Charchapatra

ચર્ચા-વિચાર માટે તૈયાર રહો

માનવજીવનમાં સમયાંતરે ચર્ચા આવકાર્ય છે. ક્યાંક એવું વાંચ્યું હતું, ‘લાખો પ્રશ્નો ઊઠે ત્યારે મૌન રાખી તો જુઓ.’ મૌનનો એક અનોખો મહિમા છે, પણ જરૂરી હોય ત્યાં ચર્ચા કરવામાં ન આવે તો ગાડી આડે પાટે ચઢી જાય એમ પણ બને. ચર્ચા એટલે મૌખિક વિચારવિનિમય, વિચારોની આપ-લે. જેનાથી મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન મળી શકે. આપણે ચર્ચા-વિચારણા એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. વિચારણા એટલે વિચાર, ચિંતન, મનન કરવું, પછી નિર્ણય લેવો. કેટલીક વાર ચર્ચા સીધી વાદ-વિવાદ પર ઊતરી જાય છે.

એકબીજા સાથે સામસામી તકરાર શરૂ થઈ જાય. જેમાં ટીકા, નિંદા અને મશ્કરી સાથે એક ઊહાપોહ જાગે. સંવાદ વિચારણા પ્રમાણે જે તે વિચાર અંગે વિવેચનાત્મક વાર્તાલાપ થવો જોઈએ. આમ પણ મિટિંગના નામે સામસામા સવાલ-જવાબ અને ભાંજગડ ચાલે. અલબત્ત, સામસામા પ્રશ્નો પૂછવા અને ઉત્તર આપવા સંબંધિત ચર્ચાઓ થવી જોઈએ. આપણે ત્યાં કહેવાતાં હોશિયાર લોકો એમ માને કે, સભામાં હું બોલું તો જ વટ પડે. કોઈ પણ બાબત હોય સાહેબ બોલે જ. પોતાના જ્ઞાનનું પ્રદર્શન પણ અચૂક  કરે. 

મુદ્દાસરની વાતચીત, ચર્ચા હોય તો ચાલે, પણ માત્ર વિરોધ પ્રકારની રજૂઆત કે સ્થિતિ, કોન્ટ્રોવર્સી સર્જી મનોમન આનંદ પામે. અદાલતમાં ચાલતો ઝઘડો કે દાવો હોય તેવી વાતો કરે. સાચી વાતોને એવા મોટા અવાજે વચ્ચેથી કાપે કે રજૂઆત કરનાર શાંત થઈ જાય. મારા એક સંબંધીએ વાત કરી તે મુજબ ફલાણા ભાઈ ગામની કોઈ પણ બેઠક, સભા, મિટિંગમાં અચૂક હાજરી આપે, પણ એજન્ડામાં હોય તે કામ બાજુમાં રહી જાય એવી ચર્ચામાં કરે. માત્ર, માત્ર અને માત્ર વિરોધમાં જ હોય. સારી બાબતોનો છેદ ઉડાડી દે. અવાજ પણ મોટો રાખે. બાકીના સભ્યો એમ માનીને ચાલે કે આ ભાઈને કોણ મોં આપે. જો કે બન્ને બાબતો હાનિકારક. જે તે ભાઈનો વિરોધ કરી ચર્ચા અટકાવી એજન્ડા મુજબ સભાની કાર્યવાહી આગળ ચાલવી જોઈએ.

વધુ વાદવિવાદ કરનારને દૂર કરવો અથવા મોટા ભાઈ કરવાનું છોડી દેવું હિતાવહ છે. પોતાની અંગત માન્યતાઓ, ખ્યાલો બીજા પર લાદી ન શકાય. હા, મતમતાંતર હોઈ શકે, પણ ચર્ચા-વિચારણા તો સ્વસ્થ હોવી જોઈએ. કોઈ પરિવર્તનની વાત હોય તો તેની શરૂઆત પોતાનાથી કરનાર સાચો શુભ ચિંતક કહેવાય. દરેક બાબતમાં કોન્ટ્રોવર્સી ન જ ચાલે. વિવાદ માટે તો અદાલત છે જ. કોઈ પણ પ્રશ્નોના સમાધાન માટે સૌને બોલવાની સરખી તક આપી અંતે નિર્ણય કરીએ તો મને લાગે છે કે, સૌ તેને માન્ય રાખશે. આવનાર ભવિષ્યમાં એ ઉપયોગી થઈ શકે છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top