SURAT

કારચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતાં સરથાણા કેનાલ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, વૃદ્ધાનું મોત

સુરત(Surat): સરથાણા કેનાલ રોડ (Sarthana Canal Road) ખાતે કાર ચાલકે બ્રેકની (Break) જગ્યાએ રેસ આપી દેતા ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું. કાર ચાલકે અકસ્માતમાં બાઈક, રિક્ષા ટક્કર મારી ચાલતા જતાં વૃદ્ધા અને નાના બાળકો તેમજ એક દંપતીને અડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે સરથાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

  • સરથાણા કેનાલ રોડ ખાતે કાર ચાલકે બાઇક, રિક્ષા સહિત 7 લોકોને અડફેટે લેતાં વૃદ્ધાનું મોત
  • મિત્ર સાથે બર્ગર ખાઈને પરત આવતા કાર ચાલકે બ્રેકની જગ્યાએ રેસ આપી દેતા અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં 7 વર્ષના બાળકને તેમજ અન્ય બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ, તેમજ વૃદ્ધાનું મોત નિપજ્યું

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મોટા વરાછા વિસ્તારમાં જીતેન્દ્ર જશવંત માલવિયા (36 વર્ષ) પરિવાર સાથે રહે છે. જીતેન્દ્ર ગ્રાફિક્સ ડિઝાઇનનું કામ કરે છે. મંગળવારે સાંજે જીતેન્દ્ર સરથાણા કેનાલ રોડ ખાતે રહેતા તેના નીરવ નામના મિત્ર સાથે વેન્ટો કાર લઈને કામરેજ પાસે બર્ગર કિંગમાં નાસ્તો કરવા માટે ગયો હતો.

બંને મિત્રો નાસ્તો કર્યા બાદ ફરી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન જીતેન્દ્ર કાર ચલાવી રહ્યો હતો અને નીરવને તેના ઘરે કેનાલ રોડ મૂકવા માટે જઈ રહ્યો હતો. ત્યારે સરથાણા જકાતનાકાથી વ્રજચોક તરફ જતા રસ્તા ઉપર જીતેન્દ્રએ કારમાં બ્રેક મારવાની જગ્યાએ એક્સીલીટર આપી દીધું હતું. જેથી તેએ આગળ ચાલતા બાઇક ચાલક અને રિક્ષાને ટક્કર મારીને ચાલતા જતાં ગૌરીબેન (ઉં.વ 60, રહે સ્વસ્તિક સોસાયટી સરથાણા જકાતનાકા) તેમજ સાતેક વર્ષના બે બાળકો અને એક દંપતીને અડફેટે લીધા હતા.

અકસ્માતને પગલે ગૌરીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તેમજ 7 વર્ષના એક બાળક અને બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ તેઓને રજા આપી દેવામાં આવી હતી.

કારની ટક્કર બાદ બાઇક 10 ફૂટ દૂર સુધી ધસેડાઈ ગઈ હતી. તેમજ રિક્ષા પણ પેસેન્જરથી ભરેલી હતી. અકસ્માતને કારણે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ઘટનાને કારણે સરથાણા પોલીસે કાર ચાલક જીતેન્દ્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top