National

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી ‘સર તન સે જુદા’ ની ધમકી, હિન્દુ સંગઠનોમાં આક્રોષ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બરેલીમાં બાગેશ્વર ધામના (Bageshwar Dham) પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો મામલો સામે આવ્યો છે. ફેસબુક દ્વારા આપવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું છે કે માથું શરીરથી અલગ એટલે કે ’સર તન સે જુદા’ કરી દેવામાં આવશે. ઘમકી બાદ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. તેમજ તેમણે બરેલીના અમલા કોતવાલીમાં ફરિયાદ પત્ર આપ્યો છે.

આ ફરિયાદ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સનાતન ધર્મ ગુરુ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ફોટો અભદ્ર રીતે એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના શિરચ્છેદ (સર તન સે જુદા)ની ધમકીનો ઓડિયો પણ સામેલ કરવામાં આવ્યો છે. આ વીડિયોથી હિન્દુ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને સમાજના સંગઠનોમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ ધમકી અને હિન્દુ સંગઠનના આક્રોષને કારણે હિંદુ સંગઠનોના સેંકડો કાર્યકરો એકઠા થઈ ગયા હતા. તેમજ અમલા પોલીસ સ્ટેશન પરિસરમાં પણ હંગામો મચાવ્યો હતો. તેમણે પોલીસ અધિકારીને એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. આ સાથે જ આરોપીઓ સામે કાર્યવાહીની પણ કરવાની માંગ કરવામાં આવી હતી.

હાલમાં કોતવાલી પોલીસે ફૈઝ રઝા નામના વ્યક્તિ સામે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ધમકી આપવા બદલ કલમ 505 (2) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસના આશ્વાસન બાદ પોલીસ સ્ટેશનમાં શાંતિ જળવાઈ હતી.

આ સમગ્ર મામલે હિન્દુ સંગઠનના નેતાએ કહ્યું કે ફૈઝ રઝાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો છે અને તેમનું માથું કાપી નાખવાનું અને અપશબ્દ લખી સ્ટેટસ પણ પોસ્ટ કર્યું હતું. તેમાં સર તન સે જુદાનો ઓડિયો પણ સામેલ છે. તેની પોસ્ટ પર અન્ય કેટલાક લોકોએ પણ અભદ્ર ટિપ્પણીઓ પણ કરી છે.

આ સિવાય હિન્દુ સંગઠનોનું કહેવુ છે આ પ્રકારની પ્રવૃત્તિઓ ધાર્મિક વાતાવરણને બગાડી શકે છે, તેથી આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ પહેલા પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ધમકીઓ મળી હતી. આવી સ્થિતિમાં તેમની સાથે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ તેમની સુરક્ષાને લઈને સતર્ક છે.

Most Popular

To Top