Charchapatra

સિદ્ધાંત જાય પેલે પાર

તા. ૨૮ માર્ચના ‘ગુ.મિત્ર’માં  બકુલ ટેલરે  દેશના વર્તમાન શાસન સંદર્ભે સચોટ આલેખન કર્યું છે.  ચૂંટણીમાં જીત મેળવવાના  લક્ષ્ય બાબતે કોઈને વાંધો ન જ હોય, પણ યેનકેન પ્રકારે  જીતવું એ એક જ લક્ષ્ય હોય તો દેશ માટે સ્વાભાવિક ચિંતાનો વિષય છે. જે પક્ષનો સફાયો કરવાનું ધ્યેય હોય તે પક્ષના કાર્યકરોને, નેતાઓને પોતાના પક્ષમાં લઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મૂકવા એ શું બતાવે છે? અર્થ એ જ થયો કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. બાજપાઈના ભાજપ અને અત્યારના ભાજપનું સ્વરૂપ બદલાઈ ગયું છે.

જ્યાં પાર્ટીમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ માણસોનું વજન પડતું હોય ત્યાં અન્યનો બોલ કોઈ સાંભળશે નહીં એમ માની બેસી રહેવું એય અનૈતિકતા છે. જો કે રાજકારણમાં આત્મા હોતો નથી એટલે આત્માનો અવાજ પણ ક્યાંથી હોવાનો? સિદ્ધાંતો જાય પેલે પાર. આયાતી અને મૂળ અન્ય પક્ષીય ઉમેદવારો બાબતે ક્યાંક ક્યાંક વિરોધનો ગણગણાટ સંભળાય છે પણ એ ઉપરછલ્લું છે, વિદ્રોહ તો દૂર દૂરની વાત છે. પ્રસ્તુત લેખમાં યોગ્ય જ કહેવાયું છે કે, ‘રાજકીય નૈતિકતા તો પાતાળમાં પણ શોધવી મુશ્કેલ છે’.
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રૂપાલા પ્રશ્ને હઠાગ્રહ કેમ?
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક સમારંભમાં ક્ષત્રિયો વિરુદ્ધ નિવેદન કર્યું અને ક્ષત્રિયાણીઓ બાબતે અસભ્ય ટીકા-ટિપ્પણી કરતાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો-ક્ષત્રિયાણીઓ વિફર્યાં છે અને વિરોધ – પ્રદર્શન કરીને લડાયક મૂડમાં રણચંડી બની છે. રૂપાલા વિરુદ્ધ ઊહાપોહ વધતો જાય છે અને ક્ષત્રિયો રૂપાલાને માફી નહીં, પરંતુ સજા કરવાના મૂડમાં છે. રૂપાલાની ગુસ્તાખી બદલ મુખ્યમંત્રી તથા પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ તથા ખુદ રૂપાલાએ માફી માંગી, છતાં વિવાદ શમતો નથી. રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલવા પ્રશ્ને હાઈકમાન્ડના પેટનું પાણી હાલતું નથી અને હઠાગ્રહ કેમ રાખે છે? મૂળ વાત એ છે કે રાજકોટ ભાજપનો ગઢ છે.

ભાજપ રૂપાલાને ટિકીટ આપે તો જ બેઠક જીતાય એવું નથી. ગમે તે ઉમેદવારને ઊભા રાખો તો યે ભાજપ જ જતી જશે. તે નક્કી વાત છે. તો પછી હાઈકમાન્ડ રૂપાલાને ન બદલવાનો હઠાગ્રહ કેમ રાખે છે? ક્ષત્રિયો કદી રૂપાલાને સ્વીકારવા કે માફ કરવા તૈયાર નથી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ બહુ સાચી વાત દોહરાવી કે ભાજપ જો વડા પ્રધાન સાબરકાંઠા બંને ઉમેદવાર બદલી શકતી હોય તો રાજકોટ બેઠક પરથી રૂપાલાને બદલવામાં શું વાંધો છે? ભાજપનો કયો ગરાશ લૂંટાઈ જવાનો? કોઇ વ્યક્તિ વિરુદ્ધ બોલી શકાય. સમાજ વિરુદ્ધ ન બોલી શકાય. કેમ કે સમાજ એ સામુહિક લાગણીવાળો હોય છે.
તરસાડા – પ્રવીણ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top