Comments

લદાખનો પ્રશ્ન માત્ર લદાખનો નથી

મુખ્ય ધારાના સમાચારો માધ્યમોમાંથી લગભગ ગાયબ એવું એક મહત્વનુ આંદોલન અત્યારે લદાખના નાગરિકો ચલાવી રહ્યા છે. આ આંદોલન લદાખની સ્વયત્તા માટે, તેમના રાજકીય પ્ર્તિનિધત્વ માટે, તેમજ કુદરતી સંસાધનો પર સ્થાનિક લોકોનો કબ્જો જળવાઈ રહે એ માટેનું છે. 3 જી ફેબ્રુઆરીએ હજારોની સંખ્યામાં લેહના રસ્તાઑ ઉપર હજારોની સંખ્યામાં લોકોએ આવ્યા અને તેમની માંગ રજૂ કરી.  7 માર્ચથી સોનમ વાંગચૂક (જેમના આધારિત થ્રી ઈડિયટ ફિલ્મમાં આમિર ખાનનું પાત્ર ઘડાયું હતું) 21 દિવસના ઉપવાસ કર્યા – જેને તેમણે કલાઇમેટ ફાસ્ટ એટલે કે  પર્યાવરણ માટેના ઉપવાસનું નામ આપ્યું. લેહનું તાપમાન શૂન્યની નીચે 11 -12 ડિગ્રી ઉતારી ગયું ત્યારે પણ ખુલ્લા આકાશ નીચે દિવસ-રાત ઉપવાસ ચાલુ રહ્યા. એમના 21 દિવસના ઉપવાસ પૂરા થયા તો મહિલાઓ એ 10 દિવસના ઉપવાસ શરૂ કર્યા, ત્યાર બાદ લદાખના યુવાનોએ શરૂ કર્યા અને હવે બૌધ સાધુઓ કરશે.

કોઈ પ્રદેશની વસ્તીના વિવિધ સમુદાયો મોટી સંખ્યામાં જોડાય એ વાતની નોધ લેવાવી જોઈએ. પણ, અફસોસ મુખ્ય ધારા ના પ્રસાર માધ્યમો આ આંદોલનથી અત્યાર સુધી દૂર રહ્યા છે! ૨૦૧૯માં જ્યારે જમ્મુ અને કાશ્મીર માંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી ત્યારે લદાખને જુદું કેન્દ્ર શાસિત પ્રદેશ કરવામાં આવ્યું. લદાખના લોકો આ  નિર્ણયથી ખુશ હતા કારણકે, ભૌગોલિક, આર્થિક અને સાંસ્ક્રુતિક રીતે લદાખ કાશ્મીરથી સાવ ભિન્ન છે એટલે એમના પ્રશ્નો પણ અલગ છે. કાશ્મીરના અતિ પેચિદા રાજકારણમાં એમના આગવા પ્રશ્નો નજર અંદાજ થઈ જતાં હતા.

છૂટા પડયાથી એમના પ્રશ્નોને વાચા મળશે એવી એમની સમજ હતી. પણ, લદાખમાં વિધાનસભા બનાવવામાં આવી નથી. સાડા ચાર વર્ષોથી અહી શાસન કેન્દ્ર સરકારે નિમેલા લેફટનન્ટ ગવર્નર અને સરકારી અમલદારોની ફોજ દ્વારા ચાલે છે, જેમાં સ્થાનિક પ્રતિનિધિત્વ ઓછું છે. સંસદમાં લદાખ અને કારગિલ વચ્ચે માત્ર એક સાંસદ જેટલું જ રાજકીય પ્રતિનિધિત્વ છે. અહીના નાગરિકો માટે મહત્વના એવા મુદ્દાઓ પર હજુ વિમર્શ શરૂ જ નથી થયો . જેમકે, મૂળ નિવાસી આદિવાસીઓના ઓળખ અને તેમના હકનું રક્ષણ કરતાં કાયદા હજુ બન્યા નથી. સરકારી નોકરીમાં સ્થાનિક લોકોની ભરતી માટેની પ્રક્રિયા વિલંબાયા કરે છે. 

