Dakshin Gujarat

ભરૂચની યુવા શિક્ષિકાએ આ ફિલ્મ સ્ટાર જેવું બોલ્ડ કામ કર્યું, વૃદ્ધ માતા માટે લગ્ન વિના કુંવારી માં બની

ભરૂચ(Bharuch): ભરૂચના એક યુવા શિક્ષિકાએ (Teacher) કમાલ કરી છે. પોતાની માતાની સંભાળ રાખવા માટે આ શિક્ષિકાને કોઈ પણ પુરુષનું શરણું સ્વીકારવાનું મંજૂર ન હતું. અને તેને જીવનમાં માતૃત્વ પ્રાપ્ત કરીને સંપૂર્ણ સ્ત્રીનું સૌભાગ્ય પણ પ્રાપ્ત કરવું હતું. આ યુવા શિક્ષિકાનું નામ છે ડિમ્પી પરમાર. તેણે સમાજ શું કહેશે તે વિચારવાનું છોડી ને વિજ્ઞાનના સહારે કુંવારી માતા બનવાનો પડકાર ઝીલી લીધો.

  • માતાને સાચવવા અને પોતાના માતૃત્વના સપનાને પૂર્ણ કરવા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બનતાં ડિમ્પી પરમાર
  • ભરૂચની ડિમ્પી પરમારે વિજ્ઞાનનો સહારો લઈ એક સુંદર બાળકીને જન્મ આપ્યો અને આ બાળકી પાછળ આજે ડિમ્પીનું નામ લખાય છે, જેનો ડિમ્પી પરમાર સહિત તમામ શિક્ષિકા બહેનો અદકેરો ગર્વ અનુભવે છે

હિંમતપૂર્વક પોતના નિર્ણયને અમલી બનાવવા મક્કમ ડિમ્પીએ ન તો સપ્તપદીના ફેરા લીધા છે, ન તો પતિ તરીકે કોઈ પુરુષનું આધિપત્ય સ્વીકાર્યું, માત્ર માતા બનવા માટે કુદરતે આપેલા સ્ત્રીના ઉમદા ખોળિયાને વિજ્ઞાનને સમર્પિત કરીને એક બાળકીને જન્મ આપ્યો છે. કુંવારી માતા બનેલી ડિમ્પી પરમાર નીડરતા અને મકક્મતા સાથે વુમન એમ્પાવરમેન્ટનું બેસ્ટ ઉદાહરણ છે. એટલું જ નહીં એક સ્ત્રી અને માતા તરીકે પણ ડિમ્પીએ પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. તેથી જ આજની તારીખે તેની બાળકી ધ્યાના પાછળ પિતા નહીં પણ માતાનું નામ લખાય છે…ધ્યાના ડિમ્પી પરમાર.

શિક્ષિકા ડિમ્પી પરમાર એક એવી માતા છે જે કુંવારી છે અને તેણે લગ્ન કર્યા નથી કે ત્યક્તા પણ નથી. ડિમ્પી પરમારની કુંવારી માતા બનવાની સફર રસપ્રદ છે. ભરૂચની નરનારાયણ સોસાયટીમાં રહેતા પરમાર પરિવારમાં એક દશકમાં એવું બન્યું કે કુટુંબનો દીકરો અને પિતા માંદગીના કારણે મૃત્યુ પામતા માતાની જવાબદરી ડિમ્પીના માથે આવી પડી હતી. ડિમ્પી 30 વર્ષની ઉંમર વટાવી ગઈ હોવાથી તેની મૂંઝવણ ધીરેધીરે વધી રહી હતી કેમકે એકતરફ લગ્નના ઘણા માંગા આવવા લાગ્યા હતા તો બીજી તરફ બીમાર માતાની દરકારની ચિંતા હતી. પોતાની માતાને તે છોડવા તૈયાર ન હતી અને ડિમ્પી માતા દિકરીની એકલતાની ચિંતા કર્યા કરતા હતા.

શરૂઆતમાં ડિમ્પીના આ બોલ્ડ સ્ટેપ માટે ગુજરાતની એકપણ તબીબી સંસ્થાએ સહમતી દર્શાવી ન હતી
આ સમસ્યાનો ઉકેલ કાઢવા ડિમ્પીએ ખુબ વિચાર કર્યો અને એક દિવસ તેના ધ્યાને આવ્યું કે ટીવી સિરિયલ નિર્માતા એકતા કપૂર કુંવારી માતા બન્યા છે. આ વિચાર તેના મનમાં ઘર કરી ગયો. ગૂગલ પર વિકલ્પ સર્ચ કરતા કરતા ડિમ્પીના ધ્યાને આવ્યું કે લગ્ન કે પતિ વગર પણ માતા બનવું શક્ય છે. એક કાયદાકીય પ્રક્રિયાને અનુસરી ડિમ્પી પરમારે પોતાની કુખે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. આ પ્રક્રિયા માટે ડિમ્પીએ પહેલા ગુજરાતના જાણીતા IVF સેન્ટરનો સંપર્ક કર્યો પણ ડીમ્પીના બોલ્ડ સ્ટેપ માટે ગુજરાતની એકપણ તબીબી સંસ્થાએ સહમતી દર્શાવી નહી.

છેવટે મુંબઈના ગાયનેકોલોજિસ્ટ ડો.રીતુ હિન્દુજાએ ડિમ્પીના વિચારોને બિરાદાવ્યા અને મદદરૂપ બન્યાં
તપાસના અંતે મુંબઈના અંધેરીના ગાયનેકોલોજિસ્ટ ડો. રીતુ હિન્દુજાએ મહિલાના વિચારને બિરદાવી તેના સ્વપ્નને સાકાર કરવા મદદરૂપ બનવાનું વચન આપી પહેલા એક લીગલ અને બાદમાં મેડિકલ પ્રોસેસ શરૂ કરાઈ હતી. સ્પર્મ બેન્કમાંથી સ્પર્મ મેળવી ડિમ્પીના ગર્ભાશયમાં મુકવામાં આવતા માત્ર 10 દિવસની સારવારમાં જ તેણીએ ગર્ભ ધારણ કરી લીધો હતો. ૯ મહિનાના ગર્ભ ધારણથી લઈ અનેક મેડિકલ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ, સંઘર્ષો અને પડકારોને પાર કરીને ડિમ્પી છેવટે એક સુંદર દીકરીની માતા બની હતી. બાળકીનું નામ ધ્યાના રાખવામાં આવ્યું છે.

મેં સમાજની રૂઢિચુસ્ત પ્રથાને પડકારી છે, એટલે મુશ્કેલી તો આવે પણ મારી દીકરીને હું ઉત્તમ નાગરિક બનાવીશ
કુંવારી માતા તરીકે ગર્ભ ધારણ કરી બાળકીને જન્મ આપનાર ડિમ્પી પરમારે જણાવ્યું હતું કે ‘હું જાણું છું મેં સમાજની રૂઢિચુસ્ત પ્રથાને પડકારી છે. હું દરેક પડકાર અને પ્રશ્નનો જવાબ નીડરતાથી આપીશ. મારી દીકરી ધ્યાના ડિમ્પી પરમાર સમાજ માટે એક નામ બનીને નહીં રહી જાય પણ પ્રતિષ્ઠિત અને ઉત્તમ નાગરિક બનશે. આ પ્રકારનું વચન ડિમ્પીએ પોતાની જાત અને દીકરીને પણ આપ્યું છે.

Most Popular

To Top