National

રામ લલાના ‘સૂર્ય તિલક’ની તસવીરો જોઈને પીએમ મોદી ભાવુક થયા, પગરખાં ઉતારી કર્યા દર્શન

આસામઃ રામનવમી (Ram Navami) નિમિત્તે આજે અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક (Surya Tilak) કરવામાં આવ્યું હતું. આ એક અદ્ભુત ક્ષણ હતી. સમગ્ર મંદિર પરિસર રામનામથી ગુંજી રહ્યુ હતું. ચોમેર શંખનાદ અને ઘંટડીના અવાજ સાથે રામ નવમીના શ્રી રામ ભગવાનના સૂર્ય તિલકનું મંગળ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું.

રામ લલાના તિલકની આ પ્રક્રિયા અરીસાઓ અને લેન્સનો સમાવેશ કરતી વિસ્તૃત સિસ્ટમ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ સિસ્ટમ દ્વારા સૂર્યના કિરણો રામ લલાના મસ્તક સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જેના કારણે રામ નવમીના અવસર પર ભક્તોને આ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. આ સાથે જ આજની આ ક્ષણના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાક્ષી બન્યા હતા. તેમણે આ અદ્ભુત ક્ષણનો વીડિયો ટેબ દ્વારા જોયો હતો. તેમજ આ વીડિયો જોઈને તેઓ શ્રદ્ધા સાથે ભાવુક પણ દેખાયા હતા.

એક અદ્ભુત ક્ષણના સાક્ષી બનવા માટે અપીલ કરો
આજે વડાપ્રધાન ચૂંટણી પ્રચાર માટે આસામના નલબારીમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમજ પોતાના સંબોધનમાં તેમણે લોકોને આ અદ્ભુત ક્ષણના સાક્ષી બનવાની અપીલ પણ કરી હતી. તેમના સંબોધન દરમિયાન, તેમણે મોબાઈલની ફ્લેશ લાઈટ પ્રગટાવી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે લોકોએ આ અદ્ભુત ક્ષણના સાક્ષી થવું જોઈએ. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને ટેબ પર ‘સૂર્ય તિલક’નો વીડિયો સંપૂર્ણ ભક્તિભાવ સાથે નિહાળ્યો હતો.

હેલિકોપ્ટરમાં ચંપલ ઉતાર્યા બાદ જોયો વીડિયો
આ વિડીયો જોતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ચંપલ ઉતાર્યા અને પૂર્ણ આદર સાથે સૂર્ય તિલકના અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભગવાન રામને હૃદય પર હાથ રાખીને અને માથું નમાવીને નમન કરતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સંબંધિત એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું- નલબારી સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણ જોવાનો લહાવો મળ્યો. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.

દર વર્ષે રામ નવમી પર સૂર્ય તિલક કરવામાં આવશે
આજે 17 એપ્રિલના રોજ અયોધ્યા રામ મંદિરમાં લગભગ ચાર-પાંચ મિનિટ સુધી રામ લલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ તે ક્ષણ હતી જ્યારે સૂર્યના કિરણો સીધા રામ લલ્લાની મૂર્તિના મસ્તક ઉપર કેન્દ્રિત હતા. મંદિર પ્રશાસને ભીડથી બચવા માટે સૂર્ય તિલક સમયે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

સૂર્ય તિલક પ્રોજેક્ટનો મૂળ ઉદ્દેશ્ય રામ નવમીના દિવસે શ્રી રામની મૂર્તિના મસ્તક ઉપર તિલક લગાવવાનો છે. તેમજ હવેથી દર વર્ષે ચૈત્ર માસમાં શ્રી રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી સૂર્યપ્રકાશ સાથે ભગવાન રામના કપાળ પર તિલક લગાવવામાં આવશે. દર વર્ષે આ દિવસે આકાશમાં સૂર્યની સ્થિતિ બદલાય છે. તેથી તિલકના યંત્રની સ્થિતી પણ સાનુકુળ સેટ કરવામાં આવશે.

Most Popular

To Top