National

‘કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદશે, કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર…’, – આપ મંત્રી આતિશી

નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલીસી કેસના (Delhi Excise Policy Scam) કારણે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) હાલ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. કારણ કે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસના મામલે જેલમાં છે. દરમિયાન આમ આદમી પાર્ટીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરી હતી. જેમાં દિલ્હી સરકારની મંત્રી આતીશીએ (Atishi) કેન્દ્ર સરકાર ઉપર વિવિધ આરોપો લગાવ્યા હતા.

દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી સિંહે આજે 12 એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની ચૂંટાયેલી સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી સરકારના અધિકારીઓએ આચારસંહિતાના બહાને મીટિંગમાં આવવાનું બંધ કરી દીધું છે. 20 વર્ષ જૂના કેસને લઈને દિલ્હી સીએમના અંગત સચિવને બરતરફ કરવામાં આવ્યા હતા.

આ સાથે જ આતિશીએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલની ED દ્વારા કોઈ પણ પુરાવા વિના ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવી છે… કારણ કે ભાજપ જાણે છે કે તેઓ ગમે તેટલા બળનો પ્રયાસ કરે, તેઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને હરાવી શકશે નથી.

આતિશીએ કહ્યું કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું ગેરકાયદેસર હશે કારણ કે જનતાએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. તેમજ કેજરીવાલ સરકારે થોડા દિવસો પહેલા જ ફ્લોર ટેસ્ટ કરીને બહુમત સાબિત કરી દીધો છે. તેમજ ભારતીય બંધારણ હેઠળ, જ્યારે સરકાર પાસે બહુમતી હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય નહીં. 2016માં પણ જ્યારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે કોર્ટના આદેશ પર ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ શાસનના આદેશને ફગાવી દેવામાં આવ્યો હતો.

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આતિશી કેન્દ્ર સરકાર વિરુધ્ધ ખૂબ જ નીડરતાથી અવાજ ઉઠાવી રહી છે અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ પહેલા પણ તેણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તેણીની પણ ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. તેમજ આતિશીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેણીને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી.

Most Popular

To Top