SURAT

સુરત મનપાએ હીટવેવ એક્શન પ્લાન તૈયાર કર્યો, આ રીતે લોકોને ગરમીથી બચાવશે!

સુરત (Surat): સુરત દરિયા (Sea) કિનારાનું શહેર હોવાથી અન્ય શહેરોની સરખામણીએ સુરતનું તાપમાન નીચું રહેતું હોય છે, પણ ભેજના (humidity) કારણે નાગરિકો સખત બફારાનો અનુભવ કરે છે. દરિયા કિનારાના કારણે સુરતની હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી જો તાપમાનનો (temperature) પારો ઉંચો જાય તો હીટવેવની (Heatwave) શકયતા વધી જાય છે. આમ શહેરમાં વધી રહેલા તાપમાનના પારાને નજરમાં રાખી તેનાથી બચવા માટે સુરત મનપા (SMC) હીટવેવ એકશન પ્લાન (Heatwave Action Plan) લોન્ચ કરવા જઈ રહી છે.

  • શહેરના રસ્તાઓ પર પાણી છંટાતું દેખાય તો આશ્ચર્ય નહીં પામતા!, વધતા તાપમાન સામે સુરત હીટવેવ એકશન પ્લાન લોન્ચ કરશે, હીટવેવ પ્લાન લોન્ચ કરનાર સુરત દેશનું પ્રથમ કોસ્ટલ શહેર બનશે
  • સુરત મનપાએ વર્ષ 2014માં હીટવેવ એકશન પ્લાન બનાવ્યો હતો, પરંતુ અમલમાં મુકયો નથી હવે અપગ્રેડ કરી લોન્ચ કરાશે
  • સતત વઘી રહેલા તાપમાનને જોતા સુરત જેવા શહેરમાં પણ હીટસ્ટ્રોકનું જોખમ વધ્યું હોય તંત્ર સાબદું થયું

સુરત હીટવેવ સામે એકશન પ્લાન અમલમાં મુકનારૂ દેશનું પ્રથમ કોસ્ટલ સિટી (Coastal City) બની જશે. ઉલ્લેખનિય છે કે સુરત મનપા દ્વારા 10 વર્ષ પહેલા બનાવાયેલા પરંતુ અભેરાઇ પર ચડી ગયેલા ‘હીટવેવ એકશન પ્લાન’ને અપગ્રેડ કરી લોન્ચ કરવા સોમવારે મનપા કમિશનર શાલિની અગ્રવાલે મીટીંગ બોલાવી છે.

કોઇ પણ દરિયા કિનારાના શહેરમાં તાપમાનનો પારો 37 ડીગ્રી સુધી ઉંચો જાય તે સ્વાભાવિક ગણાય છે. પરંતુ તેની ઉપર જાય ત્યારે હીટવેવની ચિંતા સતાવે છે તેવો હવામાન ખાતાનો અભ્યાસ છે. છેલ્લા થોડા વરસોથી શહેરના તાપમાનનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે શહેરમાં પણ દર વર્ષે આગલા વર્ષ કરતા તાપમાનનો પારો વધી રહ્યો છે.

ગત વર્ષે તાપમાનનો પારો 41 ડિગ્રીને પણ પાર કરી ગયો હતો. ત્યારે હવે સુરત મનપાએ હીટવેવ સંબંધી એકશન પ્લાન અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. મનપા કમિશનરે ‘હીટવેવ એકશન પ્લાન’ની અમલવારી મુદ્દે તમામ વિભાગો અને ઝોનના અધિકારીઓની મીટીંગ બોલાવી છે. તેમજ હીટવેવની સ્થિતિમાં કયા વિભાગે શું કરવું તેનું માર્ગદશન આપી જવાબદારી નકકી કરાશે.

અત્રે ઉલ્લખનીય છે, કે સુરત મનપા દ્વારા વર્ષ 2014માં હીટવેવ સબંધી એકશન પ્લાન બનાવ્યો હતો. જોકે તેનો આજ સુધી અમલ કરવાની જરૂર પડી નથી તેથી લોન્ચ થયો નહોતો, પરંતું હવે જે રીતે કલાઇમેન્ટ ચેન્જની અસર સુરતમાં જોવા મળી રહી છે. તે જોતા જુના એકશન પ્લાનને મોડીફાઇડ બનાવી લોન્ચ કરાશે.

2004માં સુરતનું તાપમાન 44 ડિગ્રી પર પહોંચી ગયું હતું
છેલ્લા થોડા સમયથી કલાયમેન્ટ ચેન્જની અસરો વચ્ચે દેશના અન્ય શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન સતત ઉંચુ જઇ રહ્યું છે. વર્ષ 2004માં તો એક દિવસ સુરતમાં 44.44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આજ સુધીનું સર્વાધિક છે. જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી તાપમાન 42 ડિગ્રી થઈ જવું સામાન્ય બની ગયું છે. ત્યારે હવે હીટસ્ટ્રોકનું જોખમ સુરતવાસીઓ પર વધ્યું છે.

એકશન પ્લાનમાં શું છે ?

  • હીટવેવની સ્થિતિ હોય ત્યારે રસ્તા પર પાણી છાંટી રસ્તા ભીના કરાશે.
  • બપોરે ઘરમાંથી નીકળવાનું ટાળવા શહેરીજનોને સલાહ અપાશે.
  • સ્કુલ-કોલેજોમાં તકેદારી અંગે ગાઇડ-લાઇન બહાર પડાશે.
  • ગાર્ડન વિભાગ દ્વારા ગ્રીનરી વધારવા માટે વધુ સધન પ્રયાસો કરાશે
  • હોસ્પિટલોમાં હીટવેવના દર્દીને તુરંત રાહત થાય તે માટે જરૂરી સાધનો તૈનાત કરાશે.
  • હવામાન વિભાગ પાસેથી આગામી પાંચ પાંચ દિવસના વેધર ફોરકાસ્ટ મંગાવાશે.
  • મનપા દ્વારા તમામ પ્રચાર માધ્યમોમાં હીટ સ્ટ્રોકથી બચવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાશે.
  • મનપાની ઓફિસો, હોસ્પિટલોમાં વેઇટીંગ લોંજમાં લોકો માર્ગદર્શિકા જોઇ શકે તેવી વ્યવસ્થા કરાશે
  • ગરમીમાં કેવા કપડાં પહેરવા, શું ખાવું વગેરે સલાહ સુચનો પ્રસારીત કરાશે.
  • કેવા પ્રકારના ફળો હીટસ્ટ્રોકની અસરથી બચાવી શકે તેનું માર્ગદર્શન અપાશે

Most Popular

To Top