World

સિડની મોલમાં ફાયરિંગ અને છરાબાજી, હુમલાખોર સહિત 5ના મોત, ઘણા ઘાયલ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) સિડની શહેરના એક શોપિંગ મોલમાં (Shopping mall) કેટલાક લોકોએ ફારિંગ અને છરાબાજી કરી હતી. અહીં 13 એપ્રિલે સવારે કેટલાક માથા ભારે લોકોએ અરાજક્તા (Anarchy) ફેલાવી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાયુ હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી. અહીં ગોળીબારનો અવાજ સંભળાયો હતો તેમજ કેટલાક માથાભારે લોકોએ મોલના દુકાનદારો સહિત અન્ય લોકોને પણ છરાના ઘા માર્યા હતા. હાલ પોલીસ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસ દ્વારા એક્શન લેવામાં આવે તે પહેલા જ એક વ્યક્તિએ એક મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને છરા મારવાનું શરૂ કર્યું હતું. એક સાક્ષીના જણાવ્યા મુજબ તેણે ચોથા માળ પર જેડી સ્પોર્ટ્સ સ્ટોરની સામે બે યુવાનોના મૃતદેહ જોયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ઘટના સ્થળે પોલીસ ઘણી દુકાનોમાં પીડિતોના જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી, જ્યારે ભીડવાળા મોલમાં આખા ફ્લોર પર લોહી પથરાયેલું હતું. શનિવારની ઘટના બાદ સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરમાંથી સેંકડો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “શનિવારની સાંજે 4 વાગ્યા પહેલા વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન પર ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી.” તેમજ લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી. હાલ ઘટના અંગે શોધ ખોળ ચાલું છે.

સ્થાનિક મીડિયાના અહેવાલોમાં એક છોકરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ આ છોકરી દ્વારા તેણીના માતાપિતાને મોકલવામાં આવેલા ટેક્સ્ટ મેસેજનું વર્ણન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેણીએ મોલમાં ગોળીબાર સાંભળ્યો હતો અને તેણી પોતાનો જીવ બચાવવા શોરૂમની અંદર છુપાઈ ગઈ હતી.

આ ઘટના બાદ મોલની અંદરના અન્ય દુકાનદારોએ પણ લોકોનો જીવ બચાવવા તેમના શટર બંધ કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી ઘણી પોસ્ટમાં જણાવવમાં આવ્યું હતું કે, મોલમાં ઘણા લોકોને દુકાનોની અંદર લાવવામાં આવ્યા હતા અને દુકાનદારોએ પોતાની દુકાનના શટર નીચે પાડી દીધા હતા. જેથી શોપિંગ કરવા મોલમાં ગયેલા લોકોનો જીવ બચાવી શકાય.

પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા, તેમજ આ ઘાયલોની હાલત ખુબ જ ગંભીર છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી કેટલીક પોસ્ટમાં લોકો ગભરાટમાં મોલની બહાર દોડતા નજરે પડ્યા હતા અને પોલીસ વાહનો અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચતી જોવા મળી હતી.

Most Popular

To Top