Gujarat

હવે દાવાનળ હદ બહાર જઈ રહ્યો છે, જે કાંઈ થશે તે ભાજપ નેતૃત્વની જવાબદારી: કાઠી ક્ષત્રિય સમાજ

ગાંધીનગર: (Gandhinagar) પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ (Protest) કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગઈકાલે કાઠી ક્ષત્રિય સમાજની એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ રૂપાલાને સમર્થન જાહેર કર્યું હતું. જોકે 24 કલાકમાં જ કાઠી ક્ષત્રિય સમાજના સુર બદલાયા હતા અને આજે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોની રાજકોટમાં ગરાસિયા રાજપુત છાત્રાલય ખાતે બેઠક યોજી, પત્રકાર પરિષદમાં કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધમાં છે અને રહેશે, કાઠી ક્ષત્રિય સમાજની રૂપાલાને માફી નહીં, તેવી જાહેરાત કરી હતી.

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન પ્રતાપ ખુમાણે કહ્યું હતું કે અમારે અંદરો અંદર કોઈ જ વિખવાદ નથી, એ પણ અમારા સન્માનિય વડીલ ભાઈઓ છે, ગઈકાલે કહેવાયેલું અર્ધ સત્ય હતું. ગઈકાલે કહ્યું હતું કે રાષ્ટ્રીય લેવલે મોદીને ધ્યાનમાં રાખીને જતું કરવું જોઈએ પરંતુ સવાલ એ છે કે ભાજપનો કોઈએ વિરોધ કર્યો નથી. અહીં એકમાત્ર ઉમેદવારનો જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિનો વિરોધ છે, ભાજપ પાર્ટીનો કે મોદીનો નહીં. કોઈ એક વ્યક્તિ સમાજનો ઠેકો ના લઈ શકે. હવે દાવાનળ કંટ્રોલ બહાર જઈ રહ્યો છે. માન હોય પરંતુ ક્યાં સુધી આટલા બધા દિવસોથી વિરોધ ચાલી રહ્યો હોવા છતાં ભાજપના પેટનું પાણી હાલતું નથી.

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન પ્રતાપ ખુમાણે વધુમાં કહ્યું હતું કે ગઈકાલે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તે રાજકીય પ્રેરિત હતી. આ અંગે સમાજના કોઈપણ આગેવાનોને કે જ્ઞાતિના કોઈપણ લોક આગેવાનોને બોલાવવામાં આવ્યા નથી. પત્રકાર પરિષદ જે જગ્યા ઉપર એટલે કે કમલમ ખાતે યોજાઇ હતી તેના પરથી જ સ્પષ્ટ જણાઈ આવે છે કે, આ બેઠક રાજકીય પ્રેરિત હતી. ગઈકાલે કહેવામાં આવેલી વાત અર્ધસત્ય છે. કદાચ કોઈક દબાણમાં, ધંધાકીય હિતને કારણે, વ્યક્તિગત કારણોસર તેઓએ વાત કહી હશે. પરંતુ આજે બીજું પણ એક એ સત્ય છે કે કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવાની બાબતે કોઈપણ ભોગે તૈયાર નથી. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં કાઠી ક્ષત્રિય સમાજ તન મન ધનથી જોડાયેલો છે.

કાઠી ક્ષત્રિય સમાજના યુવા આગેવાન ભરત વાળાએ જણાવ્યું હતું કે ગઈકાલે જે વાત કરવામાં આવી છે તે માત્ર કોઈ એક ગ્રુપ દ્વારા કે ભાજપ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા કરાય છે. તેઓએ રૂપાલાને સમર્થન આપ્યું હશે, પરંતુ જે સમાજએ બીજાની બહેન દીકરીઓ માટે માથા આપી દીધા હોય, તે સમાજ પોતાની જ બહેન દીકરીઓ માટે કોઈપણ ભોગે બાંધ છોડ કરવા તૈયાર નથી. આગામી 16 મી એપ્રિલ સુધીમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તેના ખૂબ ગંભીર પરિણામો આવશે. ક્ષત્રિય સમાજ જરૂર પડે ભાજપને પણ છોડી દેશે.

ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ રસ્તા પર ઉતરી છે, ત્યારે તેમની સુરક્ષાનું શું ? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતુ કે અમારી ક્ષત્રિયાણીઓ કોઈનાથી ડરતી નથી. એ પોતાની રક્ષા કરવા સક્ષમ છે, તે સ્વયમ એક શક્તિ છે. આવતીકાલે રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં પાંચ લાખથી વધુ ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડનાર છે. ક્ષત્રિય સમાજના લોકો સ્વયં આ મહા સંમેલનમાં જોડાનાર છે. લોકોને બસોમાં બેસાડીને કે ફ્રુટ પેકેટ આપીને લાવવામાં આવનાર નથી. ક્ષત્રિય સમાજ સ્વયંભૂ સંમેલનમાં ભાગ લેવા નીકળી પડ્યો છે.

હિંમતનગરમાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભારે મેદની ઉમટી પડતાં મંડપ નાનો પડ્યો
ગાંધીનગર : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી પડ્યો છે, હવે ક્ષત્રિય સમાજ જાણે મરણિયો બન્યો હોય તેમ આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. હિંમતનગરમાં આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઊમટી પડ્યા હતા. આ કાર્યક્રમને પ્રચંડ સમર્થન મળતા મંડપ પણ નાનો પડી ગયો હતો. આ સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કારણસિંહ ચાવડાએ કહ્યું હતું કે ક્ષત્રિય અસ્મિતાની લડાઈમાં પરસોત્તમ રૂપાલાનું સમર્થન કરતા લોકો દુર્યોધન ગણાશે.

હિંમતનગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનને સંબોધતા ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ વધુમાં કહ્યું હતું કે રૂપાલાની બુદ્ધિ બગડી છે, અને તેમના પતનની શરૂઆત છે. ક્ષત્રિયોનો જન્મ કોઈ પાર્ટીના પેજ પ્રમુખ થવા માટે બન્યો નથી. આ ધર્મયુદ્ધ છે, અને તેનાથી નવો ઇતિહાસ સર્જાશે. આ માથા કાપવાનો નહીં, પણ માથા ભેગા કરવાનો સમય છે. આ સાથે તેમણે ચાલો રાજકોટનો નારો આપ્યો હતો. આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાનાર છે.

કરણસિંહ ચાવડાએ વધુમાં કહ્યું હતું કે ક્ષત્રિયોની ધીરજ હવે ખૂટી રહી છે, તેમની પરીક્ષા લેવાનું બંધ કરો. ક્ષત્રિયો હજુ સંયમમાં છે. અમારી એક જ માંગ છે કે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, જો રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે, તો રાજકોટ કલેકટર કચેરી બહાર જ ક્ષત્રિય નિર્જળા ઉપવાસ કરશે.

Most Popular

To Top