પ્રદેશના કુદરતી સંસાધનો અને પર્યાવરણની રક્ષા માટે કોઈ પ્રાદેશિક કાયદા નથી. સ્થાનિક લોકો માટે મહત્વના આ મુદ્દાઓ છોડીને નવેમ્બર 2023 માં ઔદ્યોગિક નીતિ આવી. ઉદ્યોગોને કેટલી જમીન ફાળવવી એ અંગેનો મુસદ્દો જાહેર કરાયો. સ્થાનિક લોકો માટે ઉદ્યોગ શરૂ કરવાની જોગવાઈ થઈ પણ બહારના રોકાણકારોએ માટે પણ દરવાજા ખૂલી ગયા. આ નીતિથી લોકોમાં આક્રોશ ઊભો થયો કારણકે ભૌગોલિક રીતે અતિ સંવેદનશીલ લદાખના કુદરતી સંસાધનો વાપરવા માટે કોર્પોરેટ સેક્ટર માટે દરવાજા ખૂલી ગયા.

હિમાલયની વચ્ચો વચ આવેલું લદાખ એક રણ પ્રદેશ છે. અહી વરસાદ બિલકુલ પડતો નથી. પાણીનો સ્ત્રોત શિયાળામાં થતી હિમ વર્ષા છે. અહીના પહાડો પર ખાસ કોઈ વનસ્પતિ નથી.  સીમાંત ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. છેલ્લા એક દાયકામાં પ્રવાસન વધ્યું છે, અને લોકોને એમાંથી રોજગાર પણ મળતો થયો છે. પણ, આ દસેક વર્ષોમાં જ આર્થિક વૃધ્ધિની સાથે સાથે પર્યાવરણ પર વધતાં ભારણની અસરો પણ દેખાવા લાગી છે. પાણીની અછત વાળા આ પ્રદેશનું પર્યાવરણ ચક્ર એટલું તો નાજુક છે  કે વિકાસ માટે બજારતંત્ર પર પ્રશ્નનું નિરાકરણ સોંપી શકાય એમ નથી. બજારના નિયમને અનુસરી ચાલતા પ્રવાસન વિકાસે અહીની પાણીની તંગીના પ્રશ્નને થોડા જ વર્ષોમાં આકરો બનાવી દીધો છે. સાથે પ્લાસ્ટિકનું પ્રદૂષણ તો ખરું જ.

લદાખ એવા પ્રદેશોમાંનો એક છે જ્યાં વિકાસ માટે નીવડેલાં ઉપાય ચાલે એમ નથી. એટલે અહીની સંસ્કૃતિ અને પ્રવૃત્તિને સમજીને નવા રસ્તા શોધવા પડે જે માટે સ્થાનિક નેતૃત્વનો અભિપ્રાય ધ્યાનમાં લેવો પડે. એટલે જ આ આંદોલનની એક મહત્વની માંગ છે કે અહીની આશરે 97 ટકા વસ્તી આદિવાસી છે એટલે એમને બંધારણના છઠ્ઠા શિડ્યુલનું રક્ષણ મળે જે આધારે તેઓ સ્વાયત્ત જિલ્લા પરિષદ રચી શકે જેની પાસે જંગલ કે ખેતીવાડી જેવા કુદરતી સંસાધનો અંગે કાયદા બનાવાની સત્તા હોય. લોકો દ્વારા ઘડાયેલા કાયદા પર્યાવરણના હિતમાં હોય એવું સામાન્ય રીતે જોવામાં આવ્યું છે. 

આ સંદર્ભે અહી એ પણ નોધવું જોઈએ કે કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગના એક રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગને કારણે  હિમાલયના 188  ગ્લેશિયર તળાવો પર અતિ ગંભીર ખતરો છે. વધતી ગરમીને કારણે આ તળાવો ખૂબ ઝડપથી પીગળી રહ્યા છે. આશરે ત્રણ કરોડની વસ્તી પર સીધું જોખમ છે. જો હિમાલયના ગ્લેશિયર તળાવોને કાઇ થાય તો ત્યાંથી નીકળતી નદીઓના પ્રવાહ પર અસર પાડવાની. જો નદીના મૂળમાં જ પાણી ઓસરી જશે તો મેદાનોને પણ પાણી ક્યાંથી મળશે?  જેનાથી દેશનો બાકીનો ભાગ પણ બચી નહીં શકે. આ 188 ગ્લેશિયર માંથી 26 તળાવો કાશ્મીર અને લદાખમાં આવેલા છે, જ્યાંથી સિંધુ જેવી મોટી નદી પણ નીકળે છે. ઉદ્યોગો માટે દરવાજા ખોલવામાં જો સાવચેતી નહીં રખાય તો અતિનાજુક સ્તરે પહોંચેલા પર્યાવરણને સીધો ધક્કો જ વાગવાનો ખતારો છે. એટલે આ પ્રશ્ન જેટલો લદાખનો છે એટલો બાકીના દેશનો પણ છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top