Comments

શાકભાજીથી રાજકારણ સુધી-રોડ સાઈડ માર્કેટિંગ રોડ વચ્ચે આવી ગયું

ખેડૂતો પોતે જ વેચવા બેસે તો શાકભાજીમાં તેમને વ્યાજબી આવક થાય એ હેતુથી  દરેક શહેરમાં  રસ્તાની બાજુએ બેસીને શાકભાજીનો ધંધો કરવાની છૂટ આપવામાં આવી.પછી તો નાના વેપાર ધંધાવાળાને પણ રસ્તાની બાજુએ ધંધો કરવા દેવાયો પણ આ વેપારનગર એ શહેરના અમુક વિસ્તારો પૂરતું માર્યાદિત રહ્યું. પછી મતોનું રાજકારણ વિકસતું ગયું એટલે ગમે તે વ્યક્તિ ગમે ત્યાં દુકાન ગલ્લો કરીને વેપાર કરવા લાગ્યો અને ગાડીવાળા ગ્રાહકો ગાડીમાં બેઠાં બેઠાં ખરીદી કરવા લાગ્યા, પછી ભલે ટ્રાફિકની સમસ્યા વકરે અને આ સમસ્યા વકરી.ખુદ ખેડૂતો મોટી લારીઓમાં માલ મૂકી ગમે તે રસ્તા પર ઊભા રહેવા લાગ્યા અને કોઈને એમ ના થયું કે ખેડૂતોને સારા રૂપિયા મળે અને ગ્રાહકોને સસ્તું મળે તેવી ખેત ઉત્પાદનોની કાયમી વ્યવસ્થા હોવી જોઈએ અને આ ટ્રાફિક રોકીને થતા ધંધા બંધ થવા જોઈએ.

રોડ સાઈડનો ધંધો કયારે રોડ પર ચડી બેઠો એની કોઈને ખબર ના પડી અને આ સમસ્યા ઉકેલાવાને બદલે વધુ વકરી.જો કે  હવે ખુદ રાજકારણીઓ આ રસ્તા પર ધંધામાં આવી ગયા છે, જેનું રૂપાળું નામ છે “ રોડ શો.” દેશની આર્થિક નીતિઓ બદલાય તેમ દેશની વિચારસરણી પણ બદલાય અને માનસિકતા બદલાય તો સમાજવ્યવસ્થા પણ બદલાય. ખાનગીકરણ બાદ, બજાર આપણા મન મસ્તિષ્ક પર છવાઈ ગયું છે.  જેમ ઓછી હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો વસ્તુ સસ્તી વેચીને કે સારી ગુણવત્તાવાળી ઉત્પન કરીને વેચવાને બદલે જાહેરાતનો મારો કરીને વેચવા માંગે છે તેમ ફિલ્મોથી માંડી ધર્મગુરુઓથી માંડી હવે નેતાઓ ગુણવત્તાને આધારે નહિ, પણ મગજ બંધ કરી દેતાં જાહેરાતના પ્રચાર-પ્રસારના મારા દ્વારા ચૂંટણી જીતવા માંગે છે.

નેતાઓ તો આવું કરે જ, કારણ તેમને કોઈ પણ ભોગે સત્તા જોઈએ છે, પણ આપણા દેશના સમાજશાસ્ત્રીઓ ,લોકશાહીના પહેરેદારો ,મિડિયા આ બધા ક્યાં ગયા છે? તેઓ તો કંઈ બોલતા  નથી. ઉલટાનું કેટલાક બની બેઠેલા નિષ્ણાતો જોર જોરથી કહે છે કે ચૂંટણી જીતવા માટે માર્કેટિંગ, મેનેજમેન્ટ ,આ બધું અનિવાર્ય છે.અલ્યા ભાઈ,લોકશાહીને લોકશાહી રહેવા દો, બજાર ના બનાવો.એમાંય હવે તો બધા કહે છે કે ભારતની ચૂંટણી  નાત ,જાત બધાથી ઉપર ઊઠીને વિકાસના મુદ્દે લડાય છે તો આ રોડ શો ના તાયફા શા માટે? એક તરફ આપણે જરૂરી ચીજોમાંથી સરકારી સબસીડી ઘટાડી રહ્યા છીએ તો બીજી બાજુ આવો તદ્દન નકામો ખર્ચ શા માટે? અત્યારે આ વાત કદાચ કોઈને ભાજપ વિરુદ્ધની લાગે, પણ રોડ શો ના તાયફા રાહુલ ગાંધી કરે,અખિલેશ કરે કે બીજું કોઈ, ખોટું એ તો ખોટું જ રહેવાનું.

