Charotar

વરસોલાના બે યુવકનું ટ્રક ટક્કરે મોત થતાં ગમગીની

મહેમદાવાદના પગપાળા સંઘને ભાવનગર પાસે અકસ્માત નડતાં ચારના મોત

બે મૃતકોના મૃતદેહને ગામમાં લવાતા ગામમાં ભારે આક્રંદ છવાયો

મહેમદાવાદના વરસોલા ગામ માટે રવિવારની પરોઢ આઘાત જનક બની છે. આ ગામથી 9મી એપ્રિલના રોજ ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે એક સંઘ ભાવનગરના રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શને જવા માટે રવાના થયો હતો. રસ્તામાં જ ભાવનગર પાસેના હાઈવે પર રવિવારે વહેલી સવારે મોત બની આવેલી ટ્રકે કેટલાક પદયાત્રીઓને કચડ્યા હતા. જેમાંથી 3 પદયાત્રીઓના ઘટના સ્થળે તો અન્ય એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. આ અકસ્માત બાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતકોની ડેડબોડી તેમના પરિવારજનોને સોંપી હતી. જે બાદ વરસોલાના બે મૃતકોને ગામમાં લવાતા ગામમાં ભારે ગમગીની સાથે આક્રંદ છવાયો હતો.

મહેમદાવાદના વરસોલાથી અંદાજિત 40 વ્યક્તિઓ સાથે નીકળેલો સંઘ આક્રંદ અને ગમગીની સાથે પરત ગામમાં આવ્યો છે. છેલ્લા ઘણાં વર્ષોથી ચૈત્રી નવરાત્રીની આઠમે નિયમિત આ સંઘ માતાજીની ધજા સાથે રાજપર આવે છે અને દર્શન કરે છે. લગભગ મંદિરથી ગણતરીના કીમીના અંતરે હતા. ત્યારે જ ગોઝારી દૂર્ઘટના બની છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ભાવનગર પાસેના હાઈવે પરથી પસાર થતા આ સંઘના કેટલાક સભ્યોને બેકાબૂ ટ્રકે અડફેટે લીધા અને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ ગોઝારા અકસ્માતમાં 3 પદયાત્રીઓના ઘટના સ્થળે તો અન્ય એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. કુલ 4 લોકોના મોત બાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતકોની ડેડબોડી તેમના પરિવારજનોને સોંપી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને સાણંદ ખાતે તો અન્ય બે મૃતકોને વરસોલા ગામમાં લાવવામાં આવ્યા હતા. આવી કરૂણાંતિકાને પગલે ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. પરિવારમાં પણ હૈયાફાટ આક્રંદ જોવા મળ્યું હતું.

મૃતકોમાં વિજય ગઢવી અને તેના પિતા ધિરૂભાઈ ગઢવી બંને ખેતીકામ કરતા હતા. જ્યારે અન્ય મૃતક જયંતિભાઈ ઉર્ફે બકાભાઈ છોટાભાઈ પટેલ પોતે ખેતીકામ કરતા હતા. આ ઉપરાંત મૃતક પ્રતાપસિંહ ચૌહાણ પોતે કડીયાકામ કરતા હતા. પ્રતાપસિંહને  2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ કાળમુખા ગોઝારા અકસ્માતમાં પટેલ, ચૌહાણ અને ગઢવી એમ ત્રણેય પરિવારોના માળો વિખરાતા આ ત્રણેય પરિવારમાં હૈયાફાટ આક્રંદ જોવા મળ્યો છે.મૃતક જયંતિભાઈ પટેલ અને પ્રતાપસિંહ ચૌહાણના મૃતદેહને રવિવારની ઢળતી સાંજે વરસોલા ગામમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવારના સભ્યોએ ભારે આક્રંદ સાથે મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે. આ બનાવના પગલે સંપૂર્ણ ગામ હિબકે ચઢ્યું હતું.

Most Popular

To Top