુ કરાવી હતી અને તેઓના  કહ્યા મુજબ તેમના ખાતામાં રૂ.2.88 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. નિકુંજે  કહ્યું હતું કે મારા ઓળખીતામાં ત્રણેક શોરૂમવાળા છે. તેમ કહી જાન્યુઆરી 2024મા ડીલીવરી આપી દેવાની વાત કરી હતી.. પરંતુ ઠગે તેમની પાસે કોઈ પણ પ્રકારના ડોકયુમેન્ટની માગણી કરી ન હતી.જેથી તેમને શંકા જતા તેના ફોન પર સંપર્ક કરતા સ્વીચ ઓફ આવતો હતો. 10 દિવસ રાહ જોયા બાદ સુરત તેઓના ઘરે ગયા હતા અને તપાસ કરતા તેના માતા પિતા મળ્યા હતા. તેઓએ અમારો દીકરા કયાં છે તેની અમને ખબર નથી તેમ કહ્યું હતું. બાદમાં તેઓએ જાણવા મળ્યું હતું કે મિત્ર મીલનકુમાર શામજીભાઈ જસાણી (રહે. અટલાદરા વડોદરા) ને પણ નીકુંજ ભદીયાદ્રાએ બાઇકમાં 30 હજારનો ફાયદો કરાવવાનં કહીને રૂ.74 હજાર પડાવી લઇને ઠગાઇ કરી હતી. જેથી સુરતના ભેજાબાજ વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top