Dakshin Gujarat

નવસારી-ગણદેવી રોડ પર નશામાં ધૂત કાર ચાલકે 3 વાહનને અડફેટે ચઢાવ્યા

નવસારી: (Navsari) નવસારી-ગણદેવી રોડ પર જમાલપોર ગામ પાસે નશામાં ધૂત કાર (Car) ચાલકે 3 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઈક ચાલક ડીલીવરી મેનને 15 ફૂટ સુધી ઘસડ્યો હતો અને એક વૃદ્ધાને ટક્કર મારતા બંનેને શરીરે ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ નશામાં ચુર કાર ચાલકને ઝડપી પાડી નવસારી ગ્રામ્ય પોલીસને હવાલે કરી દીધો છે.

  • ડીલીવરી મેનને 15 ફૂટ ઘસડ્યો અને એક વૃદ્ધાને ટક્કર મારતા બંને ઈજાગ્રસ્ત થયા
  • નવસારી-ગણદેવી રોડ પર જમાલપોર ગામ પાસે સ્થાનિકોએ નશામાં ચુર કાર ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં હાલમાં અકસ્માતો વધી રહ્યા છે. નેશનલ હાઈવે નં. 48 ઉપર તેમજ નવસારી શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં કેટલાક તો જીવલેણ અકસ્માતો પણ થઈ રહ્યા છે. બીજી તરફ નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. છતાં પણ વાહન ચાલકો બેફામ વાહનો હંકારી રહ્યા છે.

આજે નવસારી-ગણદેવી રોડ પર જમાલપોર ગામ પાસે એક કાર ચાલકે નશામાં ધૂત થઈ અકસ્માતો સર્જ્યા હતા. નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર ભાવનાબેન પટેલ (ઉ.વ.આ. 55) ને ટક્કર મારી હતી. જેના પગલે ભાવનાબેનને શરીરે ઈજાઓ થઈ હતી. આ સિવાય કાર ચાલકે બાઈક ચાલક ડીલવરી મેનને પણ અડફેટે લેતા ડીલવરી મેન દિપક દાફડા રસ્તા પર પટકાયા હતા જેને કાર ચાલકે દિપક દાફડાને 15 ફૂટ સુધી ઘસડ્યો હતો. જેના પગલે દિપકને પણ શરીરે અને માથાના ભાગે ઈજાઓ થતા ઘટના સ્થળે લોકટોળું ભેગું થઈ ગયું હતું. જેથી ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ નશામાં ધૂત કાર ચાલકને ઝડપી પાડી નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી દીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત ભાવનાબેન અને દિપકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ આ લખાય છે ત્યાં સુધી આ ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસે કોઈ ગુનો નોંધ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top