Business

એશિયન બેંકે ભારતના અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધાર્યો

નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના (India) જીડીપી (GDP) વૃદ્ધિ દરના અંદાજને વધારીને 7 ટકા કર્યો છે. અગાઉ બેન્કે વિકાસ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

એશિયન ડેવલપમેન્ટ બેન્કે કહ્યું છે કે ભારત એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં ‘મુખ્ય ગ્રોથ એન્જિન’ બની રહેશે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ના સભ્ય સંજીવ સાન્યાલે જણાવ્યું હતું કે ભારતની આર્થિક વૃદ્ધિનું પ્રદર્શન સારું છે પરંતુ તેને જાળવી રાખવા માટે હવે કેટલાક પ્રયત્નોની જરૂર પડશે.

કારણ કે બાહ્ય વાતાવરણ અંગેની ચિંતાઓ છે જેનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(RBI) નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી વૃદ્ધિ દર સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. સંજીવ સાન્યાલ કહે છે કે અમારું વર્તમાન આર્થિક વિકાસ પ્રદર્શન ઘણું સારું છે.

હવે અહીંથી કામ તેની જાળવણી કરવાનું રહેશે. જો હવામાન અને ચોમાસું સાનુકૂળ રહેશે તો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ નરમાશ આવશે તેવી અપેક્ષા છે. આનાથી એવી પરિસ્થિતિઓ સર્જાશે કે જે 7 ટકા કે તેથી વધુની વૃદ્ધિની ગતિ માટે તદ્દન અનુકૂળ હશે, જેનાથી અમુક અંશે અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકાશે.

સાન્યાલે કહ્યું કે નિકાસ ક્ષેત્ર નબળું છે અને વૈશ્વિક નિકાસમાં અત્યારે કોઈ ગતિ દેખાતી નથી. પશ્ચિમ એશિયામાં તણાવ, યુક્રેનિયન હુમલામાં રશિયન તેલ સુવિધાઓનો વિનાશ અને અન્ય ઘણા કારણોસર તાજેતરમાં તેલના ભાવમાં વધારો થયો અને બેરલ દીઠ યુએસ $ 91 સુધી પહોંચ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ મોટા ભાગે ઉત્પાદનની સમસ્યાના લીધે નથી, પરંતુ સંગ્રહની સમસ્યાના લીધે છે. નોકરીઓનું સર્જન કરવાની જરૂર છે.

ગ્રોથ કેવી રીતે થશે?
એશિયન ડેવલપમેન્ટ બેન્ક અનુસાર જાહેર અને ખાનગી ક્ષેત્રના રોકાણ અને કન્ઝ્યુમર ડિમાન્ડ મજબૂત વૃદ્ધિ તરફ દોરી જશે. નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2024-25માં મંદી હોવા છતાં વૃદ્ધિ મજબૂત રહેશે. જોકે, નાણાંકીય વર્ષ 2024-25 માટે વૃદ્ધિનો અંદાજ નાણાકીય વર્ષ 2022-23ના 7.6 ટકાના અંદાજ કરતાં ઓછો છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે ગયા વર્ષે ડિસેમ્બરમાં નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થાનો (Indian Economy) વિકાસ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

તાકાત શું છે?
ભારત માટે ADBના કન્ટ્રી ડાયરેક્ટર મિઓ ઓકા કહે છે કે વિશ્વની પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ભારત તેની મજબૂત સ્થાનિક માંગ અને નીતિઓના બળ પર સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે.

Most Popular

To Top