રાજકારણીઓ જાહેર સભા કરે,પ્રજાને બસો ભરી ભરી બોલાવે, નાસ્તા કરાવે,રૂપિયા વહેંચે, પણ આ તમાશાની પોલ ખોલવાનું કામ મિડિયાનું છે. ચેનલો આવ્યા પછી તો આ કામ બહુ સરળ અને વ્યવહારુ થઈ શકે, પણ આપણા કમનસીબે મીડિયા હજુ એટલું પરિપક્વ નથી થયું કે તે નેતાઓના રોડ શો સાથે પ્રજાને પડેલી તકલીફોનું પ્રસારણ કરે.પહેલાં ફિલ્મોમાં, લેખોમાં અનેક વાર આવતું કે નેતાઓ નીકળે ત્યારે રોકાઈ રહેલા ટ્રાફિકમાં એક પ્રસુતા સ્ત્રીની હાલત ગંભીર બની.એક બીમાર માણસ દવાખાને ના પહોંચી શક્યો ..

વગેરે..હવે કોઈ બોલતું નથી કે અગિયાર કિલોમીટર લાંબા અને બે થી ત્રણ કલાક ચાલેલા આજના રોડ શો માં આટલાં દર્દીઓ હેરાન થયાં.લાગે છે હવે પ્રજા સમજી ગઈ છે કે નેતાઓ નીકળવાના  હોય એ માર્ગ પર નીકળવું જ  નહિ, જેથી ફસાઈ  ના જવાય અને ખાનગી ચેનલો બધી જ એક સાથે એક વખતે એક જ પ્રસારણ કરે તો રૂપિયા ચૂકવીને ચેનલ કનેક્શન લેનારો ગ્રાહક બોલતો નથી કે ભાઈ મારે આ નથી જોવું.મારી સમાચાર જોવાની સ્વતંત્રતાનું શું? બજારની સફળતા ગ્રાહકની જાગૃતિ પર છે, પણ આપણો ગ્રાહક ફોનમાં મેસેજ પાસ કરવામાંથી નવરો થાય તો ને?

આમ જુઓ તો આપણે કેટલું બધું વિચારવાનું છે? સરકારે હાલમાં જ ખાનગી શાળાઓ માટે ફી નિયંત્રણ બીલ રજૂ કર્યું.વીસ વર્ષના શાસન પછી પહેલી વાર સરકારને ખબર પડી કે ગુજરાતમાં ખાનગી સ્કૂલો  બેફામ ફી વસૂલે છે.હવે  લોકોને ખબર પડી કે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર ચાર્જ થાય છે.પેટ્રોલ અને ડીઝલના ભાવ તો આ સરકાર પણ ઘટાડી ના શકી, જેણે આ જ ભાવવધારા માટે ભારત બંધનું એલન આપ્યું હતું.અધૂરામાં પૂરું હવે તો રોજે રોજ ભાવ બદલવાના છે ..સરકાર ભાવોને બજારને હવાલે છોડે છે તો પેટ્રોલ પમ્પોને કેમ પકડી રાખે છે?

આપણે જાગવું પડશે. તમાશાગીરોનાં ટોળાં આમ ખેલ જોનારાનાં ખિસ્સાં કાપતાં લોકોથી આપણે બોધપાઠ લેવાનો છે કે કોઈ આપણને ખેલમાં મશગુલ રાખીને ખિસ્સા તો નથી કાપી રહ્યું ને? ગુજરાતમાં હવે ચૂંટણી આવશે એટલે તમાશા ચાલશે. આ બધાની વચ્ચે પાણીનો પ્રોબ્લેમ,ટ્રાફિકનો પ્રોબ્લેમ,શિક્ષણનો પ્રોબ્લેમ ભૂલી ના જવાય અને હા કોઈનો ભરોસો ના રાખશો.કોંગ્રેસ કહે છે કે કોંગ્રેસ આવે છે.અમે પણ એ જ કહીએ છીએ કે કોંગ્રેસ હાજરમાં નથી અને રહેવું જોઈતું હતું પણ એ નથી અને હજુ તો આવે છે.ક્યારે એ તો શી ખબર? 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top