Business

એપલનો દરેક સાતમો આઈફોન ભારતમાં બને છે, મેક ઈન્ડિયાની મોટી સફળતા

નવી દિલ્હીઃ પીએમ મોદીના (PMModi) મેક ઇન ઇન્ડિયા (MakeInIndia) અભિયાનને મોટી સફળતા મળી છે. હાલમાં જ એક રિપોર્ટ આવ્યો છે કે અમેરિકન (America) કંપની એપલ (Apple)નો દરેક સાતમો આઈફોન (iPhone) ભારતમાં બની રહ્યો છે. વર્ષ 2023-24 દરમિયાન એપલના 14 અબજ ડોલરના ફોન ભારતમાં બનાવવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં એપલના આઈફોન-12 (iPhone 12) થી આઈફોન 15 (iPhone 15) મોડલનું ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે.

બ્લૂમબર્ગે બુધવારે તા. 10 એપ્રિલે એક અહેવાલ આપ્યો કે અમેરિકન કંપની એપલ ઈન્ક (Apple Inc) એ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 14 બિલિયન ડોલરની કિંમતના આઈફોનનું ભારતમાં ઉત્પાદન અને એસેમ્બલ કર્યું છે. આ મામલામાં નિષ્ણાતોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે એપલ દ્વારા વિશ્વમાં બનાવેલા તમામ આઈફોનમાંથી 14%નું ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો એપલનો દરેક 7મો આઇફોન અહીં બનાવવામાં આવી રહ્યો છે.

ફોક્સકોનનો 67 ટકા હિસ્સો
બ્લૂમબર્ગનો રિપોર્ટ જણાવે છે કે એપલની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન લગભગ 67% જ્યારે પેગાટ્રોન કોર્પ ભારતમાં લગભગ 17% આઈફોન બનાવે છે. વિસ્ટ્રોન કોર્પે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં બાકીના ફોનનું ઉત્પાદન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીનો કર્ણાટક પ્લાન્ટ ગયા વર્ષે ટાટા ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો.

એપલ ચાઈના પ્લસ વનની રણનીતિ પર કામ કરી રહી છે
ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી ભૌગોલિક રાજકીય તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન Apple તેની સપ્લાય ચેઇનને વૈવિધ્યકરણ કરવા માટે ચીનની બહાર કેટલાક ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આઈફોન બનાવવામાં ચીનનો હજુ કોઈ મુકાબલો નથી. હાલમાં, ચીન વિશ્વનું સૌથી મોટું આઇફોન ઉત્પાદન કેન્દ્ર છે.

શું ટાટા પેગાટ્રોન પ્લાન્ટ પણ ખરીદશે?
ન્યૂઝ એજન્સી રોઈટર્સે ગયા સોમવારે અહેવાલ આપ્યો હતો કે પેગાટ્રોન દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં ચેન્નાઈ નજીક સ્થિત તેની એકમાત્ર આઈફોન ઉત્પાદન સુવિધાનું નિયંત્રણ ટાટા જૂથને સોંપવા માટે વાટાઘાટ કરી રહી છે. આ વાતચીત એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગઈ છે. ટાટા ગ્રૂપ તમિલનાડુના હોસુરમાં બીજો પ્લાન્ટ પણ બનાવી રહ્યું છે, જેમાં પેગાટ્રોન તેના સંયુક્ત સાહસ ભાગીદાર તરીકે ઉભરી શકે છે.

પીએમ મોદી માટે સિદ્ધિ
ભારતમાં એપલનો દરેક સાતમો આઈફોન બનાવવો એ એક રીતે પીએમ મોદીની સિદ્ધિ છે. મોદી સરકારે એપલ સહિતની ઘણી વિદેશી કંપનીઓને ભારતમાં આવવા અને ઉચ્ચ સ્તરનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. તેને આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. અહીં એપલ ફોનનું ઉત્પાદન કરીને ભારતમાં 1.5 લાખ લોકો માટે રોજગારીની તકો પણ ઊભી કરી છે.

Most Popular

To Top